ઓસ્ટ્રેલિયા: બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ

કૅમરૂન બૅનક્રૉફ્ટ અને સ્ટીવ સ્મિથની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન કૅમરૂન બૅનક્રૉફ્ટ અને સ્ટીવ સ્મિથે બૉલ ટેમ્પરિંગની વાત મીડિયા સામે સ્વીકારી

ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટિવ સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કૅપ્ટન પદેથી હટાવ્યા બાદ હવે આઈસીસીએ દંડ ફટકાર્યો છે.

બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ્યારે એક મેચની 100% ફીનો દંડ કરવામાં આવ્યો છે.

ઉપરાંત કૅમરૂન બૅનક્રૉફ્ટને પણ તેની મેચની 75% ફીનો દંડ કરવામાં આવ્યો છે.

આ પહેલાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કૅપ્ટન સ્ટિવ સ્મિથ અને વાઇસ કૅપ્ટન ડેવિડ વૉર્નર બંનેને તેમના પદ પરથી હટાવી દીધા હતા.

ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્મિથે શનિવારે કબૂલ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં તેમની ટીમે બોલ ટેમ્પરિંગ કર્યું હતું.

બંનેને તેમના પદેથી હટાવ્યા બાદ ટીમ પેઇનને ઓસ્ટ્રેલિય ક્રિકેટ ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા છે.

જોકે, સ્મિથ અને વૉર્નર આ શ્રેણીની આગામી મેચોમાં રમશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સુથરલેન્ડના કહેવા પ્રમાણે આફ્રિકા સામેની શ્રેણી ચાલુ રહેવી જોઈએ અને તેની સાથે સાથે જ અમે આ મામલે તપાસ પણ ચાલુ રાખીશું.

તેમણે કહ્યું હતું કે દરેક ઓસ્ટ્રેલિયન આ મામલે સચ્ચાઈ શું તે જાણવા માગે છે અને અમે તપાસમાં જે તથ્યો સામે આવશે તે જણાવીશું.


'મોટી ભૂલ'

Image copyright Getty Images

ઓસ્ટ્રેલિયાના ખેલાડી કૅમરૂન અને બૅનક્રૉફ્ટે સ્વીકાર્યું છે કે, તેમણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બૉલ ટેમ્પરિંગ એટલે કે બૉલ સાથે ચેડાં કર્યાં હતા.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે પણ માફી માગતા કહ્યું હતું કે તેમને પણ આ વિશે પહેલેથી ખબર હતી.

ટીવીના ફૂટેજમાં બૅનક્રૉફ્ટને બૉલ ચમકાવતા પહેલાં પોતાના ખિસ્સામાંથી કંઇક કાઢતા જોઈ શકાય છે. બૅનક્રૉફ્ટે સ્વીકાર્યુ છે કે તે એક પીળી ટેપ હતી.

પચ્ચીસ વર્ષના બૅનક્રૉફ્ટે રમત બાદ મીડિયા સામે આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે તેમના પર બૉલ સાથે ચેડાં કરવાની કોશિશ બાબતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સ્મિથે કહ્યું કે, આ એક 'મોટી ભૂલ' હતી, પરંતુ તેમણે સુકાનીપદ છોડવાનો ઇન્કાર કર્યો હતો.

સ્મિથે કહ્યું હતું કે, ટીમના 'લીડરશિપ ગૃપ'માં આ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને 'તેમણે વિચાર્યું હતું કે તે લાભ લેવાનો એક પ્રકાર છે.'

તમને આ વાંચવું પણ ગમશે:

કેપટાઉનમાં આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે પાંચ વિકેટના નુકસાને 238 રન બનાવી લીધા હતા. રમતમાં તેમની પાસે 294 રનની લીડ છે.

દિવસની રમત પૂરી થયા બાદ મીડિયા સાથે વાત કરતી વખતે બૅનક્રૉફ્ટ અને સ્મિથ બન્નેએ માફી માગી હતી.


સ્મિથે શું કહ્યું?

Image copyright Getty Images

"અમે ખોટી પસંદગી કરી. અમને ઊંડો ખેદ વ્યક્ત કરીએ છીએ. આ યોજનામાં કોચ સામેલ નહોતા. આ સંપૂર્ણપણે લીડરશિપ ગૃપના ખેલાડીઓનું કામ હતું. હું તમને વચન આપું છું કે આવું ફરી વખત નહીં થાય."

"અમે અહીંથી આગળ વધીશું અને આશા છે કે કંઇક શીખીશું. મને આ વાતનો ગર્વ નથી. હું શર્મિંદા છું. હું કૅમરૂન માટે દુખી છું. ઓસ્ટેલિયન ક્રિકેટ ટીમ આવી નથી. હું માફી ઇચ્છું છું."

બૅનક્રૉફ્ટે શું કહ્યું?

"આ ઘટનાના પરિણામે મારી પ્રતિષ્ઠાને જે નુકસાન થશે તેને હું સહન કરીશ. મને નથી લાગતું કે મને આ માટે કોઈ દબાણ કરવામાં આવ્યું હતું. હું એમ કરતી વખતે નર્વસ જરૂર હતો કારણ કે ત્યાં સેંકડો કેમેરા લાગેલા હતા."


કેવી રીતે ખબર પડી બૉલ ટેમ્પરિંગની?

Image copyright Getty Images
ફોટો લાઈન મેદાન પર જ્યારે અંપાયરોએ બૅનક્રૉફ્ટની પૂછપરછ કરી તો તેમણે પોતાનાં ખિસ્સાં ખાલી કરીને દેખાડ્યા, જેમાં માત્ર એક કાળું કપડું હતું.

જ્યારે બૉલ બૅનક્રૉફ્ટ તરફ ફેંકવામાં આવી તો ટીવી ફૂટેજમા જોવા મળ્યું કે બૉલને ચમકાવવાનું શરૂ કરતા પહેલા તેમણે પોતાના ખિસ્સામાંથી કંઈક બહાર કાઢ્યું હતું અને બૉલ ચમકાવી લીધા બાદ તેને ખિસ્સામાં પાછું મૂકી દીધું હતું.

જ્યારે આ ઘટનાના ફૂટેજ પ્રસારિત કરવામાં આવ્યા, તો મેદાન પર બૅનક્રૉફ્ટને સંદેશો મોકલવામાં આવ્યો. તેમણે મેદાન પર અંપાયરો સાથે વાત કરતા પહેલાં પોતાના ખિસ્સામાંથી ટેપ કાઢીને પોતાના ટ્રાઉઝરની અંદર નાખી દીધી હતી.

પછી તેમણે પોતાના ખિસ્સા ખાલી કરીને બતાવ્યાં, જેમાં માત્ર એક કાળું કપડું હતું.

અંપાયરોએ બૉલ ન બદલ્યો અને સ્ક્રીન પર દેખાતાં દૃશ્યો જોયાં બાદ પ્રેક્ષકોએ હૂટિંગ પણ કર્યું.

દિગ્ગજ લેગ સ્પિનર અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર શેન વૉર્ને ટ્વીટ કર્યું હતું કે, તે 'આ દૃશ્યો જોઈને ખૂબ નિરાશ છે.'

ક્રિકેટ વિશેષજ્ઞ હર્ષા ભોગલેએ પણ આ વિશે ટ્વીટ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમને આ શરમજનક ઘટનાના આઘાતમાંથી બહાર આવવામાં આ ઘણો સમય લાગશે.

ઇંગ્લેન્ડની ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉગને લખ્યું હતું કે સ્મિથ, તેમની ટીમ અને પૂરા મેનેજમેન્ટને એ સ્વીકારવું પડશે કે સમગ્ર કારકિર્દીમાં એ લોકો રમતમાં બેઇમાનીની કોશિશ માટે ઓળખાશે.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ ક્લાર્કે લખ્યું કે, 'કાશ કોઈ મને એ કહી દે કે આ ખરાબ સ્વપ્ન હતું.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો