વાઇરલ સેક્સ વીડિયોએ તેની જિંદગી બરબાદ કરી નાખી

ઇમેજ સ્રોત, Alamy
ટિઝિયાના કેન્ટોન
આ કથા ટિઝિયાના કેન્ટોનની છે, જેણે સેક્સ વીડિયો વાઇરલ થયા બાદ આપઘાત કરી લીધો હતો.
દક્ષિણ ઇટાલીના નેપલ્સના ઉપનગરીય વિસ્તાર મુગ્નાનોનાં રહેવાસી 31 વર્ષની ટિઝિયાનાએ 2015ના એપ્રિલમાં પાંચ લોકોને સેક્સ વીડિયો મોકલાવ્યો હતો.
વોટ્સએપ મારફત એ વીડિયો રિસીવ કરનારા પાંચ લોકોમાં ટિઝિયાનાના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ સર્ગિયો ડી પાલોનો પણ સમાવેશ થતો હતો. સર્ગિયો ડી. પાલો સાથે ટિઝિયાનાના સંબંધ હવે સારા ન હતા.
વીડિયોઝમાં ટિઝિયાના કેટલાક અજ્ઞાત લોકો સાથે સેક્સ માણતી જોવા મળતી હતી.
ટિઝિયાનાએ મોકલેલા વીડિયો ટૂંક સમયમાં જ એડલ્ટ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યા.
સેક્સ વીડિયોએ ભલે કંઈ ન બગાડ્યું હોય, પણ ટિઝિયાનાએ કહેલા એક વાક્યને કારણે એ બરબાદ થઈ ગઈ હતી.
કાયદાકીય લડાઈ
ઇમેજ સ્રોત, Alamy
ટિઝિયાનાનાં મમ્મી મારિયા ટેરેસા ગિગ્લિયો
વીડિયોમાં ટિઝિયાનાએ એક જગ્યાએ એવું પૂછ્યું હતું, "તું વીડિયો બનાવી રહ્યો છે, બ્રાવો?"
વીડિયો નિહાળનારા લોકો આ સવાલને કારણે એવું સમજ્યા હતા કે ટિઝિયાના ખુલ્લા દિમાગવાળી છોકરી છે, જેને સેક્સ માણતી વખતે તેનું વીડિયો શૂટિંગ થાય એ પસંદ છે.
લોકોએ એવું ધારી લીધું કે સેક્સનો વીડિયો ઊતારવાથી ટિઝિયાના આટલી ખુશ હોય તો વીડિયોને કોઈ નિહાળે તેની સામે પણ તેને વાંધો નહીં હોય.
ઇટાલીના લોકોએ ટિઝિયાનાનો વીડિયો નિહાળ્યો એટલું જ નહીં, તેમની કમેન્ટ્સ સાથે ટિઝિયાનાના ફોટોગ્રાફ્સ ટી-શર્ટ્સ તથા વેબસાઈટ્સ પર પણ દેખાવા લાગ્યા હતા.
તેથી એવો મેસેજ ગયો કે આ બધું કરીને ટિઝિયાના બહુ ખુશ હતી.
15 વર્ષ સુધી ટિઝિયાનાની સખી બની રહેલી ટેરિઝા પેટ્રોસિનોએ કહ્યું હતું, "ટિઝિયાના બહુ જ સુંદર હતી, પણ લોકો પર આસાનીથી ભરોસો કરી લેતી હતી. એ અયોગ્ય સમયે અયોગ્ય લોકો સાથે હતી."
સામાજિક નિરિક્ષક સેલ્વાજિયા લુકૈરેલ્લીએ કહ્યું હતું, "લોકો ખોટું સમજ્યા હતા કે ટિઝિયાના ખુલ્લા દિમાગવાળી છોકરી છે અને સેક્સ વીડિયો વાઇરલ થવા સામે તેને કોઈ વાંધો નથી."
"તમે કોઈ વીડિયો શૂટ કરી શકો. કેટલાક લોકો સાથે એ શેર કરી શકો, પણ તેને જાહેરમાં ન મૂકો એ બાબતનો પણ તેમાં સમાવેશ થાય છે."
ટિઝિયાના માટે આ બધું અત્યંત ભયાનક હતું પણ તેમણે તેનો સામનો કરવાનું નક્કી કર્યું હતું.
અલબત, વાઇરલ થઈ ગયેલા વીડિયોને તેઓ હટાવી શકે તેમ ન હતાં.
ટિઝિયાનાએ આ મુદ્દે અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે મારી પરવાનગી વિના આ વીડિયો સાર્વજનિક વેબસાઈટ્સ પર અપલોડ કરવામાં આવ્યા છે.
આ બધી કાર્યવાહીમાં ટિઝિયાનાનું જીવન સામાન્ય રહ્યું ન હતું.
ટિઝિયાનાનાં મમ્મી મારિયા ટેરેસા ગિગ્લિયોએ જણાવ્યું હતું કે મારી દીકરી ઘરની બહાર નીકળવાનું ટાળવા લાગી હતી.
મારિયા ટેરેસા ગિગ્લિયોએ કહ્યું હતું, "આ મામલે કશું ક્યારેય નોર્મલ નહીં થઈ શકે એ ટિઝિયાનાને સમજાઈ ગયું હતું."
"ટિઝિયાનાના ભાવિ પતિ, તેમનાં બાળકોને ક્યારેક તો આ સેક્સ વીડિયોઝ વિશે ખબર પડવાની જ હતી, કારણ કે એ હટાવી શકાય તેમ ન હતા."
અનેક સપ્તાહ સુધી માનસિક તકલીફનો સામનો કર્યા બાદ મારિયા ટેરેસા ગિગ્લિયો તેમની દીકરી સાથે બનેલી ઘટના વિશે પત્રકારોને જણાવવાની હિંમત કરી શક્યાં હતાં.
મારિયા ટેરેસા ગિગ્લિયોએ બીબીસીને કહ્યું હતું, "મારી દીકરી સારી છોકરી હતી પણ લોકો તેને પ્રભાવિત કરી શકતા હતા."
"ટિઝિયાના જન્મી ત્યારથી જ તેને પિતાનો સાથ મળ્યો ન હતો. એ તેના પપ્પાને ક્યારેય મળી ન હતી. એ બાબતની અસર ટિઝિયાનાની જિંદગી પર જોવા મળતી રહી હતી."
"ટિઝિયાનાની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. લોકો તેની મજાક કરવા લાગ્યા હતા. તેને ગંદા નામોથી બોલાવતા હતા."
અદાલતે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Alamy
વાઇરલ વીડિયોઝને વેબસાઈટ્સ તથા સર્ચ એન્જિન્સ પરથી હટાવવાનો આદેશ નેપલ્સની એક અદાલતે સપ્ટેમ્બરમાં આપ્યો હતો.
એ ઉપરાંત કાયદાકીય ખર્ચ પેટે અંદાજે 22,000 ડોલર્સ તેમને ચૂકવવાનો આદેશ પણ અદાલતે આપ્યો હતો.
વાત વણસી ચૂકી હતી. 2016ની 13 સપ્ટેમ્બરે મારિયા ટેરેસા ગિગ્લિયો કોઈ કામસર સ્થાનિક ટાઉન હોલ ગયાં હતાં અને ટિઝિયાના ઘરે એકલાં હતાં.
એ દિવસને યાદ કરતાં મારિયા ટેરેસા ગિગ્લિયોએ કહ્યું હતું, "મારા એક સંબંધીએ મને ફોન કરીને ઘરે પાછા ફરવા જણાવ્યું હતું. ઘરે પહોંચી ત્યારે પોલીસ અને એમ્બ્યુલન્સ નજરે પડ્યાં હતાં."
"હું બધું સમજી ગઈ હતી. ટિઝિયાનાને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા."
"મારાં પાડોશીઓએ મને કારની બહાર નીકળવા દીધી ન હતી. હું લગભગ બેહોશ થઈ ગઈ હતી."
"તેઓ મને ઘરની અંદર જવા દેવા ઇચ્છતા ન હતા. હું ટિઝિયાનાને છેલ્લીવાર પણ જોઈ શકી ન હતી."
"જે દિવસે ટિઝિયાનાનું મોત થયું એ દિવસે મારી જિંદગી પણ ખતમ થઈ ગઈ હતી."
માતાનો સંઘર્ષ
ઇમેજ સ્રોત, Alamy
ટિઝિયાના કેન્ટોન અને મારિયા ટેરેસા ગિગ્લિયો
ટિઝિયાનાનાં મોતને કારણે લોકોને તેના વીડિયોમાં વધારે રસ પડ્યો હતો.
મારિયા ટેરેસા ગિગ્લિયોએ પણ એ વીડિયો નિહાળ્યા હતા. તેમણે કહ્યું હતું, "સત્ય સમજવા માટે હું બધું નિહાળવા ઇચ્છતી હતી. વીડિયોમાં મારી ટિઝિયાના ન હતી."
મારિયા ટેરેસા ગિગ્લિયો માને છે કે ટિઝિયાનાને નશીલી દવા પીવડાવવામાં આવી હતી અને આ બધું એક ગુનાઇત ષડયંત્ર હતું.
મારિયા ટેરેસા ગિગ્લિયો ઇચ્છે છે કે વીડિયોઝ શેર થયા તેમાં ટિઝિયાનાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સર્ગિયો ડી પાલોની શું ભૂમિકા હતી એ સર્ગિયોએ પોતે જણાવવું જોઈએ.
મારિયા ટેરેસા ગિગ્લિયોએ કહ્યું હતું, "તેમણે મારી દીકરીની જિંદગી બચાવવામાં મને મદદ કરી ન હતી પણ સત્ય જાણવામાં મને મદદ કરી શકે."
2016ના નવેમ્બરમાં સર્ગિયો ડી પાલોની 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
ફરિયાદ પક્ષ એ જાણવા ઇચ્છતો હતો કે ટિઝિયાનાને આત્મહત્યા કરવા માટે કોણે ઉશ્કેર્યાં હતાં?
ટિઝિયાના કેન્ટોનની આત્મહત્યાએ ઇટાલીમાં પોર્નોગ્રાફી અને પ્રાઇવસી સંબંધી ચર્ચાને નવો જ વળાંક આપ્યો છે.
આ ઘટના એવા લોકો માટે પણ બોધપાઠરૂપ છે, જેઓ અંતરંગ ક્ષણોના વીડિયો ઓનલાઈન શેર કરે છે.
ટિઝિયાનાના વીડિયો હવે મુખ્ય સર્ચ એન્જિનો પર ઉપલબ્ધ નથી પણ તેનું અસ્તિત્વ જરૂર છે.
મારિયા ટેરેસા ગિગ્લિયો ઇચ્છે છે કે પ્રાઈવેટ અપલોડ્ઝને ઇન્ટરનેટ પરથી ઝડપભેર હટાવી શકાય તેવી વ્યવસ્થાનું નિર્માણ ઇટાલી અને યુરોપીયન સંઘના બાકીના દેશોએ કરવું જોઈએ.
મારિયા ટેરેસા ગિગ્લિયોએ કહ્યું હતું, "ટિઝિયાનાનો ઉલ્લેખ મશ્કરી માટે નહીં પણ અન્ય મહિલાઓની જિંદગી બચાવનાર વ્યક્તિ તરીકે થવો જોઈએ એવું હું ઇચ્છું છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો