ઑસ્કર 2018: ફ્રાંસેસ મેકડોરમેન્ડના એવોર્ડની ચોરી, આરોપીની ધરપકડ

ફ્રાંસેસ મેકડોરમેન્ડ Image copyright AFP

મનોરંજન જગતમાં સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ગણાતા ઑસ્કર ઍવૉર્ડ મેળવવાની દરેક કલાકારની ચાહ હોય છે. પણ જો તે ઍવૉર્ડ મળ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ચોરી થઈ જાય તો?

આવું જ કંઇક થયું ઑસ્કર ઍવૉર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ જીતી ચૂકેલાં ફ્રાંસેસ મેકડોરમેન્ડ સાથે. તેમને ઍવૉર્ડ તો મળ્યો, પણ થોડી જ વારમાં તેની ચોરી પણ થઈ ગઈ.

જોકે, રાહતની વાત એ છે કે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી ઍવૉર્ડ પરત મેળવી લીધો છે અને તેને ફ્રાંસેસ મેકડોરમેન્ડને સોંપી દીધો છે.

તમને આ પણ વાંચવું ગમશે

લોસ એન્જ્લસ પોલીસે સુનિશ્ચિત કર્યું છે કે ઍવૉર્ડ ચોરી મામલે ટેરી બ્રયાન્ટ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. જોકે, તેમને 20 હજાર ડૉલર (આશરે 12,99,500 રૂપિયા) નો મુચરકો ભરી જામીન મળી ગયા છે.

અભિનેત્રી ફ્રાંસેસ મેકડોરમેન્ડના પ્રવક્તાએ USA જણાવ્યું છે, "ફ્રાન અને ઑસ્કરનું આખરે મિલન થઈ ગયું છે અને તેઓ સાથે મળીને બર્ગરની મજા લઈ રહ્યા છે."


ગવર્નર બૉલમાં ટિકિટ હોલ્ડર હતા બ્રયાન્ટ

Image copyright Getty Images

લોસ એન્જ્લસના પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે બ્રયાન્ટ ગવર્નર બૉલમાં ટિકિટ હોલ્ડર હતા, જ્યાં ઍવૉર્ડ સમારોહ બાદ ડિનરની વ્યવસ્થા કરવામાં આવે છે.

મેકડોરમેન્ડે ગવર્નર બૉલમાં પહેલેથી ઑસ્કર ઍવૉર્ડ પર પોતાનું નામ કોતરી નાખ્યું હતું અને ત્યારબાદ તે ઍવૉર્ડ ગુમ થયો હતો.

મહત્ત્વનું એ છે કે ફ્રાંસેસ મેકડોરમેન્ડને 'થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિસૌરી' ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો હતો.

આ ફિલ્મમાં તેમણે એક એવી મા મિલ્ડ્રેડ હેયસની ભૂમિકા ભજવી છે, જે પોતાની દીકરી સાથે થયેલા દુષ્કર્મ તેમજ હત્યાથી દુઃખી છે.

મેકડોરમેન્ડનો આ બીજો ઑસ્કર ઍવૉર્ડ છે. આ અગાઉ 21 વર્ષ પહેલા તેમણે ફિલ્મ ફાર્ગો માટે પહેલો ઑસ્કર જીત્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો