પાકિસ્તાનમાં ભગતસિંહને કેવી રીતે યાદ કરવામાં આવે છે?

ભગતસિંહનું રેખાચિત્ર Image copyright BBC/PUNEET

મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા...

આઝાદીના આ ગીત સાથે આપણી નજર સામે ત્રણ યુવાનોની તસવીર દેખાય છે, જેઓ ફાંસીના માચડા તરફ હસતાં-હસતાં આગેકદમ કરતા હતા.

લાહોર સેન્ટ્રલ જેલમાં 1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. તેમના પર એક બ્રિટિશ અધિકારીની હત્યાનો આરોપ હતો.

ભગતસિંહની ઓળખ એક ક્રાંતિકારી દેશભક્ત હોવા પૂરતી સીમિત નથી. તેઓ ઉદારમતવાદી વ્યક્તિ હતા.

તેઓ કોંગ્રેસી ન હતા અને સામ્યવાદી પક્ષના સભ્ય પણ ન હતા, પણ તેમની ક્રાંતિકારી વિચારધારા બાબતે કોઈને શંકા ન હતી.

1928માં ભગતસિંહ 21 વર્ષના હતા ત્યારે તેમણે 'કિરતી' નામના સામયિકમાં 'નવા નેતાઓના અલગ-અલગ વિચાર' શિર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો.


માત્ર ચાર ફોટોગ્રાફ

ફોટો લાઈન લાહોરની નેશનલ કોલેજમાં અભ્યાસ વખતનો ફોટોગ્રાફ. ઊભેલા યુવાનોમાં જમણેથી ચોથા પાઘડીધારી ભગતસિંહ છે. (આ ફોટો પ્રોફેસર ચમનલાલે ઉપલબ્ધ કરાવી આપ્યો છે.)

ભગતસિંહ અસહકાર આંદોલનની નિષ્ફળતા અને હિન્દુ-મુસ્લીમોના ઝઘડાની નિરાશા વચ્ચે નવા આંદોલનના પાયા માટે જરૂરી આધુનિક વિચારો શોધી રહ્યા હતા.

વર્તમાન સમયમાં તમામ રાજકીય પક્ષો ભગતસિંહની તસવીરોનો પોતપોતાની અનુકૂળતા અનુસાર ઉપયોગ કરી રહ્યા છે, પણ વાસ્તવમાં ભગતસિંહની કેટલી તસવીરો ઉપલબ્ધ છે?

આ સવાલના જવાબમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર ચમનલાલે કહ્યું હતું, "હકીકતમાં ભગતસિંહની અસલી તસવીરો તો ચાર જ છે."

"એ પૈકીની એકમાં તો 10-11 વર્ષના હતા ત્યારની છે, જેમાં તેમણે પાઘડી પહેરી છે. બીજી કોલેજ ગ્રુપની છે. અંદાજે 17 વર્ષના ભગતસિંહે તેમાં પણ પાઘડી પહેરી છે."

તમને આ વાંચવું પણ ગમશે:

"ત્રીજી તસવીર ભગતસિંહ 20 વર્ષના હતા ત્યારની છે. તેમાં તેઓ ખાટલા પર બેઠા છે, તેમાં વાળ ખુલ્લા છે."

"ચોથી તસવીર દિલ્હીના કશ્મીરી ગેટ પર એક ફોટોગ્રાફરે ઝડપી હતી. તેમાં ભગતસિંહે હેટ પહેરી છે. પોતે આ તસવીર ઝડપી હોવાનું નિવેદન એ ફોટોગ્રાફરે કોર્ટમાં પણ આપ્યું હતું."


રાજકીય પક્ષો અને ભગતસિંહની તસવીરો

Image copyright WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN/BBC
ફોટો લાઈન ભગતસિંહની ભૂખ હડતાળનું પોસ્ટર. તેના પર નારા છપાયેલા છે. નેશનલ આર્ટ પ્રેસ, અનારકલી, લાહોરે આ પોસ્ટર છાપ્યું હતું

તમામ રાજકીય પક્ષોએ ભગતસિંહ તસવીરો પોતાની અનુકૂળતા અનુસાર અપનાવી છે, પણ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને બાજુ પર ધકેલી દેવામાં આવ્યા છે.

કોઈ પક્ષે ભગતસિંહને ભગવાં વસ્ત્રો પહેરાવી દીધાં છે તો કોઈએ ભગતસિંહને ભારતીય સંસ્કૃતિના સંરક્ષક બનાવી દીધા છે.

ભગતસિંહના નાસ્તિકતા વિશેના વિચારો હોય કે સમાજવાદ સંબંધી લેખ, એકેય રાજકીય પક્ષ એ સંબંધે વિચારણાનો પ્રયાસ કરતો નથી.


આ સ્થિતિનું કારણ શું?

પ્રોફેસર ચમનલાલે કહ્યું હતું, "ગત 15-20 વર્ષમાં સમાજમાં એક નવો વર્ગ સર્જાયો છે. એ વર્ગ ઈચ્છે છે કે ભગતસિંહનું વૈચારિક, બૌદ્ધિક અને ચિંતક ક્રાંતિકારી સ્વરૂપ લોકો સમક્ષ આવવું જ ન જોઈએ."

"ભગતસિંહના 125 લખાણો અને નિવેદન છે. કોમી રમખાણો તથા તેમનું નિવારણ, અછૂત સમસ્યા જેવા મુદ્દાઓ પરના તેમના વિચારો છે. અનેક સામાજિક વિષય છે, જે આજે પણ મહત્ત્વપૂર્ણ છે."

"એ લોકો સમક્ષ ન આવે તેમાં આ વર્ગનો વ્યક્તિગત સ્વાર્થ સમાયેલો છે."


સરહદ પાર પણ છે ચાહકો

Image copyright WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN/BBC
ફોટો લાઈન એસેમ્બ્લી બોમ્બ કેસમાં ભગતસિંહ વિરુદ્ધ ઉર્દૂમાં લખવામાં આવેલો એફઆઈઆર

ભગતસિંહ એક એવા ક્રાંતિકારી હતા કે તેમના જેટલા ચાહકો ભારતમાં છે તેટલા જ સરહદની પેલે પાર પણ છે.

ભગતસિંહનો જન્મ બંગા નામના ગામમાં થયો હતો. એ ગામ પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનમાં દર વર્ષે 23 માર્ચે ભગતસિંહની સ્મૃતિમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

સરહદ પાર તમામ લોકો એકઠા થાય છે અને ભગતસિંહને યાદ કરે છે.

ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન નામનું એક સંગઠન પાકિસ્તાનમાં ભગતસિંહની સ્મૃતિને જાળવી રાખવાનું કામ વર્ષોથી કરી રહ્યું છે.

આ સંગઠનના અધ્યક્ષ ઈમ્તિયાઝ કુરેશીએ કહ્યું હતું, "પાકિસ્તાનમાં ભગતસિંહની બહુ ઈજ્જત છે. અહીં તેમના ઘણા ચાહકો છે."

"ભગતસિંહના દાદા, પિતાએ બનાવેલું ઘર પાકિસ્તાનમાં મોજુદ છે. તેમના દાદા અર્જુન સિંહે 120 વર્ષ પહેલાં આંબાનું જે ઝાડ વાવ્યું હતું એ પણ મોજુદ છે."

"એ ગામનું નામ બદલીને ભગતપુરા રાખવામાં આવ્યું છે. દર વર્ષે 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનો શહીદી દિવસ મનાવવામાં આવે છે."


'ભગતસિંહની હત્યા કરવામાં આવી હતી'

ફોટો લાઈન ભગતસિંહના પિતા સરદાર કિશન સિંહ (આ ફોટોગ્રાફ પ્રોફેસર ચમનલાલે ઉપલબ્ધ કરાવી આપ્યો છે)

ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશને લાહોર હાઈકોર્ટમાં બે વર્ષ પહેલાં એક અરજી દાખલ કરી હતી. તેમાં ભગતસિંહની ફાંસીનો કેસ ફરી ખોલવાની માગણી કરવામાં આવી હતી.

આ ફાઉન્ડેશન માને છે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ખોટા કેસમાં ફાંસી આપવામાં આવી હતી. આ મામલે બ્રિટિશ સરકાર પાસેથી માફીની માગણી પણ કરવામાં આવી હતી.

ઈમ્તિયાઝ કુરેશીએ કહ્યું હતું, "બ્રિટિશ શાસકોએ ભગતસિંહની અદાલતી હત્યા કરી હતી."

"ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનું લોહી ગેરકાયદે વહેવડાવવા બદલ બ્રિટિશ શાસકોએ માફી માગવી જોઈએ."

ફાંસીને આટલાં વર્ષો પસાર થઈ ગયા પછી પણ ભગતસિંહની છબી એક એવી વ્યક્તિના સ્વરૂપમાં ઊભરી રહી છે, જે દરેક વ્યક્તિને પ્રિય છે.

ફરક એટલો જ છે કે જેની ભાવના જેવી છે તેવી ભગતસિંહની છબી તેમણે બનાવી લીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો