એ વિજ્ઞાની જેણે શાંતિ માટે દેશ સાથે ગદ્દારી કરી

જાન્યુઆરી 1988માં ચેંગ અમેરિકા પહોંચ્યા Image copyright CHANG HSIEN-YI

1988માં તાઇવાન અણુબૉમ્બ બનાવી રહ્યો હતો અને પરીક્ષણની તૈયારીમાં હતો, પણ સેનાના એક વિજ્ઞાનીએ એના પર પાણી ફેરવી દીધું.

આ અણુકાર્યક્રમ સાથે નિકટથી સંકળાયેલા હતા ચેંગ. તેમણે પોતાના પરિવારને રજાઓમાં બહાર મોકલી દીધો અને બાદમાં પોતે પણ તાઇવાન છોડીને અમેરિકામાં વસી ગયા.

73 વર્ષના ચેંગ હવે અમેરિકાના ઇડાહોમાં રહે છે. તાઇવાનના ઘણા લોકો તેમને 'ગદ્દાર' કહે છે, પણ ચેંગ કહે છે કે દેશને બચાવવા માટે જ તેમણે દગો કરવો જરૂરી હતો.

'મારે બીજીવાર પણ એમ કરવાની જરૂર પડશે, તો કરીશ,' એમ તેઓ કહે છે.


ચીન સામે અણુબૉમ્બ

Image copyright ZHANG BIN
ફોટો લાઈન ફેકટરી 221માં ચીને તેના પ્રથમ અણુબૉમ્બનું પરીક્ષણ કર્યું હતું

તાઇવાન સાથે દુશ્મનાવટ રાખનારી ચીનની સામ્યવાદી સરકારે 1960ના દસકામાં અણુબૉમ્બ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

તાઇવાનને ડર હતો કે તેના પર ગમે તે ઘડીએ હુમલો થઈ શકે છે.

આ નાનકડો ટાપુ દેશ 1949માં ગૃહયુદ્ધ પછી ચીનથી અલગ થઈ ગયો હતો. જોકે ચીન તેને અલગતાવાદી પ્રાંત માને છે અને ગમે તે ભોગે તેને ફરી ચીન સાથે ભેળવી દેવા માગે છે.

ચેંગ તાઇવાન ન્યુક્લિયર એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેપ્યુટી ડિરેક્ટર હતા. આ ઇન્સ્ટિટ્યૂટ જ અણુકાર્યક્રમ ચલાવી રહ્યું હતું.

1980ના દાયકાના પ્રારંભમાં ચેંગ ખાનગીમાં સીઆઈએ માટે કામ કરવા લાગ્યા હતા.

તાઇવાનમાં તેઓ ખૂબ સારા પગાર સામે મજાથી જીવી રહ્યા હતા.

પરંતુ તેમનું કહેવું છે કે, '1986માં સોવિયેટ સંઘના ચેર્નોબિલમાં અણુદુર્ઘટના થઈ અને હું વિચારવામાં પડી ગયો કે તાઇવાને અણુક્ષમતા હાંસલ કરવી જોઈએ કે નહીં.'

અમેરિકાની ઇચ્છા નહોતી કે તાઇવાન અણુબૉમ્બ બનાવે. શાંતિ માટે અને ચીન-તાઇવાનના હિત માટે પણ અણુકાર્યક્રમ અટકાવી દેવો જરૂરી હતો.

ચેંગને પણ લાગ્યું કે વાત સાચી છે. તેઓ કહે છે, 'હું તેમની વાત સાથે સહમત થઈ ગયો, તેનું સૌથી મોટું કારણ એ કે મારી સુરક્ષા માટે તેમણે બહુ પ્રયાસો કર્યા હતા.'

હવે તેમણે પોતાને અને પરિવારને અહીંથી સલામત બહાર કાઢવાના હતા.


પરિવારને મોકલ્યો વેકેશન પર

Image copyright CHANG HSIEN-YI
ફોટો લાઈન તાઇવાનમાં પોતાના બાળક સાથે ચેંગ

ચેંગ સેનામાં વિજ્ઞાની તરીકે કામ કરતા હતા. તે વખતે સેનાના માણસો મંજૂરી વિના તાઇવાનની બહાર જઈ શકે તેમ નહોતા.

તેથી તેમણે પહેલાં પોતાની પત્ની અને બાળકોને વેકેશન માટે જાપાનના ડિઝનીલેન્ડ મોકલી દીધાં.

તેમના પત્ની બેટ્ટી કહે છે કે તેમના પતિ ખાનગીમાં બીજી જ ભૂમિકા ભજવી રહ્યા હતા તેનો જરાય અંદાજ નહોતો.

ચેંગે એટલું જ કહ્યું હતું કે અમેરિકામાં નવી નોકરી મળી રહી છે.

બીજા દિવસે સીઆઈએએ તૈયાર કરી આપેલા નકલી પાસપોર્ટના આધારે તેમણે પણ અમેરિકાની ફ્લાઇટ પકડી લીધી.

તે વખતે એવા અહેવાલો હતો કે તેઓ પોતાની સાથે ઘણા દસ્તાવેજો પણ લઈ ગયા હતા. જોકે આ વાત ખોટી હોવાનું તેઓ કહે છે.


પત્નીને ચિઠ્ઠી મોકલી કરી જાણ

Image copyright BETTY CHANG
ફોટો લાઈન પત્ની બૈટી સાથે ચેંગ

આ બાજુ ટોકિયામાં ચેંગની પત્નીને એક મહિલાએ ચેંગની ચિઠ્ઠી પહોંચાડી.

ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો કે તેમના પતિ સીઆઈએના જાસૂસ છે અને તેમણે ગેરકાયદે રીતે તાઇવાન છોડી દીધું છે.

ચિઠ્ઠીમાં ચેંગે જણાવ્યું હતું કે હવે કદી તાઇવાન પાછું નથી જવાનું અને તારે પણ સીધા અમેરિકા આવવાનું છે.

ચેંગના પરિવારને ફ્લાઇટમાં સિએટલ પહોંચાડી દેવાયો. ત્યાં એરપોર્ટ પર ચેંગ હાજર જ હતો.

તેમના પરિવારને વર્જિનિયામાં એક સુરક્ષિત સ્થળે આશરો અપાયો, જેથી તાઇવાનના એજન્ટ કે ઉગ્ર રાષ્ટ્રવાદીઓ તેમની હત્યા ના કરી નાખે.


અમેરિકાના દબાણથી અટક્યો અણુકાર્યક્રમ

Image copyright CHANG HSIEN-YI
ફોટો લાઈન ચેંગની આ ઘટના પર પુસ્તક પ્રકાશિત થયું છે

ચેંગ પાસેથી ખાનગીમાં મળેલી માહિતીના આધારે અમેરિકાએ તાઇવાન પર પ્રેશર કરવાનું શરૂ કર્યું. એક જ મહિનાની અંદર તાઇવાનનો અણુકાર્યક્રમ અટકાવી દેવામાં આવ્યો.

એવું માનવામાં આવે છે કે તે વખતે તાઇવાન એક કે બે વર્ષમાં જ બૉમ્બ તૈયાર કરી લેવાય તેટલી ક્ષમતા હાંસલ કરી ચૂક્યો હતો.

એક દાયકા સુધી ચેંગ ચૂપચાપ રહ્યા હતા. જોકે નિવૃત્તિ પછી તેમણે એક પુસ્તક લખીને આખી વાત જાહેર કરી દીધી હતી.

ચેન શેંગ પુસ્તકના લેખક છે, જેમણે ચેંગ સાથે વાતચીત કરીને પુસ્તક તૈયાર કર્યું હતું. ત્યારથી જ તાઇવાનમાં ચેંગે લીધેલું પગલું યોગ્ય હતું કે કેમ તેની ચર્ચા ચાલતી રહે છે.

અણુ યુદ્ધનો ખતરો ટળી ગયો તેમ કહીને કેટલાક તેમની પ્રશંસા પણ કરે છે. બીજા કેટલાક એવું પણ માને છે કે પોતાની સુરક્ષા માટે તાઇવાને અણુશસ્ત્રો બનાવવા જોઈતાં હતાં.


'તાઇવાનને હજીય પ્રેમ કરું છું'

Image copyright CHANG HSIEN-YI
ફોટો લાઈન 1995માં પરિવાર સાથે ચેંગ

તાઇવાને ચેંગ સામે ધરપકડ વૉરંટ જારી કર્યું હતું. તે વૉરંટની મુદત 17 વર્ષ પહેલાં જ પૂરી થઈ ગઈ છે. જોકે ચેંગ તાઇવાન જવા માગતા નથી.

ગદ્દાર તરીકે તેમનો ધિક્કાર થતો રહ્યો છે તે વાતનો સામનો તેઓ કરવા માગતા નથી અને પરિવારને પણ તેનો ભોગ બનવા દેવા માગતા નથી.

1990માં તેઓ ઇડાહોમાં આવીને વસ્યા હતા. ઇડાહોમાં આવેલી સરકારી લેબમાં તેમણે કન્સ્ટલન્ટ અને સાયન્સ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું અને 2013માં નિવૃત્ત થયા હતા.

જોકે તેમને એટલો અફસોસ છે કે તેમના માતા-પિતાના અવસાન વખતે તેઓ અંતિમદર્શને જઈ શક્યા નહોતા.

તેઓ કહે છે, 'તાઇવાનને પ્રેમ કરવા માટે મારે તાઇવાન જવું જરૂરી નથી. હું તાઇવાનને ચાહું છું. હું તાઇવાનનો જ છું. હું ચીની છું. હું નથી ઇચ્છતો કે બંને દેશના ચીની લોકો એક બીજાનો જીવ લે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ