ફેસબુકના ડેટાનો ઉપયોગ કરીને કેમ્બ્રિજ ઍનાલિટિકાએ ભાજપને ચૂંટણીઓ જીતાડી?

જીતની મુદ્રામાં નરેન્દ્ર મોદી Image copyright INDRANIL MUKHERJEE/Getty Images

દુનિયાભરના કરોડો ફેસબુક યૂઝર્સના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીને લોકોની મત આપવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાના આરોપોનો સામનો કરી રહેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા ભારતમાં પણ તેની હાજરી ધરાવે છે.

ભારતમાં કેમ્બ્રિજ ઍનાલિટિકા SCL ઇન્ડિયાનો ભાગ છે. તેની વેબસાઇટ અનુસાર આ લંડન સ્થિત SCL ગ્રૂપ અને ઓવ્લેનો બિઝનેસ ઇન્ટેલિજન્સ(OBI) પ્રાઇવેટ લી. નું સંયુક્ત સાહસ છે.

કંપનીની વેબસાઇટ મુજબ 10 રાજ્યોમાં તેના 300 કાયમી કર્મચારીઓ છે અને 1400થી વધારેનો કન્સલ્ટિંગ સ્ટાફ છે.

રાજકીય પક્ષ જેડી(યુ)ના કે.સી. ત્યાગીના પુત્ર અમરિશ ત્યાગી આ કંપનીના વડા છે. જેઓએ ભૂતકાળમાં જાહેરમાં કહ્યું છે કે તેઓ ટ્રમ્પના કૅમ્પેઇનમાં જોડાયેલા હતા.

Image copyright OVLENO.IN

SCL-OBI ઘણા જ પ્રકારની સેવા પૂરી પાડે છે જેમાંની એક 'પોલિટિકલ કૅમ્પેન મેનેજમેન્ટ'ની સેવા પણ છે.

દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પણ તેના ક્લાયન્ટ્સ હોવાનું આ કંપની જણાવે છે.

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ શર્માની લિંક્ડઇન પર જોવા મળતી વિગતોમાં સ્પષ્ટરૂપે તેઓ જણાવી ચૂક્યા છે કે તેમની કંપનીએ "ભાજપ માટે ચાર ચૂંટણી કૅમ્પેન સફળતાપૂર્વક મેનેજ કર્યા છે."

આ ચૂંટણીઓમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની સત્તા મળી હતી.


શું કહેવું છે ભાજપ-કોંગ્રેસનું?

Image copyright PRAKASH SINGH/Getty Images

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે આ કંપની સાથે કોઈ સંબંધ હોવાની વાત નકારી દીધી છે.

ભાજપ સોશિયલ મીડિયા યુનિટના પ્રમુખ અમિત માલવિયાએ બીબીસીને જણાવ્યું છે "પક્ષે ક્યારેય આ કંપની કે અમરિશ ત્યાગી વિશે સાંભળ્યું જ નથી. તો તેમની સાથે કામ કરવાનો સવાલ જ નથી."

2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું સોશિયલ મીડિયા સંભાળનાર અરવિંદ ગુપ્તાએ બીબીસીને જણાવ્યું "SCL ગૃપ? બધી ખોટી વાત છે. કંપનીને આ વિશે પૂછો."

તમને આ વાંચવું પણ ગમશે:

જ્યારે તેમને હિમાંશુ શર્માના લિંક્ડઇન માહિતીની વાત કરી તો તેમનો જવાબ હતો "મેં કહ્યું ને કે તેમને પૂછો. કાલે હું પણ લખી દઇશ 'કોક'(ઠંડા-પીણાની કંપની) નો વાઇસ પ્રેસિડેન્ટ છું તો એ થોડી સાચું કહેવાય?"

કોંગ્રેસના સોશિયલ મીડિયા સ્ટ્રૅટજિસ્ટ દિવ્યા સ્પંદને પણ બીબીસીને જણાવ્યું કે તેમણે ક્યારેય SCL કે તેની સાથે જોડાયેલી અન્ય કોઈ કંપનીનો કામ નથી કર્યું. તેમની પાસે તેમની પોતાની ડેટા ઍનેલિટિકલ ટીમ છે.

બીબીસીએ આ કંપની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.


નિષ્ણાતો ડેટા સિક્યુરિટી મામલે શું કહી રહ્યા છે?

Image copyright Getty Images

ADRના વડા જગદીપ છોકરે બીબીસીને જણાવ્યું કે રાજકીય પક્ષોના સોશિયલ મીડિયામાં થતા ખર્ચને પણ સોગંદનામામાં જાહેર કરવાના હોય છે.

એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) એક બિનસરકારી સંસ્થા છે. જે ચૂંટણી અને રાજકીય સુધારાના ક્ષેત્રમાં કામ કરે છે.

જગદીપ કહે છે "મને ખબર નથી કે આવું થાય છે કે નહીં. હવે જેવું અમેરિકાની ચૂંટણી પ્રચારમાં કરવાનો આરોપ કંપની પર લાગ્યો છે. જો એવું ભારતમાં પણ થયું હોય તો એ સ્પષ્ટ નથી કે કેટલું તે ગેરકાયદે છે."

દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના ટૅકનોલોજિ પોલિસી રિસર્ચર સ્મૃતિ પર્શીરાએ પણ બીબીસી સાથે આ મુદ્દે વાત કરી હતી.

તેમણે કહ્યું કે ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્ટ, 2000 માં રજૂ કરાયેલો વર્તમાન કાયદો, 'સંવેદનશીલ અંગત માહિતી'ની અપૂરતી સુરક્ષાને લીધે થતા નુકસાન અને કરાર (સેક્શન 72A)ના ભંગમાં માહિતી જાહેર કરવા માટે કલમ 43A હેઠળ વળતર પૂરું પાડે છે.


કઈ રીતે સામે આવ્યો સમગ્ર મામલો?

Image copyright Getty Images
ફોટો લાઈન કેમ્બ્રિજ ઍનાલિટિકાના સીઈઓ એલેક્ઝન્ડર નિક્સ

બ્રિટિશ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા પર આ ડેટાને એકત્ર કરવાનો આરોપ લાગ્યો છે. આ કંપનીએ પાંચ કરોડ લોકોની અંગત માહિતી એકત્ર કરી હોવાનું કહેવાયું છે.

જોકે, કંપનીએ તમામ આરોપો ફગાવી દીધા છે. આ આરોપોને પગલે સોમવારે ફેસબુકના શેરોમાં પણ ઘટાડો થયો હતો.

ચેનલ 4 ન્યૂઝ દ્વારા કેમ્બ્રિજ ઍનાલિટિકા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર નિક્સનું એક સ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ એ જ કંપની છે જેણે 2016માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટર શ્રીલંકામાં ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારના 'ફિક્સર' તરીકે કંપનીના સીઈઓને મળ્યા હતા.

Image copyright Getty Images

જેમાં તેઓ રાજકીય નેતાઓની આબરૂ ઑનલાઇન ખરાબ કરવા માટેની યુક્તિઓ સૂચવે છે.

આ ફૂટેજમાં ચેનલ 4 ન્યૂઝના રિપોર્ટર પૂછે છે કે ઊંડાણમાં શું થઈ શકે? ત્યારે એલેક્ઝાન્ડર જવાબ આપે છે કે અમે તો તેનાથી પણ આગળ ઘણું બધું કર્યું છે.

તેમણે હની ટ્રેપ કરાવડાવાની વાત પણ કરી હતી.

કંપનીએ કહ્યું છે કે આ રિપોર્ટ ખોટી રીતે રજૂ કરાયો છે. વધુમાં કહ્યું છે કે કંપની આવા કોઈપણ પ્રકારના કામ કરતી નથી.

કંપનીના સીઈઓએ બીબીસીના કાર્યક્રમમાં કહ્યું છે કે તેમને ઇરાદાપૂર્વક ફસાવવામાં આવ્યા છે.


ફેસબુકની ભૂમિકા શું છે?

Image copyright DANIEL LEAL-OLIVAS/Getty Images

2014માં ફેસબુક પર ક્વિઝ મુકાઈ હતી જેમાં યુઝરની પર્સનાલિટી ક્યા પ્રકારની છે તે બતાવાતી હતી.

જે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એલેક્ઝન્ડર કોગને ડવલોપ કરી હતી. (યુનિવર્સિટીને કેમ્બ્રિજ ઍનાલિટિકા કંપની સાથે કોઈ સંબંધ નથી.)

તે સમયે એપ્લિકેશન્સ અને ગેમ્સ સામાન્યપણે તે ક્વિઝમાં ભાગ લેતા વ્યક્તિના ડેટા જ નહીં પરંતુ તેમના મિત્રોના ડેટાને પણ એકત્ર કરતી હતી.

આ કંપનીમાં કામ કરી ચૂકેલા ક્રિસ્ટોફર વાઇલી મુજબ અઢી લાખથી વધારે લોકોએ આ પ્રકારની અલગ અલગ પ્રકારની પર્સનાલિટી ક્વિઝ આપી હતી.

એટલે તેમના ફ્રેન્ડલિસ્ટના માધ્યમથી કરોડો લોકોના ડેટા તેમની જાણ બહાર એકત્ર કરવામાં આવ્યા હતા.

વાઇલી કહે છે કે આ ડેટા કેમ્બ્રિજ ઍનાલિટિકાને વેચવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ લોકોની પ્રોફાઇલ તૈયાર કરવા માટે અને અમેરિકામાં ટ્રમ્પ તરફી સામગ્રી તેમને પહોંચાડવા થયો હતો.

જોકે કેમ્બ્રિજ ઍનાલિટિકાએ આ કોઈપણ ડેટા ટ્રમ્પ કેમ્પેઇન માટે ઉપયોગમાં લેવાઈ હોવાની વાત નકારી હતી.


શું આ ફેસબુક પોલિસીથી વિરુધ્ધ છે?

Image copyright Kimberly White/Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

ડેટા તે સમયે ફેસબુકના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી એકત્રિત કરવામાં આવ્યો હતો. અન્ય પણ ઘણા ડેવલપર્સે તેનો ફાયદો ઉઠાવ્યો હતો.

પરંતુ અન્ય લોકો સાથે શેર કરવા માટે તેમની પાસે અધિકૃત ડેટા નહોતો.

ફેસબુક કહે છે કે જ્યારે તેમને ખબર પડી કે તેમના નિયમોનો ભંગ થયો છે, ત્યારે એપ્લિકેશનને દૂર કરીને ખાતરી માગી કે માહિતીનો નાશ કરવામાં આવે.

કેમ્બ્રિજ ઍનાલિટિકા દાવો કરે છે કે તેણે ડેટાનો ક્યારેય ઉપયોગ કર્યો નહોતો, જ્યારે ફેસબુકે તેને કહ્યું ત્યારે તેણે ડેટાનો નાશ કર્યો હતો.

ફેસબુક અને યુકે ઇન્ફર્મેશન કમિશનર બંને ડેટા યોગ્ય રીતે નાશ પામ્યો કે કેમ તે જાણવા માગે છે. કારણ કે વાઇલીએ દાવો કર્યો હતો કે તેમ થયું નથી.


કઈ રીતે તમારી માહિતી બચાવશો?

Image copyright JOE KLAMAR/Getty Images

તમારી માહિતીનું એક્સેસ કોઈના માટે પણ જો તમારે પ્રતિબંધિત કરવું હોય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

  • એપ્લિકેશન્સ પર નજર રાખો. ખાસ કરીને તે કે જેના માટે તમારે તમારા ફેસબુક અકાઉન્ટનો ઉપયોગ કરીને લોગ-ઇન કરવાની જરૂર પડે છે. આ એપ પાસે ઘણી બધી પરવાનગીઓ હોય છે. તેમાંની ઘણી બધી એપ તમારા ડેટાને ઉઠાવવા માટે બનાવાઈ હોય છે.
  • જાહેરાતો મર્યાદિત કરવા માટે 'એડ બ્લોકર'નો ઉપયોગ કરો.
  • તમારા ફેસબુક અકાઉન્ટના સિક્યુરિટી સેટિંગ્સને જુઓ અને ખાતરી કરો કે જે જે વિકલ્પો એનેબલ કરેલા છે તેની તમને જાણ છે. દરેક એપ્લિકેશનના સેટિંગ્સ તપાસો કે કઈ કઈ પરમિશન તમે આપેલી છે.
  • તમે તમારી જે માહિતી ફેસબુક ધરાવે છે તેની નકલ ડાઉનલોડ કરી શકો છો, જોકે તેમાં બધી માહિતી હોતી નથી. જનરલ એકાઉન્ટ સેટિંગ્સમાં આ માટેનો વિકલ્પ હોય છે. તેમ છતાં ધ્યાનમાં રાખો કે તમારો ડેટા તમારા લેપટોપ કરતાં ફેસબુકના સર્વર પર વધારે સુરક્ષિત હોઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ