'વિમાન સળગી રહ્યું હતું, લોકો રડી રહ્યા હતા'

વિમાન દુર્ઘટના. Image copyright Bishnu Sapkota

કાઠમાંડુનાં ત્રિભુવન એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા લોકોના કહેવા પ્રમાણે, વિમાન ધડાકાભેર અથડાયું હતું. જેના પગલે વિમાનમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

71 મુસાફરો સાથેનું વિમાન ત્રિભુવન એરપોર્ટ પર લેન્ડિંગ સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 49 યાત્રિકોનાં મૃત્યુ પામ્યાં હતાં.

વિમાન દુર્ઘટના માટે જવાબદાર કારણો અંગે તપાસ ચાલી રહી છે.

આ વિમાન દુર્ઘટના, નેપાળમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં સૌથી ભયાનક છે.


'વિમાનમાં લોકો રડી રહ્યા હતા'

Image copyright EPA
ફોટો લાઈન દુર્ઘટનામાંથી બચી જનાર બસંથ બોહોરા હાલમાં હૉસ્પિટલમાં છે.

દુર્ઘટનામાં બચી ગયેલા બસંતા બોહોરાએ હોસ્પિટલના બિછાનેથી પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું,"અચાનક જ વિમાન ભયાનક રીતે અથડાયું અને મોટો ધડાકો થયો, હું બારી પાસે બેઠેલો હોવાથી બહાર નીકળી શક્યો હતો."

બચી ગયેલા 22 મુસાફરોમાંથી એક સનમ સાકિયાએ સમાચાર સંસ્થા એએફપી સાથે વાતચીત કરતા જણાવ્યું, "વિમાન ડાબે અને જમણે, ઉપર-નીચે થઈ રહ્યું હતું. એટલે મને એવું લાગ્યું કે એર ટ્રાફિકને કારણે આમ થઈ રહ્યું હશે."

તમને આ પણ વાંચવું ગમશે

"પરંતુ, જ્યારે વિમાન નીચે અફળાયું ત્યારે મને ખબર પડી કે વિમાનમાં સમસ્યા હતી."

પાસેના રન વે ઉપર ઊભેલા વિમાનના મુસાફર શ્રદ્ધા ગીરીએ કહ્યું, "ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. અગ્નિશમન દળો તથા ઍમ્બ્યુલન્સો દુર્ઘટનાસ્થળ તરફ ધસી ગયા હતા.

"માત્ર હું અને મારી દીકરી હતાં, હું ભારે આઘાત અનુભવી રહી હતી. અમારી નજર સામે આવું ઘટી રહ્યું હતું એટલે અમે બધાય આઘાતમાં હતાં."

ફોટો જર્નલિસ્ટ સરોજ બૅસન્ટે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "વિમાન દુર્ઘટનાની માત્ર પંદર મિનિટની અંદર જ હતું ત્યાં પહોંચી ગયો હતો. વિમાનમાં મુસાફરો રડી રહ્યાં હતાં."


તપાસ ચાલુ

Image copyright Getty Images

વિમાન દુર્ઘટના માટે એરલાઇન કંપની એર ટ્રાફિક કંટ્રોલરને, જ્યારે એરપોર્ટ પાઇલટને જવાબદાર ઠેરવી રહ્યા છે.

દુર્ઘટના પહેલા પાઇલટ તથા એર ટ્રાફિક કંટ્રોલર વચ્ચે થયેલી વાતચીત બહાર આવી છે, જેના પરથી એવું જણાય છે કે બંને પક્ષો વચ્ચે કોઈ ગેરસમજણ થઈ હતી.

આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી નેપાળની રાજધાની કાઠમાંડુની ઉડ્ડાણ પર હતું.

આ વિમાન બાંગ્લાદેશની એરલાઇન્સ કંપની યુએસ-બાંગ્લા દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું.

બૉમ્બાર્ડિયર ડૅશ 8 Q400 ટર્બોપ્રૉપ વિમાન 17 વર્ષ જૂનું હતું.


'ભયાનક એરપોર્ટ'

Image copyright Getty Images

બાંગ્લાદેશ એરફોર્સના નિવૃત્ત એર કૉમોડોર ઇક્બાલ હુસૈને બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ પાઇલટ માટે કાંઠમાડું એરપોર્ટ પર વિમાનનું લેન્ડિંગ કરાવવું અત્યંત કપરું કામ હોય છે.

"રન વેની પાછળ પહાડ છે. વિમાનનું ઉતરાણ કરતી વખતે પહાડથી અંતર જાળવવું પડે છે, પછી તત્કાળ વિમાનને નીચે લાવવું પડે છે.

"ડાબી બાજુએ થોડી જમીન છે, પરંતુ જમણી બાજુએ ઊંડી ખાઈ છે, આથી, જો વિમાન રન વે પરથી ઉતરી જાય તો તે ઊંડી ખાઈમાં જઈને પડે.

"આ (કાઠમાંડુ) એરપોર્ટ એ વિશ્વના 10 સૌથી ખતરનાક એરપોર્ટ્સમાંથી એક છે."

અગાઉ 1992માં કાંઠમાંડુ એરપોર્ટ પર પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 167 મુસાફરો સવાર હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો