ઈલોન મસ્કે ટેસ્લા અને સ્પેસએક્સના FB પેજ ડિલીટ કર્યા

ઈલોન મસ્કની તસવીર Image copyright Getty Images

કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકનો ડેટા વાપર્યો હોવાના વિવાદ બાદ મસ્કે પોતાની બન્ને બ્રાન્ડ્સના ઓફિશિયલ પેજ ડિલીટ કરાવી દીધા.

માનવજાત માટે મંગળની સફર શક્ય બનાવવામાં કાર્યરત્ ટેક્નોલૉજી ઉદ્યોગસાહસિક ઈલોન મસ્ક પણ #deletefacebook કૅમ્પેનમાં જોડાયા છે.

તેમણે તેમની ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીઓના અધિકૃત ફેસબુક પેજ ડિલીટ કરાવી દીધા છે.

ડેટા કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર લગભગ પાંચ કરોડ ફેસબુક યૂઝર્સની ખાનગી માહિતી મેળવી લેવાના વિવાદ બાદ #deletefacebook કૅમ્પેન હવે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ લાગે છે.

મસ્કે એક કાર્યક્રમમાં હળવા અંદાજમાં જણાવ્યું હતું કે તેમની કંપનીઓની ફેસબુક પર આવતી જાહેરાત એક સપ્તાહ માટે અટકાવી દેશે.

એ સમયે તેમને ફોલો કરતાં લોકોએ તેમને તેમની કંપનીઓના અધિકૃત ફેસબુક પેજ ડિલીટ કરવાનો પડકાર ફેંક્યો હતો. જેને મસ્કે ગણતરીની મિનિટોમાં જ અમલમાં મૂક્યો હતો.

મસ્કે કહ્યું કે તેમને "ખ્યાલ નહોતો" કે તેમની સ્પેસએક્સ બ્રાન્ડનું ફેસબુક પર પેજ છે.

તેમણે ટ્વિટર પર લખ્યું કે, "ખરેખર તેને (પેજને ફેસબુક પર) એક વખત પણ જોયું નથી." તેમણે એમ પણ કહ્યું કે, "તે (પેજ ફેસબુક પરથી) જલ્દી જતું રહેશે."

તમને આ વાંચવું પણ ગમશે:

મસ્કના અન્ય એક ફોલોઅરે તેમનું ધ્યાન દોરતાં કહ્યું કે, તેમની કંપની ટેસ્લા પણ આ સોશિયલ નેટવર્ક પર પ્રોફાઇલ ધરાવે છે.

જેના જવાબમાં તેમણે લખ્યું, "(પેજ) નબળું લાગે છે." તેમણે કરેલી આ પોસ્ટ્સની ગણતરીની મિનિટોમાં જ બન્ને કંપનીઓનાં પ્રોફાઇલ પેજ ફેસબુક પરથી ગાયબ થઈ ગયાં હતાં.

આ બન્ને પેજને 25 લાખથી વધુ લોકો ફોલો કરતા હતા.

Image copyright Getty Images

વર્ષ 2016માં ફેસબુકે 20 કરોડ ડૉલર્સના મૂલ્યનો પોતાનો એક નવો કૉમ્યુનિકેશન ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવા માટે સ્પેસએક્સનો ઉપયોગ કર્યો હતો.

પરંતુ, એ ઉપગ્રહને લઈ જનાર રોકેટ તૂટી પડ્યું હતું.

પોતાની કંપનીઓના પેજ ડિલીટ કરાવી દીધા બાદ પણ મસ્કે એમ જણાવ્યું હતું કે, તે ફેસબુકની માલિકીના ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાનું હાલના તબક્કે ચાલુ રાખશે.

પરંતુ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, "FBનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો