રશિયા: શૉપિંગ કૉમ્પ્લેક્સમાં આગ, 64નાં મૃત્યુ

શૉપિંગ સેન્ટરમાં આગ Image copyright REUTERS/DMITRY SATURIN

રશિયાના સાઇબેરિયાઈ શહેર કેમેરોવોમાં આવેલા એક શૉપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. અત્યારસુધીમાં આ ઘટનામાં ઓછામાં ઓછા 64 લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રત્યક્ષદર્શીઓનાં કહેવા પ્રમાણે, બહાર નીકળવાના માર્ગો પર અવરોધ હતા તથા ફાયર એલાર્મ નિષ્ક્રિય હતા.

રશિયન મીડિયાનું કહેવું છે કે અનેક લોકો હજુ પણ લાપત્તા છે. એવી આશંકા છે કે લાપતા લોકોમાં ઘણાં બાળકો પણ હોઈ શકે છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં આશરે ત્રીસથી વધુ બાળકો લાપત્તા છે.

સ્થાનિક મીડિયા દ્વારા મળી રહેલા સમાચારો અનુસાર આગ વિન્ટર મોલના ચોથા માળેથી શરૂ થઈ હતી, જ્યાં એન્ટરટેઇનમેન્ટ કૉમ્પલેક્ષ અને એક સિનેમાઘર છે.

માનવામાં આવી રહ્યું છે કે મરનારામાં મોટાભાગના લોકો આગ લાગવાના સમયે સિનેમાઘરમાં હતા.

Image copyright EPA

ટીવી પર જોવા મળી રહેલાં દ્રશ્યો પ્રમાણે શૉપિંગ સેન્ટરમાં ધૂમાડા નીકળતા જોઈ શકાય છે. બચવા માટે બારીમાંથી કૂદી રહેલાં લોકોને પણ જોઈ શકાય છે.

આગને હોલવવા અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે 205થી વધારે ફાયરબ્રિગ્રેડના કર્મચારીઓ કામે લાગી ગયા છે. તેઓ લોકોને મૉલમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.

કેમેરોવો શહેર રશિયાની રાજધાની મૉસ્કોથી 2,200 કિલોમીટર દૂર છે અને તે કોલસાના ઉત્પાદન માટે જાણીતું છે.

Image copyright RUSSIAN EMERGENCIES MINISTRY VIA REUTERS

પ્રત્યક્ષદર્શિઓનું કહેવું છે કે 2013માં બનેલો આ શૉપિંગ મૉલ અહીં ખૂબ જ લોકપ્રિય છે. આ જ શૉપિંગ મૉલમાં એક નાનકડું પ્રાણી સંગ્રહાલય પણ છે.

આગ શા કારણ લાગી છે તે હજી સુધી જાણી શકાયું નથી.

રશિયાની તપાસ સમિતિએ આગ લગવાની ઘટનાને ગુનાઇત મામલો માનીને હાલ તપાસ શરૂ કરી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ