રશિયાઃ બીબીસી પત્રકારે સાંસદ પર લગાવ્યો સતામણીનો આરોપ

લિયોનેડ સ્લૂત્સકી Image copyright Alamy
ફોટો લાઈન વરિષ્ઠ નેતા લિયોનેડ સ્લૂત્સકીએ પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા છે

બીબીસીનાં એક પત્રકારે રશિયાના વરિષ્ઠ નેતા લિયોનેડ સ્લૂત્સકી પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે.

બીબીસી રશિયન સેવાના ફરીદા રુસ્તમોવા ત્રીજા પત્રકાર છે, જેમણે જાહેરમાં લિયોનેડ સ્લૂત્સકી પર અનુચિત વ્યવ્હારના આરોપ લગાવ્યા છે.

સ્લૂત્સકીએ આ દરેક આરોપને ફગાવ્યા છે અને આરોપ મૂકનાર મહિલાને કોર્ટમાં લઈ જવાની ધમકી આપી છે.

રુસ્તમોવાએ પોતાની સાથે એક વર્ષ પહેલાં થયેલી આ ઘટનાનો ઑડિયો રેકોર્ડ કર્યો હતો, જે બીબીસી પાસે સુરક્ષિત છે. બીબીસીએ તેને સાર્વજનિક ન કરવાનો નિર્ણય લીધો છે.

ફોટો લાઈન બીબીસી પત્રકાર ફરીદા રુસ્તમોવાએ એક વર્ષ પહેલાની ઘટનાને રેકોર્ડ કરી હતી

ફરીદા રુસ્તમોવા 24 માર્ચ, 2017ના રોજ વિદેશી મામલાની સમિતિના અધ્યક્ષ લિયોનેડ સ્લૂત્સકીના કાર્યાલય ગયાં હતાં.

તેઓ તે સમયે ફ્રાંસના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર મરીન લે પેનની રશિયા યાત્રા પર સ્લૂત્સકી પાસેથી પ્રતિક્રિયાની ઇચ્છા સાથે ત્યાં ગયાં હતાં.

વાતચીત દરમિયાન લિયોનેડ સ્લૂત્સકીએ અચાનક મુદ્દો બદલી નાખ્યો અને પૂછ્યું કે શું તેઓ બીબીસીની નોકરી છોડીને તેમની માટે કામ કરવા માગશે?

જ્યારે રુસ્તમોવાએ ના પાડી દીધી, તો સ્લૂત્લકીએ કહ્યું, "તમે મારાથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યાં છો. શું તમે મને ચુંબન કરવા ઇચ્છતા નથી? તમે મારી ભાવનાઓને આહત કરી છે."

તમને આ પણ વાંચવું ગમશે

રેકોર્ડિંગમાં રુસ્તમોવા એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે તેમનો બૉયફ્રેન્ડ છે અને તેઓ તેમની સાથે લગ્ન કરવા માગે છે.

સ્લૂત્સકી કહે છે, "ખૂબ સારું, તમે તેમના પત્ની તરીકે રહેજો અને મારા રખાત."

સંવાદદાતાનું કહેવું છે કે નેતા તેમની નજીક આવે છે અને પોતાના હાથ તેમના શરીરના નીચલા ભાગ પર ફેરવવા લાગે છે.


"આ રાજકીય ષડયંત્ર છે"

Image copyright RTVI/BBC
ફોટો લાઈન આરટીવીઆઈના નાયબ તંત્રી યેકાટેરિના કોટિરકાજે

રુસ્તમોવાએ કહ્યું, "હું સમજી ન શકી કે મારી સાથે શું થયું. મને ન સમજાયું કે હું શું કરું. વિચિત્ર પ્રકારનો અવાજ કાઢવા લાગી. મેં તેમને મારી નજીક આવવાથી રોક્યા."

આ આખી ઘટના રેકોર્ડ થઈ હતી. જોકે, સ્લૂત્સકીએ સંવાદદાતાના આરોપોને ફગાવી દીધા છે.

જ્યારે બીબીસીએ સ્લૂત્સકીને 24 માર્ચ 2017ની ઘટના અંગે પૂછ્યું તો તેમણે કોઈ પ્રતિક્રિયા ન આપી.

છેલ્લા બે અઠવાડિયામાં ટીવી ચેનલ RTVI ના નાયબ તંત્રી યેકાટેરિના કોટિરકાજે અને રેન ટીવીનાં પ્રોડ્યૂસર દારિયા ઝૂકએ સ્લૂત્સકી પર શારીરિક દુર્વ્યવ્હારના આરોપ લગાવ્યા છે.

રુસ્તમોવાએ આ બન્ને પત્રકારોને પોતાનું સમર્થન આપ્યું છે. સ્લૂત્સકીએ બીબીસીને કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે. "એ લોકો પત્રકારોને આવું લખવા માટે કહી રહ્યા છે."

"લોકો એ વાતથી નાખુશ છે કે વિદેશી મામલાની સમીતિ અને તેના અધ્યક્ષના અધિકાર વધ્યા છે."


સંસદનું નિવેદન

Image copyright Getty Images

રશિયાની નીચલી સંસદનું કહેવું છે કે સ્લૂત્સકી પર લાગેલા આરોપ સાબિત થયા નથી અને તેમણે કથિત પીડિતોને સંસદીય કમિટીમાં ફરિયાદ નોંધાવવા સલાહ આપી છે.

એક રશિયન સમાચારપત્રને આપવામાં આવેલા નિવેદનમાં નીચલી સંસદના સ્પીકર વ્યાચેસલવ વોલોદિને કહ્યું, "આપણે રાજકારણ રાજનેતાઓ પર છોડી દેવું જોઈએ. અમે લોકો મામલાની તપાસ કરીશું. પરંતુ દરેક વાતના બે પક્ષ હોય છે."

તેમણે એ પણ કહ્યું કે જો મહિલા પત્રકારોને રશિયાની સંસદને કવર કરવામાં ડર લાગે છે તો તેમણે બીજી કોઈ જગ્યાએ કામ શોધી લેવું જોઈએ.

રુસ્તમોવા હાલ સંસદીય નૈતિક સમિતિ સામે નિવેદન આપવાની તૈયારી કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે સ્લૂત્સકીએ ક્યારેય ગત વર્ષે ઘટેલી આ ઘટના અંગે માફી માગવા માટે સંપર્ક કર્યો નથી.

રશિયાનો કાયદો જાતીય સતામણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો