કિમ જોંગ ઉન આ વિશિષ્ટ ટ્રેનમાં જ કેમ મુસાફરી કરે છે?

ટ્રેનની તસવીર Image copyright Reuters

અટકળો બાદ આખરે એ સ્પષ્ટ થઈ ગયું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ચીનનો પ્રવાસ કર્યો છે.

ચીન અને ઉત્તર કોરિયા, બન્ને દેશોએ આ વાતની પુષ્ટિ કરી છે. વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ કિમ જોંગ ઉનનો પહેલો વિદેશ પ્રવાસ હતો.

લીલા ડબ્બાવાળી એક ટ્રેને ચીનમાં પ્રવેશ કર્યો, ત્યારથી જ એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેમાં ઉત્તર કોરિયાના સૌથી મોટા નેતા સવાર છે.

જોકે, આ વાત પર આશ્ચર્ય થઈ શકે છે કે સમય બચાવવા માટે દુનિયાના મોટાં ભાગના નેતા વિમાન તેમજ હેલિકોપ્ટરમાં પ્રવાસ કરે છે, તો પછી ઉત્તર કોરિયામાં ઉલટી ગંગા કેમ વહે છે?


વિમાનમાં મુસાફરી કરવાનો ડર કેમ?

Image copyright Reuters

કિમ જોંગના પિતા કિમ જોંગ ઇલ પણ હવાઈ મુસાફરીને નાપસંદ કરતા હતા.

જોંગ ઇલ વર્ષ 2002માં ત્રણ અઠવાડિયા માટે રશિયાના પ્રવાસ પર ગયા હતા, ત્યારે તેમની સાથે મુસાફરી કરનારા એક રશિયન અધિકારીએ તેમને આ ટ્રેન વિશે જણાવ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

આ ટ્રેનમાં દુનિયામાં સૌથી મોંઘી વાઇન મળતી હતી અને બારબેક્યૂની વ્યવસ્થા પણ હતી. ટ્રેનમાં ભવ્ય પાર્ટીઓ થતી.

કિમ જોંગ ઇલે આ રેલગાડીમાં આશરે 10થી 12 વખત વિદેશ પ્રવાસ ખેડ્યો હતો. મોટાભાગે તેમણે ચીનનો પ્રવાસ કર્યો હતો.

Image copyright Reuters

સીનિયર કિમ લાંબી મુસાફરી માટે પણ ટ્રેનનો જ ઉપયોગ કરતા હતા. વર્ષ 1984માં તેઓ આ જ ટ્રેનમાં પૂર્વી યૂરોપ પણ ગયા હતા.

જોકે, તેમનું મૃત્યુ પણ ટ્રેનમાં હૃદયરોગના હુમલાના કારણે થયું હતું.

પરંતુ જે ટ્રેનમાં કિમ જોંગ ઉન કે તેમના પિતા મુસાફરી કરતા, તે કોઈ સાધારણ ટ્રેન નથી.


કેમ ખાસ છે આ રેલગાડી?

Image copyright EPA

'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, બીજિંગમાં દેખાયેલી આ રેલગાડીમાં 11 ડબ્બા હતા અને દરેક ડબ્બાનો રંગ લીલો હતો.

ટ્રેનની બારીઓ પર ટિન્ટેડ ગ્લાસ હતા, જેથી બહારથી કોઈ એ ન જોઈ શકે કે ટ્રેનમાં કોણ સવાર છે.

આ રેલગાડી વિશે જે કંઈ જાણકારી છે તે ગુપ્ત રિપોર્ટ, ટ્રેનમાં સવાર થઈ ચૂકેલા અધિકારીઓના નિવેદન અને મીડિયાના દુર્લભ કવરેજ પર આધારિત છે.

દક્ષિણ કોરિયાની વર્ષ 2009ના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, કિમ જોંગ માટે હાઈ સિક્યુરિટી ધરાવતા આશરે 90 કોચ તૈયાર રહે છે.

રિપોર્ટના આધારે, કિમના પિતા કિમ જોંગ ઇલના જમાનામાં તેઓ ગમે ત્યારે મુસાફરી કરતા, તો ત્રણ ટ્રેન એક જ ટ્રેક પર દોડતી.

તેમાં એક એડવાન્સ્ડ સિક્યુરિટી ટ્રેન, કિમની ટ્રેન અને ત્રીજી ટ્રેનમાં અતિરિક્ત બૉડીગાર્ડ અને સપ્લાયની રહેતી.


સુરક્ષા માટે બુલેટપ્રૂફ કોચ

Image copyright AFP

ટ્રેનમાં દરેક ડબ્બો બુલેટપ્રૂફ હોય છે. તે સામાન્ય રેલ કોચની સરખામણીએ ખૂબ વધારે ભારે હોય છે.

વધારે વજન હોવાને કારણે તેની ઝડપ પણ ઓછી હોય છે. એક અનુમાન પ્રમાણે, ટ્રેનની ગતિ વધારેમાં વધારે આશરે 59 કિલોમીટર પ્રતિકલાકની હોય છે.

2009ના રિપોર્ટ પ્રમાણે, કિમ જોંગ ઇલના જમાનામાં 100 સુરક્ષા અધિકારી એડવાન્સ્ડ ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને તેમની જવાબદારી હતી સ્ટેશનની તપાસ કરવી.

આ સિવાય વધારે સુરક્ષા પ્રદાન કરવા માટે ટ્રેનની ઉપર સૈન્ય હેલિકૉપ્ટર તેમજ વિમાન ઉડાન ભરતા હતા.

વધુ એક ચોંકવનારી વાત એ છે કે ઉત્તર કોરિયામાં અલગઅલગ બાવીસ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જે માત્ર અને માત્ર કિમ જોંગ ઉનના વ્યક્તિગત ઉપયોગમાં લેવાય છે.


ટ્રેનની તસવીરો અને વીડિયો

Image copyright YOUTUBE

ઉત્તર કોરિયાની સરકારી મીડિયા ક્યારેક ટ્રેનની અંદર સવાર પોતાના સૌથી મોટા નેતાની તસવીરો તેમજ વીડિયો જાહેર કરે છે.

વર્ષ 2015માં આ જ ટ્રેનના એક કોચમાં કિમ જોંગ ઉન એક લાંબા સફેદ ટેબલ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ દૃશ્ય કૉન્ફરન્સ રૂમ જેવું હતું.

વર્ષ 2011માં જાહેર થયેલા આ જ પ્રકારના વીડિયોમાં તેમના પિતા પણ આ જ રીતે બેઠેલા અને વાત કરતા જોવા મળ્યા હતા.

જૂના વીડિયોમાં ફ્લેટ સ્ક્રીન ટેલીવિઝન જોવા મળ્યું હતું અને નવા વીડિયોમાં લેપટોપ પણ જોવા મળ્યું હતું.

કિમ જોંગ ઉનને લઇને 13 નવેમ્બર 2015ના રોજ બ્રિટિશ દૈનિક 'ધ ગાર્ડિયન'માં રિપોર્ટ પ્રકાશિત થયો હતો કે જ્યારે તેઓ દેશની અંદર પણ પ્રવાસ પર હોય છે તો કાફલામાં એક મોબાઇલ ટૉઇલેટ હોય છે.


શા માટે ડર રહે છે?

Image copyright Getty Images

શું કિમ જોંગ ઉન પોતાના જીવને લઇને આટલી હદે ડરેલા રહે છે?

ઉત્તર કોરિયામાં 1997થી 1999 સુધી ભારતના રાજદૂત રહી ચૂકેલા જગજીત સિંહ સપરાએ તેનો જવાબ આપ્યો હતો, "ડર તો છે. કિમ જોંગ ઉન જ નહીં, પરંતુ તેમના પિતા અને દાદા પણ સુરક્ષાની બાબતમાં ખૂબ સતર્ક રહેતા હતા.

"કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલ જ્યારે પણ મોસ્કો અને બીજિંગ ગયા તો પ્લેન નહીં, પણ ટ્રેનમાં ગયા હતા."

સપરાએ કહ્યું, "કોઈ પણ દેશના શાસક વિમાનના બદલે ટ્રેનથી વિદેશ પ્રવાસ કરે, તેનાથી જ આપણે સમજી શકીએ છીએ કે તેઓ પોતાની સુરક્ષા મામલે કેટલા સતર્ક હતા.

ઉત્તર કોરિયાનો હવાઈ સંપર્ક માત્ર ચીન સાથે છે."

"બીજિંગથી પ્યૉંગયાંગ અઠવાડિયામાં માત્ર બે ફ્લાઇટ આવે છે. જો તમારે ઉત્તર કોરિયા જવું હોય તો પહેલા બીજિંગ જવું પડશે."

સપરાએ કહ્યું કે કિમ જોંગ ઉનના દાદા કિમ ઇલ સૂંગે માત્ર એક વખત વિમાનથી ઇન્ડોનેશિયાનો પ્રવાસ કર્યો હતો.

તેમણે કહ્યું, "સમગ્ર દેશ તો એલર્ટ પર રહે છે. ઉત્તર કોરિયા અને કોઈ દેશ વચ્ચે પીસ એગ્રીમેન્ટ (શાંતિના કરાર) નથી.

"આથી, તેઓ પોતાની સુરક્ષા મામલે ડરેલા રહે છે. અત્યારે એ દેશમાં જેટલો હોબાળો છે, તેનો સંબંધ અસુરક્ષા સાથે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો