Coke નવું પીણું લૉન્ચ કરવા જઈ રહી છે તે આલ્કોપોપ છે શું?

કોકા-કોલાની બોટલોનો ફોટોગ્રાફ Image copyright AFP/GETTY IMAGES

ઠંડા પીણાંની વિખ્યાત કંપની કોકા-કોલા તેના 125 વર્ષના ઇતિહાસમાં જાપાનમાં સૌપ્રથમવાર આલ્કોહોલ યુક્ત ડ્રિંક બનાવશે. આ પીણું આલ્કોપોપ સ્ટાઇલની પ્રોડક્ટ હશે.

શોચુ નામના સ્થાનિક દારૂયુક્ત ચુ-હાઈ નામક સ્પાર્કલિંગ ફ્લેવર્ડ ડ્રિંક્સને વધુને જાપાનીઓ પસંદ કરતાં થયાં છે, ત્યારે કોકા-કોલા તેનો લાભ લેવા આતુર છે.

આ પ્રોડક્ટમાં ત્રણથી આઠ ટકા જેટલો આલ્કોહોલ હોય છે.

જાપાનમાંના કોકા-કોલાના એક સીનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે એક ચોક્કસ પ્રકારના માર્કેટમાં અમુક હિસ્સો અંકે કરવાના હેતુસર આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.


દારૂ-સોડાયુક્ત પીણું

Image copyright Getty Images

કોકા-કોલાના જાપાનના પ્રેસિડેન્ટ જોર્ગે ગાર્ડુનોએ કહ્યું હતું, "આલ્કોહોલનું ઓછું પ્રમાણ ધરાવતાં પીણાંના વર્ગમાં અગાઉ અમે પ્રયોગ કર્યા નથી.

"જોકે, પાયાના બિઝનેસની બહારના ક્ષેત્રમાં કઈ રીતે સતત તક શોધતા રહેવું તેનું આ ઉદાહરણ છે."

જાપાન બહાર આ નવું પીણું વેંચવામાં આવે એવી શક્યતા નથી, એવું તેમણે જણાવ્યું હતું.

'હાઈ-બોલ' એટલે દારૂ અને સોડાયુક્ત પીણું. ચુ-હાઈ 'શોચુ' એ હાઈ-બોલનું ટૂંકું શબ્દસ્વરૂપ છે.

બીયરના વિકલ્પ સ્વરૂપે ચુ-હાઈનું માર્કેટિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને દારૂનું સેવન કરતી મહિલાઓમાં એ વધારે લોકપ્રિય પૂરવાર થઈ રહ્યું છે.

કિર્કિન, સન્ટોરી અને અસાહી સહિતની જાપાનની મોડી ડ્રિંક ઉત્પાદક કંપનીઓ પાસે આ ડ્રિંકની તમામ વેરાઇટીઓ છે. આ કંપનીઓ નવી-નવી ફ્લેવર્સ માટે પ્રયોગ પણ કરતી રહે છે.


'પ્રીમિયમ સેગમેન્ટ પર નજર'

Image copyright Getty Images

યુવા ગ્રાહકો આરોગ્ય પ્રત્યે વધારે સભાન બની રહ્યા છે ત્યારે કોકા-કોલા ફિઝ્ઝી ડ્રિંક્સ (એવાં પીણાં જેમાં કાર્બન ડાયોક્સાઇડ હોય) ઉપરાંત પાણી અને ટી બ્રાન્ડ્ઝના ક્ષેત્રમાં વૈવિધ્યકરણ કરી રહી છે.

વેલ્સ ફાર્ગોના વિશ્લેષક બોની હર્ઝોગે ગયા નવેમ્બરમાં જણાવ્યું હતું કે કોકા-કોલાની નજર એડલ્ટ ક્રાફ્ટ ડ્રિન્ક્સ જેવા પ્રીમિયમ સેગમેન્ટ્સ પર હોવાથી એ આલ્કોહોલયુક્ત પીણું બનાવી શકે છે.

સ્વાદમાં ગળ્યાં પણ આલ્કોહોલયુક્ત ડ્રિંક્સને આલ્કોપોપ કહેવામાં આવે છે અને 'હૂક', 'રીફ', 'સ્મર્નૉફ આઈસ' તથા 'બકાર્ડી બ્રીઝર' જેવી બ્રિટીશ બ્રાન્ડ્ઝ 1990ના દાયકામાં અત્યંત લોકપ્રિય બની હતી.

જોકે, આ ડ્રિંક્સ વિવાદાસ્પદ હતાં અને એ પીવાનું આસાન હોવાથી યુવા લોકો મોટા પ્રમાણમાં દારૂ પીતા થઈ જશે એવી ચિંતા ઊભી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો