લગ્નનાં બદલે આ ભારતીય યુવતીએ એન્ટાર્ક્ટિકા પસંદ કર્યું

મીના રાજપૂત

"હું હિંદુ છું અને પર્યાવરણની રક્ષા કરવી મારો ધર્મ છે. પરિવાર ઇચ્છે છે કે હું લગ્ન કરી લઉં પણ પર્યાવરણ માટે મારે કંઈક કરવું છે આથી એન્ટાર્ક્ટિકા જઈ રહી છું."

આ શબ્દો છે મધદરિયે જહાજમાં સફર કરી રહેલા ભારતીય મૂળનાં મીના રાજપૂતના.

તાજેતરમાં જ તેમના પિતાનું નિધન થયું છે અને પરિવાર હંમેશાં તેમને લગ્ન કરી લેવાનુ કહ્યા કરે છે.

પણ ભારતીય મૂળની યુવતીએ પર્યાવરણ માટે કંઈક કરવા માટેનું સાહસ ખેડવાનો નિર્ણય કર્યો હતો.

મીના રાજપૂત યુ.કેમાં રહે છે અને પર્યાવરણની રક્ષા માટે કામ કરતી સંસ્થા 'ગ્રીનપીસ'ના અભિયાનનો ભાગ છે.

ગ્રીન પીસ સંસ્થા પર્યાવરણ સંબંધિત મુદ્દે અનોખી રીતે વિરોધ કરે છે. તેમની ટીમ જે જગ્યાના પર્યાવરણને અસર થતી હોય ત્યાં જઈને વિરોધ નોંધાવે છે.

આ વખતે ટીમ વિશ્વના સૌથી સંવેદનશીલ અને ઠંડા 'જળસૃષ્ટિ' પર સંશોધન કરવાના સફર પર છે.

મીના રાજપૂતની એન્ટાર્ક્ટિકાની સફર ઘણી રસપ્રદ છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે આ સફર વિશે કહ્યું,"ગત વર્ષે ક્રિસમસ પર મને પરિવારમાંથી કોઈ પણ એવું નહોતું પૂછતું કે હું ક્યારે લગ્ન કરીશ.

"પણ બધા એમ જ પૂછતા કે હું એન્ટાર્ક્ટિકામાં ક્યાં જઈ રહી છું? આથી મને ઘણું આશ્ચર્ય થયું.

"પરિવાર તરફથી લગ્ન માટે વારંવાર કહેવામાં આવતું હતું પણ મારું લક્ષ્ય કંઈક અલગ છે."

"હિંદુ ધર્મમાં વિશ્વની રક્ષા અને પ્રકૃતિને સન્માનની વાત છે. આથી હું પર્યાવરણની રક્ષા કરવા માગું છું.

"આ કારણસર હું ગ્રીનપીસ સંસ્થા સાથે જોડાઈ. અમારી એન્ટાર્ક્ટિકા યાત્રા મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."

અત્રે નોંધવું કે એન્ટાર્ક્ટિકા પર્યાવરણની દૃષ્ટિએ એક દુર્લભ પ્રદેશ છે. ગ્રીનપીસની ટીમ અહીં સંશોધન કરે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે વધુ પડતી માછીમારી અને જળવાયુ પરિવર્તનને કારણે અહીંના વન્યજીવનને તેની માઠી અસર થઈ છે.

તેમના દ્વારા અહીંની તસવીરો અને માહિતી એકત્રિત કરવામાં આવી છે.

જહાજમાં મધદરિયાની સફર અને એન્ટાર્ક્ટિકા અભિયાન અંગે મીના રાજપૂતે કહ્યું,"આ ખૂબ જ દિલધડક સફર છે. પાણી ઘણું ઠંડુ હોય છે."

"દરિયામાં સબમરિન ઉતારવી અદભૂત અનુભવ છે."

જહાજ પર મીના 'ડેક' પર કામ કરે છે. તેઓ વેલ્ડિંગ અને દોરડા બાંધવાનું શીખે છે.

તેમને જહાજ પર દરરોજ સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવે છે તથા જહાજ પર થતા કામથી વાકેફ કરવામાં આવે છે.

સંશોધન માટે ગ્રીનપીસની ટીમ દરિયામાં સબમરીન ઉતારે છે અને દરિયાના તળ સુધી જાય છે.


શું કહેવું છે માતાનું?

મીના રાજૂપતની આ સફર અંગે તેમના માતા આશા રાજપૂત કહે છે, "અમને મીના જે કરી રહી છે તેના પર ગર્વ છે.

"તે સારું કામ કરી રહી છે. અમારા પરિવારમાં દરેક તેનાથી હવે ખુશ છે."

સફરમાં તેમણે બે સપ્તાહ બાદ માતા સાથે વાત કરી. ત્યારે બન્ને ઘણા ભાવુક થઈ ગયા.

તેમના માતા આશા રાજપૂતે દીકરીને કહ્યું,"તારી ઘણી યાદ આવે છે. તારા પિતા જીવતા હોત તો તને ઘણા તાર્કિક સવાલ પૂછ્યા હોત.

"તું જે કંઈ પણ કરી રહી છે તેના પર અમને ગર્વ છે. હવે જ્યારે પાછી આવે તો ત્યાંથી કોઈ પાર્ટનર લઈને આવજે.

હળવી મજાક સાથે આશા રાજપૂત મીનાને કહે છે, "કોઈ ન મળે, તો આખરે ત્યાંથી પૅંગ્વીનને સાથે લઈ આવજે."

વધુમાં ગ્રીનપીસ વિશે વધુ વાત કરીએ તો આ સંસ્થાની અનોખી રીતે વિરોધ કરવાની રીતની ઘણી ટીકા પણ થાય છે.

મીના રાજપૂત ઇંગ્લૅન્ડમાં ડિઝલ કારની આયાતનો વિરોધ કરવા એકવાર બંદર પરના ઊંચા ટાવર પર ચઢી ગયા હતા.

અને આ કારણસર પ્રથમ વખત તેમની ધરપકડ થઈ હતી. તેમના માટે વિરોધની આ રીત યોગ્ય છે.

લગ્ન નહીં કરવાની ઇચ્છા અને આવી રીતે જોખમકારક વિરોધની બાબતને પગલે પરિવારની પ્રતિક્રિયા વિશે તેમણે કહ્યુ કે પારંપરિક ભારતીય પરિવારમાં હોવાથી તેમના પર હંમેશાં લગ્નનું દબાણ રહ્યું છે.

રાજપૂતે ઉમેર્યું,"પરિવાર ઇચ્છતો કે હું સ્થાયી થઈ જાઉં. મારો પણ પરિવાર હોય, કારકિર્દી હોય.

"કેમકે દરેક માબાપ ઇચ્છતા હોય છે તેમની દીકરી લગ્ન કરીને સ્થાયી થઈ જાય અને આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે.

"જ્યારે મારા આ કામનો વિરોધ થતો ત્યારે મારા ભાઈએ મને ટેકો આપ્યો હતો.

"જ્યાં સુધી વિરોધ પ્રદર્શનની વાત છે, તો ગાંધીજી પણ વિરોધ પ્રદર્શન કરતા હતા અને તેમનાથી મને પ્રેરણા મળી છે.

"જોકે, હવે મારા પરિવારને મારા પર ગર્વ છે. હું મારા કામ અંગે ઘણી જ ઉત્સુક છું."

મીના રાજપૂત તેના પ્રકૃતિ પ્રેમ માટે તેમની હિંદુ જીવનશૈલીને જવાબદાર ગણાવે છે.

તેઓ કહે છે કે હિંદુત્વ પ્રકૃતિની રક્ષા અને એકબીજા માટે સન્માન શીખવે છે.

તેમના વિચારો અંગે મક્કમતા સાથે તેઓ આ બાબતે કહે છે, "આથી મારો પ્રકૃતિ ધર્મ મને જે શીખવે છે હું તે જ કરી રહી છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા