'કિમ નક્કર પગલાં ભરે, પછી જ ટ્રમ્પ સાથે મુલાકાત'

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની તસવીર Image copyright Getty Images

અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉન વચ્ચેની સંભવિત મુલાકાત વિશે હવે એક શરત મૂકી છે. અમેરિકાએ કહ્યું છે કે ઉત્તર કોરિયા પહેલા કંઇક નક્કર પગલાં ભરે પછી જ આ મુલાકાત સંભવ બનશે.

જોકે, ગુરુવારે જ્યારે આ બેઠકના આમંત્રણ વિશે ચર્ચા શરૂ થઈ હતી ત્યારે અમેરિકન પ્રશાસને ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત માટે કોઈ જ શરતનો ઉલ્લેખ નહોતો કર્યો.

વાઇટ હાઉસનાં પ્રવક્તા સારા સૅન્ડર્સે શુક્રવારે પત્રકારોને માહિતી આપતાં કહ્યું, "આ બેઠક ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી ઉત્તર કોરિયા એવા કેટલાંક પગલાં ન ભરે, જેને માટે તેણે પહેલાથી જ વાયદો કરેલો છે."

તમને આ વાંચવું પણ ગમશે:

સૅન્ડર્સે એ સ્પષ્ટતા નથી કરી કે ઉત્તર કોરિયાએ કયા વાયદા પૂરા કરવાના છે, અથવા આ બેઠકને શક્ય બનાવવા ઉત્તર કોરિયાએ શું પગલાં લેવા પડશે.

Image copyright Getty Images
ફોટો લાઈન વાઇટ હાઉસનાં પ્રવક્તા સારા સૅન્ડર્સે સ્પષ્ટ રીતે કોઈ જ વાત ન કરી

સૅન્ડર્સે કહ્યું કે, જ્યારે ઉત્તર કોરિયાની કથની અને કરણીમાં અંતર નહીં રહે ત્યારે જ ટ્રમ્પ સાથે બેઠક થશે.

તેમણે જણાવ્યું, "આપણે એ નથી ભૂલવાનું કે ઉત્તર કોરિયાએ કોઈ વાયદો કર્યો હતો. તેમણે પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરવાનો તથા પરમાણુ અને મિસાઇલ પરિક્ષણો ન કરવાનો પણ વાયદો કર્યો હતો."

તેમણે ઉમેર્યું, "એમણે એ પણ માન્યું છે કે, અમારો સૈન્ય અભ્યાસ ચાલુ રહેશે. એ વાત સ્પષ્ટ થઈ જવી જોઈએ. અમેરિકા કોઈ છૂટછાટ નથી આપી રહ્યું, પરંતુ ઉત્તર કોરિયાએ કેટલાક વાયદા જરૂર કર્યા છે અને આ બેઠક ત્યાં સુધી ન થઈ શકે, જ્યાં સુધી ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા વાયદા પર નક્કર પગલાં ન ભરાય."


એકલા પાડવાનો વ્યૂહ

Image copyright Getty Images
ફોટો લાઈન ઉત્તર કોરિયા પર પરમાણુ કાર્યક્રમ બંધ કરી દેવાનું દબાણ છે

આ સંભવિત બેઠકથી શું અપેક્ષા રાખી શકાય? સૅન્ડર્સે આ વિશે કહ્યું, "જુઓ, ઘણુ બધુ સંભવ છે. એમ તો ઘણી શક્યતાઓ છે, પરંતુ હું તમને જણાવી દઉં કે રાષ્ટ્રપતિએ બેઠકનું આમંત્રણ એ આધારે સ્વીકાર્યું છે કે સાબિત થઈ શકે તેવા નક્કર પગલાં ભરવામાં આવશે."

ગુરુવારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચુંગ ઈયૂ-યોંગે વાઇટ હાઉસમાં એ જાહેરાત કરી હતી કે મે સુધીમાં ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન વચ્ચે મુલાકાત થશે.

ચુંગે કહ્યું હતું કે કિમે આ દરમિયાન પરમાણું બોમ્બ અને મિસાઇલ પરિક્ષણ ન કરવાનું પણ આશ્વાસન આપ્યું છે.

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેંસે કહ્યું છે કે ઉત્તર કોરિયાને એકલું પાડી દેવાની અમેરિકાની વ્યૂહરચના કામ કરી રહી છે. ઉત્તર કોરિયા દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાનો નિર્ણય આ વાતની સાબિતી છે.

જોકે, વાઇટ હાઉસે એ સ્પષ્ટતા નથી કરી કે શું આ બેઠક પહેલા કે પછી ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારોનો ત્યાગ કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે.


ટ્રમ્પે સ્વાગત કર્યું હતું

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ મુદ્દે શુક્રવારે એક ટ્વીટ કર્યું હતું.

વાઇટ હાઉસે હજી સુધી એ પણ નથી જણાવ્યું કે ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચેની આ સંભવિત બેઠક ક્યારે અને ક્યાં થઈ શકે તેમ છે.

નોંધપાત્ર બાબત એ છે કે, અત્યાર સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉત્તર કોરિયા સાથેની વાતચીતને 'અર્થહીન' ગણાવતા હતા.

પરંતુ ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કિમ જોંગ ઉને આપેલા વાટાઘાટોના પ્રસ્તાવનું સ્વાગત કર્યું હતું.

જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે આ દરમિયાન જ્યાં સુધી ઉત્તર કોરિયા પૂર્ણ સ્વરૂપે હથિયારોનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધો ચાલુ રહેશે.

આ ઉપરાંત અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે અગાઉથી નક્કી થયેલો સૈન્ય અભ્યાસ પણ ચાલુ રહશે.

Image copyright Getty Images

અમેરિકા એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે સંભવિત બેઠક અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની સરકારી દ્વિપક્ષીય મંત્રણા નહીં હોય.

માનવ અધિકારના ઉલ્લંઘનનો ગંભીર આરોપોને કારણે દાયકાઓથી ઉત્તર કોરિયા આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું રહ્યું છે.

પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ ઉત્તર કોરિયા પર કડક પ્રતિબંધ મૂક્યા છે.

અત્યાર સુધી અમેરિકા અને ઉત્તર કોરિયાના ઉચ્ચ નેતાઓ વચ્ચે ક્યારેય કોઈ મુલાકાત નથી થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ