અમેરિકા : ડૉનાલ્ડ ટ્રમ્પ હવે વ્લાદિમીર પુતિન સાથે સંબંધો સુધારવા કેમ માંગે છે?

વ્લાદિમીર પુતિનની તસવીર Image copyright Getty Images

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે સંબંધો સુધારવાની વાત કરી છે, તેના કારણે અમેરિકાની વિદેશ નીતિમાં મહત્ત્વના પરિવર્તનનો અણસાર મળે છે.

ટ્રમ્પના આ વલણથી અમેરિકાની વિદેશ નીતિ સાથે જોડાયેલી બંધારણીય સત્તાઓ નારાજ છે.

જોકે હવે યુરોપના નેતાઓ પણ આ જ સૂરમાં વાત કરી રહ્યા છે. ફ્રાન્સ, ઇટલી, હંગેરી, ચેક રિપબ્લિકના નેતાઓ એટલા જમણેરી નથી.

આ નેતાઓ ક્રેમલીનના એજન્ટ પણ નથી. તેથી સવાલ એ થાય કે પુતિન માટે પશ્ચિમના આ આકર્ષણનું કારણ શું છે.

અમેરિકા અને રશિયાના બે નેતાઓ શરાબ પીવા બેઠા હતા, ત્યાં ટેબલ પર જ પંજા લડાવવાની સ્પર્ધા કરી. ગણતરીની સેકન્ડોમાં જ પીટ્સબર્ગના ડેપ્યુટી મેયર જીતી ગયા.

તેમની આ તાકાત વર્ષો સુધી જૂડોની તાલીમ લેવાને કારણે આવી હતી. તે વખતે રશિયાની બહાર તેમને બહુ ઓછા લોકો જાણતા હતા, પણ આ જ ડેપ્યુટી મેયર પંજા લડાવવાની આ ઘટનાના પાંચ જ વર્ષ બાદ રશિયાના પ્રમુખ બની ગયા.

1995માં વ્લાદિમિર પુતિન સાથે પંજો લડાવનાર અમેરિકન નેતા ડેના રોઅરબાકર તેને યાદ કરીને આજેય હસી પડે છે.


પુતિન અમેરિકા મુલાકાત

Image copyright Getty Images

સત્તાવાર પ્રતિનિધિમંડળ સાથે પુતિન અમેરિકાની મુલાકાતે આવ્યા હતા.

તે પછી આજ સુધીમાં રોઅરબાકર પુતિનને ફરી મળ્યા નથી, પરંતુ રશિયા સાથે સંબંધો સુધારવાની તેઓ આજે પણ તરફેણ કરતા રહે છે.

તેઓ કહે છે, "પુતિનને હું એક સારો માણસ માનતો નથી. હું તેમને એક દૂષણ તરીકે જોઉં છું, પણ દુનિયાના બધા ખરાબ માણસો આપણા દુશ્મન નથી.

"તેમનો માર્ગ આડોઅવળો છે, પણ તેને પારખીને તેમને ખતમ કરવા પડે."

તેમનું માનવું છે કે ઘણા એવાં ક્ષેત્ર છે, જેમાં બંને દેશો સાથે મળીને કામ કરે તો તેનાથી દુનિયાને લાભ જ થશે.

Image copyright Getty Images

રોઅરબાકરને લાગે છે કે રશિયા પશ્ચિમના બેવડા માપદંડનો શિકાર બન્યું છે.

પશ્ચિમના બીજા કેટલાક વિશ્લેષકો પણ આવું માને છે. બ્રિટનની કેન્ટ યુનિવર્સિટીમાં રશિયન અને યુરોપિયન પોલિટિક્સના પ્રોફેસર રિચર્ડ સાકવાનો પણ તેમાં સમાવેશ થાય છે.

તેઓ કહે છે, 'આપણે ઇકો ચેમ્બરમાં બેઠા છીએ એટલે આપણો જ અવાજ સંભળાયા કરે છે.

આપણા રાષ્ટ્રના હિતની વાત હોય તો સારી, પણ રશિયા પોતાના રાષ્ટ્રીય હિતની વાત કરે ત્યારે તેને અયોગ્ય ગણાવીને તેને આક્રમક માની લેવામાં આવે છે.'


'પુતિન પોતે યુરોપિયન છે'

Image copyright EPA

2014માં રશિયાએ ક્રીમિયાને પોતાના કબજામાં લઈ લીધું હતું અને યુક્રેનના ભાગલાવાદીઓને પણ તે લશ્કરી મદદ કરે છે.

રશિયા ક્રીમિયાને કબજે લઈ લીધું તેથી તે પોતાના સીમાડા વિસ્તારવા માગે છે તે રીતે દુનિયા તેને જોવા લાગી હતી.

પ્રોફેસર સાકવા માને છે કે યુક્રેન એ વાતનું ઉદાહરણ છે કે શીતયુદ્ધની સમાપ્તિ પછી ઊભું થયેલું આંતરરાષ્ટ્રીય સુરક્ષા તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ તંત્રમાં રશિયાને પણ સામેલ કરવું પડે.

પ્રોફેસર સ્ટીફન કોહેન ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં રશિયન સ્ટડી કેન્દ્રમાંથી નિવૃત્ત થયા છે.

તેઓ કહે છે, “પશ્ચિમની દુનિયામાં પુતિન પ્રતિ તિરસ્કાર એટલા માટે છે કે તેમના પુરોગામી બોરિસ યેલ્તસિને શરૂ કરેલા સુધારાઓની પુતિને ઉપેક્ષા કરી છે.”

"હાલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને જીવનધોરણ નીચે ગયું છે, તેના માટે આ સુધારાઓ જવાબદાર હોવાનું કેટલાક રશિયનોને લાગે છે."

કોહેન કહે છે, "પુતિન પોતે યુરોપિયન છે, પણ તે એવા દેશ પર શાસન કરી રહ્યા છે, જે આંશિક રીતે જ યુરોપિયન છે."


હંગેરીનું વલણ

Image copyright Getty Images

રશિયા સાથે સંબંધો સુધારવાની માગણી કરનારા થોડા લોકોમાં કોહેનનો સમાવેશ થાય છે.

જોકે મોટા ભાગના અમેરિકન ડિપ્લોમેટ્સ આ બાબતમાં પોલિટિકલી કરેક્ટ રહેવામાં માને છે.

શીતયુદ્ધની સમાપ્તિ થઈ તે પછી પૂર્વ યુરોપના જે દેશો સોવિયેટ સંઘનો હિસ્સો હતા તે નાટો અથવા તો યુરોપિયન યુનિયનમાં જોડાઈ ગયા છે.

આ દેશોના કેટલાક ભૂતપૂર્વ અને વર્તમાન નેતાઓને ટ્રમ્પે ચેતવણી આપી છે કે પુતિન સાથે તમે કોઈ સમજૂતિ કરશો તો તેનાથી પ્રાદેશિક સુરક્ષા જોખમાશે.

જોકે મધ્ય યુરોપના દેશ હંગેરીની સરકારે જુદો દૃષ્ટિકોણ અપનાવ્યો છે. તેના વિદેશ પ્રધાન પીટર શિઆટોએ કહ્યું કે, “અમે રશિયાને હંગેરી માટે ખતરા તરીકે જોતા નથી.”

તેમનું કહેવું છે કે “વૈશ્વિક મામલામાં રશિયા અને અમેરિકા સાથે મળીને કામ ના કરે તો તેનાથી પૂર્વ યુરોપની સુરક્ષા નબળી પડશે.”

ક્રીમિયા પર કબજા પછી રશિયા પર લગાવાયેલા પ્રતિબંધો હટાવવામાં આવે તેમ હંગેરી ઈચ્છે છે.

રશિયા સાથે સારા સંબંધો તથા લોકતાંત્રિક પ્રણાલીઓ પર કેટલાક પ્રતિબંધો મૂકાયા છે, તેના કારણે હંગેરીની સરકારની જ ટીકાઓ થઈ રહી છે.


'કટ્ટરવાદી ઇસ્લામથી રશિયા પણ ખતરામાં'

Image copyright Getty Images

હંગેરીના વડાપ્રધાને કહ્યું હતું કે યુરોપમાં મુસ્લિમ દેશોના ઇમિગ્રન્ટ્સ આવે છે તેની સામે પોતાની ખ્રિસ્તી પરંપરા જાળવી રાખવી જરૂરી છે.

રશિયાએ પણ પોતાની રાષ્ટ્રીય સંસ્કૃત્તિ અને ખ્રિસ્તી પરંપરાને જાળવવા માટે પ્રયાસો કર્યા છે.

પશ્ચિમના દેશોમાં રાષ્ટ્રવાદ વધી રહ્યો છે તે રશિયાના સમર્થનમાં હોવાનું માનવામાં આવે છે.

ઘણા બધા જમણેરીઓ એવું માને છે કે મોટા પ્રમાણમાં આવી રહેલા ઇમિગ્રન્ટ્સ અને આતંકવાદ એ રશિયા કરતાં વધારે મોટાં જોખમો છે.

રોઅરબાકર કહે છે, “કટ્ટરવાદી ઇસ્લામથી રશિયા પણ ખતરામાં છે, ત્યારે તેને દુશ્મન કહેવો અયોગ્ય છે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ