જમીનથી ત્રણ હજાર ફૂટ નીચે વસેલું આ અદ્ભૂત ગામ

સુપાઈ ગામ

ગામડાંની પોતાની અલગ સુંદરતા હોય છે. જો કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન, શહેરી જીવન સામે ટકતું નથી. કેમ કે ત્યાં શહેર જેવી સુખ સુવિધાઓ હોતી નથી. એ જ કારણ છે કે લોકો ગામડાંની સુંદરતા છોડીને શહેર તરફ ભાગે છે.

પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના એક એવા ગામની મુલાકાતે લઈ જઈશું જે જમીનની સપાટીથી ત્રણ હજાર ફૂટ નીચે વસેલું છે.

અમેરિકાના પ્રખ્યાત ગ્રાન્ડ કેનયૉનને જોવા માટે દુનિયાભરમાંથી લગભગ 55 લાખ લોકો એરિઝોના આવે છે. પરંતુ તેમાંથી જ એક ઊંડી ખાડીમાં હવાસૂ કેનયૉન નજીક 'સુપાઈ' નામનું એક જૂનું ગામડું વસેલુ છે. અહીં કુલ 208 લોકોની વસતી વસેલી છે.

તમને આ પણ વાંચવું ગમશે

આખા અમેરિકામાં આ એકમાત્ર ગામ છે, જ્યાં આજે પણ પત્રવ્યવ્હારમાં ખૂબ લાંબો સમય લાગી જાય છે.

મિર્ઝા ગાલિબના જમાનાની જેમ આજે પણ અહીં પત્ર ખચ્ચરની મદદથી લાવવામાં તેમજ લઈ જવામાં આવે છે.

પત્ર લઈ જવા માટે ખચ્ચર ગાડીનો ઉપયોગ શરૂ ક્યારે થયો, તે કહેવું મુશ્કેલ છે. ખચ્ચર ગાડી પર યૂનાઇટેડ સ્ટેટ પોસ્ટલ સર્વિસની છાપ હોય છે.


ગામ સુધી પહોંચવા માટે ખચ્ચર કે હેલિકોપ્ટરનો ઉપયોગ

સુપાઈ ગામના તાર આજ દિન સુધી શહેરોના રસ્તા સાથે જોડાયા નથી. અહીં સુધી પહોંચવા માટે રસ્તો ખૂબ ખરાબ છે.

ગામડાંની સૌથી નજીકનો પાક્કો રસ્તો પણ અહીંથી 8 માઇલ એટલે કે આશરે 12 કિલોમીટર દૂર છે. અહીં સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે છે, અથવા તો ખચ્ચરની.

હિમ્મત હોય તો પગપાળા કરીને પણ અહીં સુધી પહોંચી શકાય છે.

સુપાઈ ગામમાં ગ્રાન્ડ કેનયૉનના રાઝ છૂપાયેલા છે. આ ગામ ચારે તરફ મોટા અને ઊંચા પહાડોથી ઘેરાયેલું છે.

લગભગ પાંચ ઝરણાં ગામડાંની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દે છે. ઊંડી ખાડીમાં છૂપાયેલું આ ગામ લગભગ એક હજાર વર્ષથી આબાદ છે. અહીં અમેરિકાના મૂળ નિવાસી રેડ ઇન્ડિયન વસે છે.

ગામડાંમાં વસતી જનજાતિનું નામકરણ પણ ગામની સુંદરતાને ધ્યાનમાં રાખીને થયું છે. હવાસુપાઈનો અર્થ છે વાદળી અને લીલા પાણી વાળા લોકો.

અહીંના લોકો ગામના પાણીને પવિત્ર માને છે. માન્યતા છે કે અહીંથી નીકળતા ફિરોઝી પાણીથી જ આ જનજાતિનો જન્મ થયો છે.

ગામ સુધી પહોંચવા માટે ઝાડીઓ વચ્ચેથી પસાર થવું પડે છે. આ રસ્તા પરથી પસાર થતા સમયે એ અહેસાસ પણ થતો નથી કે આગળ સ્વર્ગ જેવી જગ્યાના દીદાર થશે.

સામે જ તમને એક મોટું બોર્ડ દેખાશે જેના પર લખેલું હશે 'સુપાઈમાં તમારું સ્વાગત છે.'


20મી સદી સુધી બહારના લોકો પર હતો પ્રતિબંધ

ગામમાં જરા પણ ટ્રાફીકનો અવાજ સાંભળવા મળતો નથી. ખચ્ચર અને ઘોડા ગામડાંની ગલીઓમાં જોવા મળે છે.

આ ગામડાંમાં ભલે શહેર જેવી સુવિધાઓ નથી, પરંતુ જીવન જીવવા માટે જરૂરી તમામ સગવડ અહીં હાજર છે. અહીં પોસ્ટ ઑફિસ છે, કૅફે છે, બે ચર્ચ છે, લૉજ છે, પ્રાઇમરી સ્કૂલ છે અને કરિયાણાની દુકાનો પણ છે.

અહીં રહેતા લોકો હવાસુપાઈ ભાષા બોલે છે. વાલોળ અને મકાઇની ખેતી કરે છે. રોજગારી માટે ટોકરીઓ બનાવે છે અને શહેરોમાં વેચે છે. ટોકરીઓ બનાવવી અહીંનો પારંપરિક વ્યવસાય છે.

ગામડાંને શહેરથી જોડવાનું કામ ખચ્ચર ગાડીઓથી થાય છે. ગ્રામજનોની જરૂરિયાતનો સામાન આ ખચ્ચર ગાડીઓ પર જ લાવવામાં આવે છે.

ઘણાં વર્ષોથી લોકો આ અજબ-ગજબ પ્રકારના ગામને જોવા માટે આવે છે.

વીસમી સદી સુધી આ ગામના લોકોએ બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવી હતી. પરંતુ આવક વધારવા માટે તેમણે લગભગ સો વર્ષ પહેલા પોતાના ગામના દરવાજા બહારી દુનિયા માટે ખોલી દીધા.


ખચ્ચરના સ્વાસ્થ્ય પર અસર

દર વર્ષે આ ગામડાંમાં લગભગ વીસ હજાર લોકો અહીંની સુંદરતા અને અહીંનું જીવન જોવા માટે આવે છે.

પરંતુ અહીં સુધી પહોંચવા માટે દરેક પ્રવાસીઓએ હવાસુપાઈની ટ્રાઇબલ કમ્યુનિટીની પરવાનગી લેવી પડે છે.

ફેબ્રુઆરી મહિનાથી માંડીને નવેમ્બર સુધી પ્રવાસીઓ અહીંના લોકો સાથે તેમના ઘરોમાં રહી શકે છે. ચાંદની રાતે ઝરણાંમાંથી પાણી પડવાના અવાજ સાથે ગામની સુંદરતા માણવાનો લાહ્વો લઈ શકે છે.

હવાસુપાઈ ગામના લોકોનું જીવન સહેલું બનાવતા ખચ્ચરો માટે છેલ્લા ઘણાં દાયકાથી અવાજ ઉઠી રહ્યો છે.

પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે આ ખચ્ચરો પર દબાણ વધવા લાગ્યું છે. તેમની પાસે જરૂરિયાત કરતા વધારે કામ કરાવવામાં આવી રહ્યું છે.

ઘોડા અને ખચ્ચરના સ્વાસ્થ્યની અવગણના કરી ખાવા-પીવાનું આપ્યા વગર આઠ માઇલ સુધી દૂર ચલાવવામાં આવે છે. જોકે, આવું બધાં જ કરે છે તેવું પણ નથી.

એ માટે હવાસુપાઈ ટ્રાઇબલ કાઉન્સિલે એવા અશ્વપાલોની ટીમ બનાવી છે, જે વ્યવસાયમાં ઉપયોગમાં આવતા બધાં જ પ્રાણીઓની દેખરેખ કરે છે.

તેઓ 1થી 10 નંબરમાં પ્રાણીઓના સ્વાસ્થ્યનું સર્ટિફીકેટ આપે છે.


ફિરોઝી પાણીનો રાઝ

વૈજ્ઞાનિક જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ રણ વિસ્તારમાં ફિરોઝી પાણીના ઝરણાં આટલા વર્ષોથી કેમ એ જ પરિસ્થિતિમાં છે. પાણીમાં આ ફિરોઝી રંગ ક્યાંથી આવે છે.

તો વાત જાણે એમ છે કે અહીંના પથ્થરના પહાડો તેમજ જમીનમાં ચૂના પથ્થર ભારે માત્રામાં મળી આવે છે. પથ્થર પર પાણી પડવાની સાથે જ્યારે હવા મળે છે તો એક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ બનવા લાગે છે.

સુર્યપ્રકાશ પડવા પર આ પાણી ફિરોઝી રંગનું દેખાય છે.

યૂરોપીય લોકો અમેરિકા આવીને વસ્યા તે પહેલા હવાસુપાઈનું ક્ષેત્રફળ 16 લાખ એકર હતું. પરંતુ આ વિસ્તારના કુદરતી ખજાના પર જ્યારે સરકાર અને સરહદી લોકોની નજર પડી તો તેમણે અહીં કબજો કરવાનું શરૂ કરી દીધું.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ઇથોપિયા : એક એવો ચર્ચ જે જમીનથી 250 મીટર ઊંચે પર્વત પર આવેલો છે

વેપારીઓએ અહીં રહેતી ઘણી જનજાતિઓને જબરદસ્તી ઉખાડીને ફેંકી દીધા. તેમના હક માટે હવાસુપાઈના આદિવાસીઓએ લાંબી લડાઈ પણ વડી.

1919માં અમેરિકાના રાષ્ટ્રપતિ થિયોડોર રુઝવેલ્ટએ ગ્રાન્ડ કેનયૉનને નેશનલ પાર્ક સર્વિસનો ભાગ બનાવ્યો હતો.

સરકારી યોજના અંતર્ગત અહીંના ઘણાં લોકોને નોકરી મળી. પરંતુ તે છતાં પછી પણ જમીન માટે લડાઈ ચાલુ રહી.

1975માં રાષ્ટ્રપતિ જેરાલ્ડ ફોર્ડે કરાર અંતર્ગત 1,85,000 એકર જમીનનું નિયંત્રણ હવાસુપાઈ લોકોને આપી દીધું. આજે અહીંના લોકો માત્ર કેનયૉન સુધી જ સીમિત નથી. પણ અહીંના જંગલોમાં શિકાર કરવાનો હક પણ તેમને મળી ગયો છે.

અહીંના લોકો પોતાની સરકાર જાતે જ ચલાવે છે. ટ્રાઇબલ કાઉન્સિલની ચૂંટણી ગામના લોકો કરે છે અને પોતાનો કાયદો પણ જાતે જ નક્કી કરે છે.

હાલના વર્ષોમાં હવાસુપાઈ પર સૌથી ખતરો પૂરનો મંડરાઈ રહ્યો છે.

2008 અને 2010માં અહીં ભારે વરસાદ પડ્યો હતો જેમાં ઘણાં પ્રવાસીઓ પણ ફસાઈ ગયા હતા.

2011માં અહીંના લોકોએ એરિઝોના ગવર્નર સિવાય અમેરિકાની સરકાર પાસે પણ મદદ માગી હતી. સરકારે તેમને આશરે 16 લાખ ડોલરની આર્થિક મદદ આપી હતી.

હજારો વર્ષોથી અહીં પૂર તેમજ સરહદ પર રહેતા લોકો આવતા જતા રહ્યા છે. પરંતુ હવાસુપાઈના લોકો અહીં સંયમ સાથે રહે છે. અહીંના લોકો માને છે કે તેઓ પોતાના પૂર્વજોના ઘરમાં રહે છે.

અહીંના ઝરણાં અને જમીન પર તેમના પૂર્વજો વાસ કરતા હતા. એટલે તેઓ પણ અહીં જ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો