ટ્રમ્પે પાકિસ્તાનની સાત કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર Image copyright Getty Images

અમેરિકાએ સાત પાકિસ્તાની કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યાં છે. આ કંપનીઓ પર અમેરિકામાં પરમાણુ વ્યાપાર કરવાનો તથા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા કે વિદેશનીતિ માટે જોખમરૂપ હોવાનો આરોપ છે.

અમેરિકાના આ નિર્ણયને પગલે ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં સામેલ થવાના પાકિસ્તાનના ઇરાદા પર પાણી ફરી શકે છે.

તાજેતરમાં અમેરિકાના વાણિજ્ય મંત્રાલય દ્વારા 23 વિદેશી કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાનની સાત કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

આ યાદીમાં અખ્તર ઍન્ડ મુનીર, એન્જિનિયરિંગ ઍન્ડ કોમર્સિયલ સર્વિસિઝ, મરીન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, સોલ્યુશન્સ એન્જિનિયરિંગ (પાકિસ્તાન), મુશ્કો લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (સિંગાપુર), મુશ્કો ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (પાકિસ્તાન), પ્રોફિયન્ટ એન્જિનિયર્સનો સમાવેશ થાય છે.

મોટાભાગની કંપનીઓ લાહોર, પાકિસ્તાન અને કરાચી ખાતે આવેલી છે. મંત્રાલય દ્વારા આ કંપનીઓના સરનામા પણ જાહેર કરવામાં આવ્યા છે.

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કરાચી સ્થિત મુશ્કો ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડે અગાઉથી જ અમેરિકા દ્વારા પ્રતિબંધિત કંપનીઓ માટે પ્રતિબંધિત સૂચિમાં સામેલ ઉપકરણો ખરીદ્યાં હતાં.

Image copyright Reuters

આવી જ રીતે લાહોરની સોલ્યુશન્સ એન્જિનિયરિંગ કંપનીની કેટલીક પ્રવૃત્તિઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તથા વિદેશનીતિના હિતો વિરુદ્ધ હતી, એટલે તેનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે.

આનો મતલબ એ છે કે હવે આ કંપનીઓ આંતરરાષ્ટ્રીય વ્યાપાર નહીં કરી શકે. 'ઍન્ટાઇટી લિસ્ટ'માં સમાવિષ્ટ કંપનીઓ આંતરરાષ્ટ્રીય વેપાર કરી ન શકે.

અમેરિકાનું વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ઊર્જા મંત્રાલય તથા નાણાકીય મંત્રાલય સંમતિથી આ યાદી બહાર પાડતું હોય છે.

અન્ય 16 કંપનીઓમાં દક્ષિણ સુદાનની 15 તથા સિંગાપુરની એક કંપનીનો સમાવેશ થાય છે.


NSGમાં પ્રવેશ મુશ્કેલ

Image copyright Getty Images

ટ્રમ્પ સરકાર દ્વારા પાકિસ્તાન પર આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે દબાણ વધારવામાં આવી રહ્યું છે, ત્યારે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ બની રહેશે.

આ નિર્ણયને કારણે ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપમાં સામેલ થવાના પાકિસ્તાનના પ્રયાસોને અસર પહોંચી શકે છે.

એનએસજીમાં સામે રાષ્ટ્રો પરમાણુ સામગ્રીનું ખરીદ-વેચાણ કરી શકે છે. ભારત અને પાકિસ્તાન પાસે અણુબૉમ્બ છે છતાંય તેમને આ ગ્રૂપમાં સ્થાન નથી મળ્યું.

આ ગ્રૂપમાં પ્રવેશવા માટે ભારત પ્રયાસરત છે. અમેરિકા, બ્રિટન, રશિયા તથા ઓસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રો ભારતને સભ્યપદની તરફેણ કરે છે.


તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
શું પાકિસ્તાન માટે બોજ છે હાફિઝ સઈદ?

પાકિસ્તાને 2016માં આ ગ્રૂપમાં સામેલ થવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા, ચીને તેને સમર્થન આપ્યું હતું.

ચીનનું કહેવું છે કે જે આધાર પર ભારત એનએસજીમાં સામેલ થવા માગે છે, એજ આધાર પર પાકિસ્તાનને પણ પ્રવેશ મળવો જોઈએ.

એનએસજીમાં સામેલ થવા માટે તમામ રાષ્ટ્રોની સંમતિ અનિવાર્ય હોય છે.

ભારતીય અધિકારીઓનું માનવું છે કે અમેરિકાની યાદી બાદ ભારતની દાવેદારી મજબૂત બનશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ