શું છે બી વી દોશીના સ્થાપત્યની ખાસિયત?

Image copyright COURTESY: VSF

ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને વર્ષ 2018નું પ્રિત્ઝકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં આ પુરસ્કાર 'નોબલ પ્રાઇઝ' જેટલું મહત્ત્વ અને સન્માન ધરાવે છે.

ટોરન્ટોમાં આગા ખાન મ્યુઝિયમ ખાતે દોશીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત ભારતના વિવિધ શહેરોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશિષ્ટ સ્થાપત્ય શૈલીથી દોશીએ તૈયાર કરેલી ઇમારતોની પણ આગવી ઓળખ છે.

પસંદગી સમયે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં બી. વી. દોશીએ તેમની ડિઝાઇન ફિલૉસૉફી અને આર્કિટેક્ચર ક્ષેત્રમાં ચાલતી વર્તમાન પદ્ધતિઓ વિષે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

દોશીના કહેવા પ્રમાણે, "આપણે કપડાં પહેરીએ છીએ ત્યારે એ જોઇએ છીએ કે કપડાં આપણને અનુકૂળ છે કે નહિ. ફેશન ડિઝાઇન જુદી વસ્તુ છે અને અનુકૂળ કપડાં જુદી વસ્તુ છે.

"એવી જ રીતે જે વસ્તુ જે જગ્યા માટે, જે સંસ્કૃતિ માટે જે લોકો છે એમની રહેણીકરણી માટે અનુકૂળ હોય. એનાથી એમને આનંદ થતો હોય.

"એમાં લોકો આનંદ કરીને જીવી શક્તા હોય તો મારા હિસાબે સ્થાપત્ય એને કહેવાય."

દોશી કહે છે, "આપણે સ્થાપત્ય ડિઝાઇન કરીએ, કોતરણી કરીએ એ મારી દ્રષ્ટિએ સ્થાપત્ય નથી. ડેકોરેશન છે.

"જેવી રીતે આપણી આત્મીયતા આપણા પરિવાર સાથે હોય તેટલી જ આત્મીયતા આપણા મકાન અને આપણા આસપાસના વાતાવરણ સાથે હોય તો એમ કહેવાય કે એ આત્મીયતા મારી છે.

"મારા માટે છે. એટલે કે જીવન શૈલીને અનુરૂપ થાય. જીવનશૈલી અને વિચારધારાને પ્રેરણા આપે તે વસ્તુ અનુકૂળ કહેવાય."

'ઘર' એટલે...

બાલકૃષ્ણ દોશીનું ઘર Image copyright COURTESY: VSF
ફોટો લાઈન બાલકૃષ્ણ દોશીનું ઘર

દોશી માને છે, "આપણે આપણાં માટે જે કરીએ છીએ એ ભણેલા-ગણેલા, મધ્યમવર્ગના અને ઉપલા વર્ગના લોકો માટે, પણ જે સાધારણ માણસ છે જે ગામડામાં રહે છે.

"જેને અનુકૂળતાઓ નથી. અગવડો વચ્ચે જીવે છે, એને માટેના ઘર વિશે આપણે કોઈ દિવસ વિચાર્યું જ નહોતું. જો એને માટે ઘર કરી આપો અને એમ અનુભવાય કે આ તો મારું ઘર છે.

"તેને હું બીજા લોકોને ભાડે આપી શકું. વેચાતું આપી શકું અને એ રીતે હું મારા છોકરાંને ભણાવી શકું છું. તો એમાથી એને જે લાગણી થાય એ ઘર એનાં માટે સાચું.

"જે તમારા જીવનમાં વૃદ્ધિ લાવે, ઉત્કર્ષ કરે એવું કંઈ કરીએ તેને સ્થાપત્ય કહેવાય."


પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય

બાલકૃષ્ણ દોશી Image copyright COURTESY: VSF

ગૃહ નિર્માણને સસ્તું બનાવવા માટે 90 વર્ષના બાલકૃષ્ણ દોશીએ કરેલાં પ્રયાસોના માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

દોશી આર્કિટેક્ટ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય છે.

મે મહિનામાં કેનેડાના ટોરન્ટો ખાતે તેમને એક લાખ ડોલર (લગભગ રૂ. 65 લાખ)નું ઇનામ એનાયત કરવામાં આવશે.

એવોર્ડ આપનાર જ્યુરીએ નોંધ્યું, "બાલકૃષ્ણ દોશીએ ક્યારેય ટ્રેન્ડને અનુસરવાનો પ્રયાસ નથી કર્યો. તેમણે હંમેશા સર્જનમાં ગંભીરતા દાખવી છે.

"તેમની ઇમારતોમાં સુંદર સ્થાપત્યોમાં શહેરી યોજના માટે જરૂરી તત્વો વાતાવરણ, નિર્માણસ્થળ, નિર્માણકાર્ય માટેની ટેક્નોલૉજી તથા કળા જોવા મળે છે."

દોશીએ એએફપી સાથે વાતચીતમાં પ્રતિભાવ આપતા કહ્યું, "મારું દરેક સ્થાપત્ય મારા જીવન, મારી ફિલૉસૉફી અને આત્મા ધરાવતા સ્થાપત્યોનો વારસો ઊભો કરવાનો અંશ છે.

"આપણી આજુબાજુની દરેક વસ્તુ અને કુદરતમાં પ્રકાશ, આકાશ, જળ અને વાયુ દરેકમાં લય છે. સ્થાપત્ય એટલે આ તત્વો વચ્ચે લય."

અમદાવાદમાં બીમાનગર

અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી Image copyright COURTESY: VSF

અમદાવાદમાં એલ.આઈ.સીનાં ઘરો બીમાનગરના નામથી નિર્મિત કર્યાં.

એ પ્રોજેક્ટ અંગે દોશી કહે છે, "ત્યાં મેં લૉ-ઇન્કમ, મિડલ ઇન્કમ અને હાઈ ઇન્કમ ધરાવતા લોકો માટે મકાન બનાવ્યા.

"આ તમામ વર્ગના લોકોનાં ઘર અલગઅલગ નથી. બધા એકબીજાની સાથે જ રહે તે રીતે એકની ઉપર એક એમ બનાવ્યા છે.

"આજે 30 વર્ષ પછી પણ તેમનો એવો સામાજિક અને સાંસ્કૃતિક મેળ છે કે લોકોને ત્યાંથી જવું નથી.

"તેમની સમૃદ્ધિ વધી, વિસ્તાર વધ્યો. વિચારો બદલાયાં પણ તેમનો પાડોશ છોડીને જવા એ લોકો તૈયાર નથી.

"પાડોશ સારો હોય, તહેવાર હોય ત્યારે લોકો શેર કરે. આવું જ્યારે હોય ત્યારે આપણે એમ કહીએ કે આ વાતાવરણ સારું છે.

"એ તેમના જૂના શહેરનો અભ્યાસ કરીને જોયું કે આ બધું કરવા જેવું છે, પણ એને નવી રીતે કરીએ. એટલે સગવડો વધારવી, હવા અનુરૂપ હોય વગેરે.

"આધુનિકનો અર્થ એવો નથી કે ગમે તેમ કરીએ. કાચનો જ ઉપયોગ કરીને મકાન બનાવવા એ આધુનિક નથી. ઘર તો ઘરનું ઘર કહેવાય.

"એ ઘર કે જેમાં તમે વાસ કરો છો. આનંદ કરો છો. તમે ભાડૂઆત નથી. તેમાં હુંપણું આવે."

નિર્માણઃ ત્યારે અને અત્યારે

અમદાવાદની ગુફા Image copyright VSF
ફોટો લાઈન અમદાવાદની ગુફા

અગાઉના પ્રોજેક્ટ્સ તથા હાલના નિર્માણની સરખામણી કરતા દોશી કહે છે,

"નાનપણમાં હું મારા નાનાના ઘરે પુણેમાં રહેતો હતો. ત્યાં જે ઘરો જોતો તેમાં બે માળ થાય, ત્રણ માળ થાય. તેમાં પરિવાર વધતો રહે.

"છતાં ત્યાં લોકો એ રીતે રહેતા હતાં કે શેરીઓમાં તમે જાઓ તો પાડોશ પણ તમારું ઘર જ છે.

"એટલે તમે ગમે ત્યાં જમો, ગમે ત્યાં રહો. જો કોઇ ગલીમાં રહેતા હોવ અને ત્યાં 25 ઘર હોય તો તમને એમ ન લાગે કે તમે ઘરમાં નથી. એટલે એવો માહોલ તૈયાર કરવો જોઇએ.

"માહોલ બરાબર થાય ત્યારે આપણે એમ કહીએ કે કમ્યુનિટી ઉભી થઈ. એ સંસ્કાર કહેવાય.


"એમાં ભાષા, તહેવારો, આર્થિક આવક-જાવક, આપણી અગવડ-સગવડ એ બધામાં આપણે ભાગીદાર થઇએ તો એક મોટું કુટુંબ થાય. એ આપણો સમાજ કહેવાય.

"સ્થાપત્ય સામાજિક પણ હોય. એ મારી ડિઝાઇન ફિલૉસૉફીનો મૂળ પાયો છે.

"હાલમાં થઈ રહેલા આર્કિટેક્ચર અને મારી ડિઝાઇન ફિલૉસૉફીમાં આસમાન-જમીનનો ફેર છે. હું લોકો માટે કરું છું, એ લોકો પોતાના માટે આર્કિટેક્ચર કરે છે.

"હું એમાં પૈસાની ગણતરી કરતો નથી. હું એ વેચવા માટે કરતો નથી. હું વેપાર માટે નથી કરતો. મારા કામમાં આપણાંપણું લાવું છું. એમાં હું પૈસા જોતો નથી.

"હું એ કામ મારા પોતાના ઉપયોગ માટેનું હોય એ રીતે કરું છું. મેં ક્યારેય એવી ગણતરી નથી કરી કે આ કામમાંથી મને કેટલા પૈસા મળશે.

"હું મારા કામને સેવાભાવ નહિ કહું, પણ સમાજ પ્રત્યે થોડી જાગૃતતા ખરી. સમાજ પ્રત્યે મારી લાગણી ખરી."

ઇન્દોરના પ્રોજેક્ટનો સંતોષ

રસ્તા પર શાકભાજી વેંચતાં મહિલા Image copyright COURTESY: VSF

1954માં દોશીએ કહ્યું હતું, "એવું લાગે છે કે મારે પ્રતિજ્ઞા લેવી જોઇએ અને આજીવન યાદ રાખવું જોઈએ કે સમાજના ગરીબમાં ગરીબને યોગ્ય નિવાસ મળે."

તેમણે ઇન્દોરમાં આ વિચાર સાર્થક કરી દેખાડ્યો હતો.

ઇન્દોરમાં બાલકૃષ્ણ દોશીએ સસ્તી આવાસ યોજના હેઠળ આવાસ સ્કીમને ડિઝાઇન કરી હતી.

મકાનોની સંરચના, ફળિયા તથા અંદરના દાદરને કારણે આ યોજના ભારતની નોંધપાત્ર સસ્તી આવાસ યોજનામાંથી એક બની છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
રૉયલ વેડિંગ લાઇવ વીડિયો

દોશી એ પ્રોજેક્ટને યાદ કરતા કહે છે,"મેં જે મકાનો તૈયાર કર્યા એ બહારથી આવેલા ગરીબો માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તેમની પાસે પોતાનું ઘર કે વસવાટનું કોઈ સ્થાન નહોતું.

"મધ્યપ્રદેશ સરકારે તેમને 30 મીટર જગ્યા ફાળવી હતી. તેમાં તેમને પ્લિન્થ કરી આપી.

"પછીથી એ લોકોએ પોતાની કમાણીથી બે-બે ત્રણ-ત્રણ માળના મકાનો બાંધ્યા. એ રીતે આજે ત્યાં પાંચ હજાર લોકો રહે છે. તે જોઈને આનંદ થાય છે."


ડિઝાઇન કેવી હોવી જોઇએ?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગ્લુરુનું બિલ્ડીંગ Image copyright VSF
ફોટો લાઈન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગ્લુરુનું બિલ્ડીંગ

ડિઝાઇન અંગે પોતાની ફિલૉસૉફી સમજાવતા દોશી કહે છે, "તમે તમારા પત્ની કે પોતાના માટે કોઇ ભેટ ખરીદો છો, ત્યારે તમે સારામાં સારી વસ્તુ લો છો.

"પછી એ ભલે થોડું મોંઘુ પડે. એવી જ રીતે હું જે મકાનો કરું છું તે મારા પોતાના માટે જ કરું છું.

"એ મકાનો મને પોતાને અને સમાજને ભેટ આપું છું. એ મારી પ્રસાદ આપવાની રીત છે. તેને 'ઑફરિંગ' કહી શકાય.

"સમય અને આર્કિટેક્ચરલ ડિઝાઇનિંગને કોઇ સંબંધ નથી.

"જ્યારે તમે કપડાં લેવા જાવ છો ત્યારે પશ્ચિમના દેશોમાં જેવા કપડાં પહેરાય એવા કપડાં પહેરીએ એમ નક્કી કરીને તમે કપડાં નથી ખરીદતાં. તમને ગમે, તમને શોભે એવા કપડાં ખરીદો છો.


તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
લોન લેતા પહેલાં અને પછી શું ધ્યાન રાખશો?

"હવે આપણે મેટ્રોપોલિટનમાં આવ્યા છીએ. આપણે રસ્તા જોવા પડે, સમય જોવો પડે, કામ કરવાની જગ્યા ક્યાં અને કેટલે દૂર છે તે જોવું પડે.

"ત્યાં પહોંચવા માટે એનર્જી કેટલી ખર્ચાય છે તે બધું જોવું પડે.

"આ વિચાર્યા પછી આપણે લોકોને કેટલી સગવડ આપીએ છીએ - સામાજિક સ્થળો, મંદિરો, સ્કૂલો શાકભાજીનું બજાર, મનોરંજન અને આરોગ્યપ્રદ સગવડ હોય તો એ શહેર આપણને અનૂકુળ લાગે.

"એવું હોય તો પછી જૂનામાં અને આધુનિકમાં કોઈ ફરક નથી પડતો.

"આપણે ખાલી ટાઇટલ આપીએ છીએ હવે. આપણે જોઇએ છીએ કે બિલ્ડીંગ દેખાય છે કેવું, પરંતુ દેખાવથી સ્ટાઇલ થાય છે તે 'ટાઇમ' ગણાય છે. જ્યારે 'ટાઇમલેસ'ને સમયનો કોઇ બાધ નથી હોતો.

"હાલ આ પ્રકારનું આર્કિટેક્ચર પ્રેક્ટિસ નથી થઈ રહ્યું. અત્યારે તો બધું પૈસાથી ચાલે છે."


દોશીની સફર

બાલકૃષ્ણ દોશીની તસવીર Image copyright AFP

દોશીએ વર્ષ 1947માં મુંબઈની વિખ્યાત સર જેજે સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો હતો.

1950ના દાયકામાં તેમણે ફ્રાન્સ-સ્વિત્ઝરલૅન્ડના વિખ્યાત આર્કિટેક્ટ લી કૉરબ્યુસિયર સાથે કામ કર્યું હતું.

1954માં તેઓ ભારત પરત ફર્યા. લી કૉરબ્યુસિયર માટે ચંદીગઢ તથા અમદાવાદમાં અનેક વિખ્યાત ઇમારતોનું નિર્માણ કર્યું.

જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ, ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડોલૉજીની ઇમારત પ્રમુખ છે.

ઉપરાંત તેમણે અનેક સંસ્થાકીય ઇમારતો, રહેણાંક તથા વ્યવસાયિક હેતુ માટે વાપરી શકાય તેવા કૉમ્પ્લેક્સ, હાઉસિંગ પ્રોડજેક્ટ, જાહેર ઇમારતો, ગૅલરી તથા ખાનગી મકાનોનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ