સ્ટીફન હોકિંગ આખરે કઈ બીમારીથી પીડાતા હતા?

સ્ટીફન હોકિંગનો ફોટોગ્રાફ Image copyright HAWKING.ORG.UK
ફોટો લાઈન સ્ટીફન હોકિંગ

21 વર્ષનો યુવાન દુનિયાને બદલવાનું સપનું નિહાળતો હતો ત્યારે કુદરતે અચાનક એવો ઝટકો આપ્યો કે ચાલતાં-ચાલતાં એ લથડી ગયો હતો.

શરૂઆતમાં એવું લાગ્યું હતું કે આ કોઈ મામૂલી સમસ્યા હશે, પણ ડોક્ટરોએ તપાસ બાદ એક એવી બીમારીનું નામ આપ્યું, જે સાંભળીને યુવા વિજ્ઞાની સ્તબ્ધ થઈ ગયો હતો.

આ સ્ટીફન હોકિંગની કથા છે, જેમને 21 વર્ષની વયે જ જણાવી દેવામાં આવ્યું હતું કે તેઓ બે-ત્રણ વર્ષ જ જીવી શકશે.

1942માં ઓક્સફોર્ડમાં જન્મેલા હોકિંગના પિતા રિસર્ચ બાયોલોજિસ્ટ હતા અને જર્મનીના બોમ્બમારાથી બચવા માટે લંડનથી ઓક્સફોર્ડ આવીને વસી ગયા હતા.


ક્યારે પડી બીમારીની ખબર?

Image copyright HAWKING.ORG.UK
ફોટો લાઈન સ્ટીફન હોકિંગ અને જેન 1964માં તેમના લગ્ન સમયે

હોકિંગનો ઉછેર લંડન અને સેન્ટ અલ્બન્સમાં થયો હતો. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં ફર્સ્ટ ક્લાસ ડિગ્રી મેળવ્યા બાદ કોસ્મોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ માટે તેઓ કેમ્બ્રિજ ગયા હતા.

કેમ્બ્રિજમાં અભ્યાસ દરમ્યાન 1963માં તેમને અચાનક જાણવા મળ્યું હતું કે તેઓ મોટર ન્યૂરોન નામની બીમારીથી પીડાઈ રહ્યા છે.

કોલેજકાળમાં તેમને ઘોડેસવારી અને નૌકા ચલાવવાનો શોખ હતો, પણ બીમારીને લીધે તેમના શરીરના મોટા હિસ્સો લકવાનો ભોગ બન્યો હતો.

1964માં તેઓ જેન સાથે લગ્નની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ડોક્ટરોએ તેમને જીવવા માટે વધુમાં વધુ ત્રણ વર્ષનો સમય આપ્યો હતો.

અલબત, નસીબે હોકિંગને સાથ આપ્યો હતો અને તેમની બીમારી ધીમી ગતિએ આગળ વધી હતી, પણ એ બીમારી શું હતી અને એ તેમના શરીરને કઈ રીતે નુકસાન પહોંચાડતી હતી?


મોટર ન્યૂરોન ડિસીઝ એટલે શું?

Image copyright HAWKING.ORG.UK

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર, મોટર ન્યૂરોન ડિસીઝ (એમએનડી) એક અસાધારણ સ્થિતી છે, જેની મગજ તથા મજ્જાતંત્ર પર અસર થાય છે.

આ બીમારીને કારણે શરીરમાં નબળાઈ આવે છે અને સમય પસાર થવાની સાથે તેમાં વધારો થાય છે.

એમએનડી હંમેશા જીવલેણ સાબીત થાય છે અને વ્યક્તિના જીવનકાળને મર્યાદિત બનાવી દે છે.

જોકે, કેટલાક લોકો લાંબુ જીવવામાં સફળ થાય છે. હોકિંગના કિસ્સામાં પણ એવું જ થયું હતું.

આ બીમારીનો કોઈ ઈલાજ નથી, પણ જે છે તે દૈનિક જીવન પર આ બીમારીની અસરને મર્યાદિત કરી શકે છે.


એમએનડીનાં લક્ષણ

Image copyright HAWKING.ORG.UK

આ બીમારીની એક મુશ્કેલી છે. આ બીમારીનાં લક્ષણની શરૂઆતમાં ખબર જ ન પડે અને એ ધીમે-ધીમે દેખાવા લાગે એ શક્ય છે.

એમએનડીનાં પ્રારંભિક લક્ષણો આ મુજબ છેઃ

• એડી કે પગમાં નબળાઈની અનુભૂતિ થાય. તમે લથડાઓ કે પગથિયાં ચડવામાં મુશ્કેલી થાય એવું બની શકે.

• બોલવામાં તકલીફ પડે અને ચોક્કસ પ્રકારનું ભોજન લેવામાં પણ તકલીફ થઈ શકે.

• પકડ નબળી પડી શકે. પકડેલી ચીજો હાથમાંથી પડી જાય એવું બને. ડબ્બાના ઢાંકણ ખોલવામાં કે બટન બીડવામાં પણ તકલીફ થવા લાગે.

• માંસપેશીઓ ખેંચાય. ગોટલા ચડી જાય એવું બની શકે.

• વજન ઓછું થવા લાગે છે. હાથ તથા પગની માંસપેશીઓ સમય જતાં પાતળી થવા લાગે છે.

• રડવા અને હસવા પર અંકુશ રાખવામાં તકલીફ થાય છે.


આ બીમારી કોને થઈ શકે?

Image copyright HAWKING.ORG.UK
ફોટો લાઈન અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા સાથે સ્ટીફન હોકિંગ

એમએનડી એક અસાધારણ બીમારી છે, જે સામાન્ય રીતે 60થી 70 વર્ષની વયના લોકો તેનો ભોગ બનતા હોય છે, પણ એમએનડી તમામ વયના લોકોને થઈ શકે છે.

મગજ અને મજ્જાતંત્રના કોષોમાં તકલીફ થવાને કારણે આ બીમારી થતી હોય છે.

એ કોષ સમય વીતવાની સાથે કામ કરતા બંધ થઈ જાય છે, પણ આવું કઈ રીતે થાય છે એ અત્યાર સુધી જાણવા મળ્યું નથી.

જે લોકો એમએનડી કે તેની સાથે જોડાયેલી ફ્રન્ટોટેમ્પરલ ડિમેન્શિયા નામની બીમારીથી પીડાતા હોય તેમની સાથે નજીકનો સંબંધ ધરાવતા લોકોને પણ એમએનડી થઈ શકે છે.

જોકે, મોટાભાગના કિસ્સાઓમાં એમએનડીના દર્દીના પરિવારજનોને આ બીમારી થયાનું નોંધાયું નથી.


આ બીમારીની ખબર કેવી રીતે પડે?

Image copyright HAWKING.ORG.UK
ફોટો લાઈન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા સાથે સ્ટીફન હોકિંગ

પ્રારંભિક તબક્કામાં આ બીમારી થયાનું જાણવું મુશ્કેલ હોય છે. આ બીમારીનું નિદાન કરી શકાય એવું કોઈ પરીક્ષણ નથી અને એવી અનેક સ્થિતી સર્જાય છે, જેને કારણે આ બીમારીનાં લક્ષણ જોવા મળતાં હોય છે.

આ બીમારી છે કે બીજી કોઈ સમસ્યા છે એ જાણવા માટે બ્લડ ટેસ્ટ, મગજ તથા કરોડરજ્જુનું સ્કેનિંગ અને માંસપેશીઓ તથા મજ્જાતંત્રની ઈલેક્ટ્રિકલ એક્ટિવિટી જાણવાનું પરીક્ષણ કરાવી શકાય છે.

એ ઉપરાંત લમ્પર પંક્ચર ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં કરોડરજ્જુમાં સોઈ ભોંકીને તેમાંથી ફ્લૂડ લેવામાં આવે છે.


કઈ રીતે થઈ શકેઈલાજ?

Image copyright AFP

આ બીમારીના દર્દીની સારવાર માટે સ્પેશ્યલાઈઝ્ડ ક્લિનિક કે નર્સની જરૂર પડે છે. તેમાં ઓક્યુપેશનલ થેરપીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી દર્દી તેનાં દૈનિક કાર્યો થોડી આસાનીથી કરી શકે.

દર્દીને ફિઝિઅથેરપી આપવામાં આવે છે અને બીજી કસરત કરાવવામાં આવે છે, જેથી શક્તિ બચેલી રહે.

સ્પીચ થેરપી પણ આપવામાં આવે છે અને દર્દીના ભોજનનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.

દર્દીને રિલોઝોલ નામની દવા આપવામાં આવે છે, જે એમએનડીના ફેલાવાની ગતિને ઘટાડે છે.

એ ઉપરાંત દર્દીને ભાવનાત્મક સહાય પણ કરવામાં આવે છે.


એમએનડી કઈ રીતે આગળ વધે છે?

Image copyright AFP

એમએનડી સમય પસાર થવાની સાથે ગંભીર સ્વરૂપ ધારણ કરતો જાય છે.

સમય આગળ વધે તેમ દર્દી હલનચલનમાં, ખોરાક ગળે ઉતારવામાં, શ્વાસ લેવામાં મુશ્કેલી વધતી જાય છે. ટ્યુબ મારફત ખોરાક લેવો પડે છે કે માસ્કની મદદ વડે શ્વાસ લેવો પડે છે.

આ બીમારી આખરે દર્દીને મોત સુધી લઈ જાય છે, પણ અંતિમ પડાવ સુધી પહોંચવાનો દરેક દર્દીનો સમય અલગ-અલગ હોઈ શકે છે.


હોકિંગે એમએનડીને કઈ રીતે છેતર્યો?

Image copyright BRUNO VINCENT

એમએનડીને એમીટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (એએલએસ) પણ કહેવામાં આવે છે.

એએલએસ અસોસિએશનના જણાવ્યા અનુસાર, આ બીમારીનો ભોગ બનેલા લોકોનો જીવનકાળ સામાન્ય રીતે બેથી પાંચ વર્ષ સુધીનો હોય છે.

આ બીમારીનો ભોગ બનેલા લોકો પૈકીના પાંચ ટકાથી પણ ઓછા લોકો બે દાયકાથી વધુ જીવી શકે છે અને હોકિંગ આવા લોકો પૈકીના એક હતા.

લંડનની કિંગ્ઝ કોલેજના પ્રોફેસર નિગલ લેગે કહ્યું હતું, "આટલું લાંબું જીવી હોય એવી એએલએસથી પીડાતી એકેય વ્યક્તિને હું જાણતો નથી."

સ્ટીફન હોકિંગ એવા દર્દીઓમાં અલગ શા માટે છે? તેઓ નસીબના બળિયા હતા કે કોઈ અન્ય બાબત હતી?

આ સવાલના સ્પષ્ટ જવાબ કોઈ આપી શકે તેમ નથી.

સ્ટીફન હોકિંગે પોતે કહ્યું હતું, "જે પ્રકારના એએલએસથી હું પીડાઉં છું તેનું કારણ વિટામીનનું અલ્પશોષણ હશે."

એ ઉપરાંત સ્ટીફન હોકિંગની ખાસ વ્હીલચેર અને બોલવામાં તેમને મદદ કરનારા મશીનનો ઉલ્લેખ પણ જરૂરી છે.

તેઓ ઓટોમેટિક વ્હીલચેરનો ઉપયોગ કરતા હતા. બોલી શકતા ન હતા એટલે કમ્પ્યુટરાઈઝ્ડ વોઈસ સિન્થેસાઈઝર તેમના દિમાગના સંકેતોને સમજીને મશીન મારફત વાત સંભળાવતું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા