ડૉનાલ્ડ ટ્રમ્પે વિદેશ મંત્રીને જ બરતરફ કરી દીધા! ટિલરસન ટ્રમ્પનો સાથ છોડનારા 15માં વ્યક્તિ

ટિલરસન Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને બરતરફ કરી દીધા છે.

સીઆઇએના વર્તમાન ડાયરેક્ટર માઇક પૉમ્પિયો અમેરિકાના નવા વિદેશ મંત્રી તરીકે ચાર્જ સંભાળશે.

ટિલરસનને તેમની સર્વિસ માટે આભાર માનતા ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે નવા વિદેશ મંત્રી ખૂબ સારી રીતે કામ કરશે.

ઉપરાંત તેમણે ટ્વીટમાં જ માહિતી આપી છે કે સીઆઈએના નવા ડાયરેક્ટર તરીકે જિના હાસ્પેલની નિમણુંક કરવામાં આવી છે.

જિના હાસ્પેલ અમેરિકામાં સીઆઈએનાં પ્રથમ મહિલા ડાયરેક્ટર હશે.

રેક્સ ટિલરસન વિશ્વની સૌથી મોટી ઑઇલ કંપનીઓમાંની એક એક્સૉન-મૉબિલના મુખ્ય કાર્યકારી અધિકારી રહી ચૂક્યા છે.

આ કંપનીનો કારોબાર વિશ્વના ડઝનો દેશમાં ફેલાયલો છે. તેમાં એવા દેશ પણ સામેલ છે જેમની સાથે હવે અમેરિકાના સંબંધો સારા રહ્યા નથી.

તેમાનો એક દેશ રશિયા પણ છે, જે ઑઇલ માટેની ટેક્નોલોજી અંગે પશ્વિમના દેશો પર નિર્ભર રહે છે.


ટ્રમ્પની ટીમ તૂટી રહી છે?

Image copyright Getty Images

આ જ મહિનામાં ટ્રમ્પની ટીમમાંથી તેમના મુખ્ય આર્થિક સલાહકાર ગેરી કોહને ટ્રમ્પનો સાથ છોડતાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ગેરી કોહને 6 માર્ચ 2018ના રોજ રાજીનામું આપી દીધું હતું. ટ્રમ્પ સરકારમાં તેમણે 14 મહિના સુધી કામ કર્યું છે.

સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેક્સ વધારવાની જાહેરાત કરી. જેના કારણે ગેરી કોહને ટ્રમ્પ સરકાર છોડવાનો નિર્ણય કર્યો છે એવું જાણવા મળ્યું છે.

ગેરી કોહન પહેલાં વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન ડાયરેક્ટર હોપ હિક્સ, વ્હાઇટ હાઉસ સ્ટાફ સેક્રેટરી રોબ પોર્ટર, FBI ડેપ્યુટી ડાયરેક્ટર એન્ડ્ર્યુ મૅકકેબ તેમજ હેલ્થ સેક્રેટરી ટોમ પ્રાઇસે પણ ટ્રમ્પનો સાથ છોડી દીધો હતો.


ટ્રમ્પે શું કારણ આપ્યું?

વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારા બંને વચ્ચેના વૈચારિક મતભેદોના કારણે તેમને બરતરફ કરવામાં આવ્યા છે.

ટ્રમ્પે કહ્યું, "અમે ખરેખર સાથે રહીને સારું કામ કરી રહ્યા હતા પરંતુ કેટલીક બાબતો પર અમારી વચ્ચે મતભેદો હતા."

"ઈરાનની ડિલમાં અમારા વચ્ચે થોડા મતભેદો હતા. આ મામલે અમારા બંનેના વિચારો જુદા જુદા હતા."

"માઇક પૉમ્પિયો સાથે મારા વિચારો મળતા આવે છે. મને લાગે છે કે અમે સારી રીતે સાથે કામ કરી શકીશું."

"રેક્સ ખૂબ સારા માણસ છે અને હું તેમને ખૂબ જ પસંદ કરું છું."


ટિલરસને રશિયા સાથેના સંબંધોની કિંમત ચૂકવી?

Image copyright Getty Images

જ્યારે એક વર્ષ પહેલાં રેક્સ ટિલરસનને અમેરિકાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ ટિલરસન અને રશિયાના સંબંધો પર સવાલો ઉઠયા હતા.

જોકે, અમેરિકાની કેબિનેટે એ સમયે દાવો કર્યો હતો કે રેક્સ ટિલરસનને બીજા દેશો સાથે વાતચીત કરવાનો બહોળો અનુભવ છે.

ટિલરસન મુક્ત વેપારના પણ સમર્થક રહ્યા છે અને મધ્ય-પૂર્વમાં અમેરિકાની ઉપસ્થિતિને વધારવાના પક્ષમાં પણ હતા. જાણકારોનું માનવામાં આવે તો આ વિચારો જ ટ્રમ્પના વિચારો સાથે મેળ ખાતા ન હતા.

ટિલરસને 1975માં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. જે બાદ તેમણે એક્સૉનમાં નોકરીની શરૂઆત કરી હતી. એક્સૉન મૉબિલમાં અમેરિકા, રશિયા અને યમનના ઓપરેશનોમાં કામ કરી અનુભવ પ્રાપ્ત કર્યો.

માનવામાં આવે છે કે હેનરી કિસિંજરને છોડી દો તો ટિલરસનના રશિયાના રાષ્ટ્રપતિ વ્લામિદિર પુતિન સાથે જેટલા સંપર્કો રહ્યા છે એટલા ભાગ્યે જ કોઈ અમેરિકનના રહ્યા હશે.

સમાચાર એજન્સી એપીના કહેવા પ્રમાણે ટિલરસન કહે છે કે પુતિન સાથે તેમના સંબંધો 15 વર્ષ જૂના છે અને એટલા જ મજબૂત પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ