ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની મુલાકાતનું સ્થળ ક્યું હોઈ શકે છે?

કિમ જોંગ-ઉન અને ડૉનાલ્ડ ટ્રમ્પ Image copyright Reuters

કિમ જોંગ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની સંભાવના

  • વૉશિંગ્ટન - અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા, પરંતુ કિમ ભાગ્યે જ તૈયાર થઈ શકે છે.
  • પ્યોંગયાંગ - કિમ જોંગની સુરક્ષા, પરંતુ ટ્રમ્પ ભાગ્યે જ રાજી થાય.
  • પનમુનજોમ - ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ, દક્ષિણ કોરિયાની દખલગીરી થઈ શકે છે.
  • ચીન - વાટાઘાટમાં ચીનની દખલગીરી, ટ્રમ્પને કદાચ જ ગમે.
  • આંતરાષ્ટ્રીય જળસીમામાં - તટસ્થ સ્થળ

જો આ બધા સ્થળે નહીં તો પછી ક્યાં?

અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ કેટલીક શરતો સાથે અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ સીધી મુલાકાત માટે સંમત થયા છે.

ટ્રમ્પે કિમ જોંગ સાથે થનારી સંભવિત બેઠક માટે હવે શરત મૂકી છે કે ઉત્તર કોરિયા પહેલાં કેટલાક નક્કર પગલાં લે પછી બેઠક શક્ય થશે.

Image copyright AFP

વ્હાઇટ હાઉસના પ્રવક્તા સૅરા સૅન્ડર્સે જણાવ્યું હતું "આ બેઠક ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી ઉત્તર કોરિયા એવા નક્કર પગલાં ન લે જે વિશે તેણે પહેલેથી વચન આપ્યા છે."

જોકે ઉત્તર કોરિયાએ કયા વચનો આપ્યા છે અને કયા પગલાં લેવાના છે તે સૅન્ડર્સે સ્પષ્ટપણે કહ્યું નથી.

સૅન્ડર્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ સાથેની બેઠક ત્યારે જ થશે જ્યારે ઉત્તર કોરિયાની કથની અને કરણીમાં કોઈ તફાવત નહીં રહે.

તમને આ વાંચવું પણ ગમશે:

પ્રશ્ન એ છે કે જો આ બંને નેતાઓ સીધી વાતચીત કરે તો પછી તેમની મુલાકાતનું સ્થળ કયુ હશે?

સત્તા સંભાળ્યા બાદ કિમ જોંગ ઉત્તર કોરિયાથી બહાર નથી ગયા. આ કિસ્સામાં એવી શક્યતા છે કે આ મુલાકાત ઉત્તર કોરિયા અથવા તેની સરહદ પર થઈ શકે છે.

આ સિવાય આ બેઠક કોઈ તટસ્થ દેશ અથવા અમેરિકામાં પણ થઈ શકે છે.


શું ઉત્તર કોરિયામાં મુલાકાત થઈ શકે?

Image copyright KCNA VIA KNS/AFP/Getty Images

જો આ મુલાકાત પર સંમતિ રહેશે તો બન્ને દેશો એવું સ્થળ પસંદ કરશે જે તેમના હિતો અને પ્રૉપેગૅન્ડાના હિસાબે યોગ્ય હોય.

આ રીતે ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ સૌથી તટસ્થ સ્થળ છે. પરંતુ આ સ્થળ બંને નેતાઓને કદાચ પસંદ ન આવે, કારણ કે આ મુલાકાત 2018 ની સૌથી મોટી રાજકીય ઘટના બનશે.

આવામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્યોંગયોંગ આવવાનું નિમંત્રણ સ્વીકારી શકે છે. જો આવું થયું તો ટ્રમ્પ ઇતિહાસ બનાવશે, પરંતુ આ એટલું સરળ નથી.

જૂન 2017માં ઉત્તર કોરિયાની જેલમાંથી છૂટ્યા બાદ અમેરિકન વિદ્યાર્થી ઓટ્ટો વાર્મ્બિરનું મૃત્યુ થયું હતું.

આ પછી અમેરિકાના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે જો બહુ જરૂરી હોય તો જ ઉત્તર કોરિયાની મુસાફરી કરો અને જતાં પહેલાં વસિયતનામું બનાવો.

અમેરિકન પક્ષને મજબૂતીથી રજૂ કરવા માટે દક્ષિણ કોરિયામાં યોજાયેલી ઑલિમ્પિક રમતોના ઉદ્ઘાટન સમારંભમાં અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેઇન્સ ઓટ્ટોના પિતા ફ્રેડ વાર્મ્બિરને સાથે લઈ ગયા હતા.

આ રીતે રાજકીય રીતે મજબૂત પ્રદર્શન પછી ટ્રમ્પનું પ્યોંગયોંગ જવાને રાજદ્વારી ભૂલ તરીકે જોવામાં આવે છે.


શું આ 'નિક્સન ટૂ ચાઇના' છે?

Image copyright Getty Images
ફોટો લાઈન 1972માં રિચાર્ડ નિક્સનની ચીન મુલાકાત

ટ્રમ્પની પ્યોંગયોંગની મુલાકાતને 1972 માં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને લીધેલી ચીનની મુલાકાત જેવી જોઈ શકાય.

આ મુલાકાત વખતે અમેરિકાના તેજ તર્રાર પ્રમુખ રિચાર્ડ નિક્સન ચીનમાં એક અઠવાડિયું રહ્યા. તેમણે માઓ સાથે મળીને બંને દેશો વચ્ચે નવા સંબંધની શરૂઆત કરી.

આ પછી 'નિક્સન ટૂ ચાઇના' એક રૂઢિપ્રયોગ બની ગયો હતો. જેનો અર્થ એમ થાય કે કોઈ રાષ્ટ્રપ્રમુખ દ્વારા તેમના સ્વભાવ વિરુદ્ધનું કાર્ય કરવું.

આવી સ્થિતિમાં અમેરિકન પ્રમુખના પ્યોંગયોંગ જવાના નિર્ણયને 'નિક્સન મોમેન્ટ' કહી શકાય.

આ પ્રવાસ પ્યોંગયાંગ માટે ફાયદાકારક સાબિત થશે. કારણ કે જાન્યુઆરીની શરૂઆતથી જ ઉત્તર કોરિયાએ કોરિયન દ્વીપકલ્પમાં સંબંધો સુધારવા માટેનું વાતાવરણ બનાવ્યું છે.

ઉત્તર કોરિયાએ વિન્ટર ઑલિમ્પિક્સ સાથે જોડાયેલી કૂટનીતિ પર પણ નિયંત્રણ રાખ્યું છે. જેમાં બધાની નજર કિમ જોંગ-ઉનની બહેન કિમ યો-જોંગ અને ચિયરલીડર્સ પર ટકેલી હતી.

ટ્રમ્પ ઉત્તર કોરિયાની મુલાકાત લે તેવા નિર્ણયની સાથે જ આ સમિટનું નિયંત્રણ પ્યોંગયાંગના હાથમાં જતું રહેશે.

જેથી તેમના દેશમાં થતા માનવ અધિકારોનાં ઉલ્લંઘન અને માળખાકીય ખામીઓ છૂપાવીને ઉત્તર કોરિયાને પોતાને ભવ્ય રીતે રજૂ કરવાની તક મળશે.


કોઈ થર્ડ પાર્ટી વિકલ્પ ખરો?

Image copyright Getty Images

1983માં અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રીગન આયર્લૅન્ડમાં સોવિયત નેતા મિખાઇલ ગોર્બાચોવને મળ્યા હતા. પરમાણુ શસ્ત્ર સંધિ માટેનો માર્ગ મોકળો કરનારી આ મુલાકાતને 'રેકજાવિક સમિટ' કહેવામાં આવી.

એ જ રીતે આ કિસ્સામાં કોઈ તટસ્થ પ્રદેશ કિમ-ટ્રમ્પની મુલાકાતનું સ્થળ બની શકે છે, પરંતુ ઉત્તર કોરિયા તે નામંજૂર કરી શકે છે.

કિમ જોંગે યુરોપ શિક્ષણ લીધું હોવા છતાં સત્તા પર કબજો કર્યા પછી વિદેશમાં પ્રવાસ કર્યો નથી.

2015 માં કિમે ચીની સરકાર તરફથી આવેલા એક નિમંત્રણને પણ ફગાવ્યું હતું.

આ વર્ષે કિમ જોંગ-ઉને મોસ્કોના વિજય દિવસની પરેડમાં જોડાવાનું નિમંત્રણ સ્વીકાર્યું. પરંતુ કિમ જોંગ તેમાં પહોંચ્યા નહોતા.

એવું કહેવાય છે કે હવે કિમ જોંગ પાસે ઉત્તર કોરિયા છોડીને બહાર જવાની પૂરતી રાજકીય સત્તા છે. એટલે કિમ જોંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિકલ્પો ખૂલી શકે છે.


અમેરિકા કે ફ્લોરિડા?

Image copyright KOREAN CENTRAL NEWS AGENCY

એ શક્યતા ખૂબ જ ઓછી છે કે કિમ જોંગ મુલાકાત માટે અમેરિકાની મુલાકાત લેશે.

ઉત્તર કોરિયા એવી પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કરશે કે જ્યાં તેમના નેતાને વિરોધીઓનો સામનો કરવો પડે.

ક્યારેય ઇન્ટર્વ્યૂ ન આપનાર કિમ જોંગ-ઉનને વૉશિંગ્ટનના પત્રકારોના પ્રશ્નો પસંદ ન પણ આવે.

ચીનના પ્રમુખ શી જિનપિંગ ફ્લોરિડામાં ટ્રમ્પના માલિકીના 'માર-એ-લાગો' પહોંચ્યા હતા. પરંતુ ઉત્તર કોરિયાના નેતા આવું કરે તેની અપેક્ષા ઓછી છે.

એવું લાગે છે કે બધા વિકલ્પો ખુલ્લા છે. કેટલાક વિકલ્પો બન્ને દેશો માટે જોખમોથી ભરેલા છે.

પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે બંને નેતાઓની મુલાકાત પહેલાં શાંતિ ભંગ ન થઈ જાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ