શા માટે ટ્રમ્પ રશિયાના 60 રાજદૂતોને કાઢી રહ્યા છે?

પુતિન અને ટ્રમ્પ Image copyright Getty Images

બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસ પર ઝેરી ગેસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હવે રશિયા સામે અમેરિકા અને યુરોપિયન દેશો કડક વલણ અપનાવી રહ્યા છે.

અમેરિકા તથા યુરોપિયન રાષ્ટ્રોએ એકસાથે રશિયાના રાજદૂતોને હાંકી કાઢવાની શરૂઆત કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે રશિયાના 60 રાજદૂતોને દેશ છોડી દેવા આદેશ આપ્યા છે.

યૂક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોએ પણ 13 રશિયન રાજદૂતોને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે આ પગલું બ્રિટનના સમર્થનમાં છે.

જર્મની, ફ્રાન્સ અને કેનેડા સહિત અનેક રાષ્ટ્રોએ રશિયાના રાજદૂતોને તેમના દેશ છોડવા માટે આદેશ આપવાની શરૂઆત કરી દીધી છે.

રશિયાનું કહેવું છે કે તે પણ વળતી કાર્યવાહી કરશે.

બ્રિટનનાં વડાં પ્રધાન ટેરીઝા મેએ આ દેશો દ્વારા રશિયાના રાજદૂતોને કાઢી મૂકવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.


કેટલા રાજદૂતો હાંકી કઢાશે?

બ્રિટને થોડા દિવસો અગાઉ રશિયાના 23 રાજદૂતોને હાંકી કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી.

જે બાદ ઘણા દેશોએ બ્રિટનનો સાથ આપતા તેમના દેશોમાંથી રશિયાના રાજદૂતોને દેશ છોડવા આદેશ આપ્યા છે. તે દેશ આ મુજબ છે.

દેશનું નામ હાંકી કઢાયેલા રાજદૂતોની સંખ્યા
અમેરિકા 60
યૂક્રેઇન 13
પૉલેન્ડ 04
જર્મની 04
કેનેડા 04
ચેક ગણરાજ્ય 03
લિથુનિયા 03
નૅધરલૅન્ડ્સ 02
ઇટાલી 02
ડેન્માર્ક 02
લેટ્વિયા 01
ક્રૉએશિયા 01
એસ્ટોનિયા 01
ફિનલૅન્ડ 01
રોમાનિયા 01

શા માટે હકાલપટ્ટી?

Image copyright EPA

કેટલાક દિવસો પહેલા દક્ષિણ ઇંગ્લેન્ડમાં રશિયાના એક પૂર્વ જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલ અને તેમની પુત્રી યૂલિયાને ઝેર આપીને મારી નાખવાની કોશિશ થઈ હતી.

નિવૃત સૈન્ય જાસૂસ તેમની પુત્રી સાથે સેલિસ્બરી સિટી સેન્ટરમાં એક બેન્ચ પર બેભાન હાલતમાં મળ્યા હતા.

બ્રિટને આરોપ લગાવ્યો હતો કે તેમને મારી નાખવા માટે રશિયાએ કાવતરું ઘડ્યું હતું.

જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો અને બ્રિટને રશિયાના 23 રાજદૂતોને દેશ છોડવા માટે આદેશ કર્યો.

જેનો વળતો જવાબ આપતાં રશિયાએ બ્રિટનના 23 રાજદૂતોને હાંકી કાઢયા હતા.

ઉપરાંત રશિયાએ તેમના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા હતા.

અમેરિકાનું કહેવું છે કે નર્વ એજન્ટ દ્વાર કરવામાં આવેલો હુમલો આંતરરાષ્ટ્રીય નિયમો અને કેમિકલ વેપન કન્વેશનનું ઉલ્લંઘન છે.

જે બાદ હવે અમેરિકા સહિત યૂરોપના દેશો રશિયા સામે કાર્યવાહીના ભાગરૂપે રશિયન રાજદૂતોને પોતાના દેશમાંથી કાઢી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો