આ 5 સ્ટેપ્સથી ફેસબુક અને ગૂગલ પર તમારી જાસૂસી થતી રોકો

ફેસબૂકનો લોગો

યુઝરની સંમતિ વિના તેના પર્સનલ ડેટા કઈ રીતે એકત્ર કરવામાં આવે છે અને પરવાનગી વિના તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એ સંબંધી ચર્ચા ફેસબૂકનું કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ બહાર આવ્યાને પગલે છેલ્લા એક સપ્તાહ કરતાં વધારે સમયથી ચાલી રહી છે.

પાંચ કરોડથી વધુ ફેસબૂક પ્રોફાઇલ્સમાંથી મેળવવામાં આવેલી અંગત માહિતીનો ઉપયોગ ડેટા એનેલિટિક્સ કંપનીએ યુઝરની સંમતિ વિના એક સીસ્ટમ બનાવવા માટે કર્યો હતો.

એ સીસ્ટમનો ઉપયોગ અમેરિકન મતદારોના સાયકોલોજિકલ પ્રોફાઈલને આધારે તેમને વ્યક્તિગત રાજકીય જાહેરાતો મોકલવા માટે થઈ શકે છે.

ફેસબૂક અને ગૂગલ સ્ટોર જેવી કંપનીઓ તમારા ડેટા જાળવી રાખે છે એ તો કૌભાંડ બહાર આવ્યું એ પહેલાંથી તમે કદાચ જાણતા હશો, પણ કેટલી હદે એ ડેટા જાળવી રાખવામાં આવે છે એ તમે જાણો છો?

તમારા ઓનલાઈન ડેટા તમે કઈ રીતે પાછા મેળવી શકો અને વણવપરાયેલી તમામ માહિતીથી કઈ રીતે છૂટકારો મેળવી શકો એ જાણવા અમે બર્લિનસ્થિત એક સ્વૈચ્છિક જૂથ ટેક્ટિકલ ટેક સાથે વાત કરી હતી.

• ફેસબૂક પ્રોફાલની સાફસફાઈ

ફેસબૂક તમને તમારી તમામ માહિતી ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપે છે. તેમાં તમારા ફોટોગ્રાફ્સ અને તમે મોકલેલા કે મેળવેલા દરેક મેસેજનો સમાવેશ થાય છે.

તમારી કોપી મેળવવા માટે જનરલ અકાઉન્ટ્સ સેટિંગમાં જાઓ અને 'Download a copy of your Facebook data' પર ક્લિક કરો. બધી માહિતી તમને ઇમેલ મારફત મોકલી આપવામાં આવશે.

તમારી માહિતી ધરાવતા તમામ બિનજરૂરી એપ્સ તમે 'Apps' હેઠળ ક્લિક કરીને દૂર કરી શકો છો. (તમે લાંબા સમય પહેલાં કોઈ ફેસબૂક ક્વિઝમાં ભાગ લીધો હતો એ યાદ છે? તેમાં ઘણો ડેટા સંઘરાયેલો હશે.)

બિનજરૂરી એપ્સ હટાવો તે પહેલાં એ ચેક કરી લો કે તેમાં તમારી કેટલી માહિતી છે. તેમાં સંઘરાયેલી માહિતી જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

આ ઉપરાંત તમને ન ગમતાં હોય તેવા તમામ પિક્ચર્સમાંથી ખુદને અનટેગ કરી શકો છો.

એ બધા ફોટોગ્રાફ્સ તથા તમને ટેગ કરવામાં આવ્યા હતા એ પોસ્ટ્સ નિહાળવા તમે તમારા પ્રોફાઈલ પરના View Activity Log પર ક્લિક કરી શકો છો.

• ગૂગલ તમારા વિશે કેટલું જાણે છે?

તમે ગૂગલની કમસેકમ એક પ્રોડક્ટનો ઉપયોગ તો રોજ કરતા જ હશો.

બીજા કોઈ કરતાં એ કંપની તમને વધારે સારી રીતે જાણે છે.

તમારા ડેટા પર ફરી અંકુશ મેળવવા માટે તમારા અકાઉન્ટમાં સાઇન ઇન કરો, તમારા લોગો પર ક્લિક કરો અને પ્રાઇવસી ચેકઅપ પેજ પર જાઓ.

તેમાં ત્રીજું સ્ટેપ 'Personalise your Google experience'નું છે. એ તમારા ડેટાનો અંકુશ તમારા હાથમાં આપશે.

ટોગલ્સને ડાબી તરફ મૂવ કરીને તમે ભવિષ્યમાં કઈ માહિતી સંઘરવાની છે તેની મર્યાદા નક્કી કરી શકો છો.

તમે એપ્સને જે એક્સેસ આપો છો તેના પર પણ અંકુશ રાખી શકો છો.

તમારા વિશેનો કેટલો ડેટા ગૂગલ પાસે છે એ જાણવું હોય તો આ લિંક ચેક કરોઃ google.com/takeout

• હવે લોકેશન ડેટાની વાત

તમારી પાસે સ્માર્ટ ફોન હશે તો તમે થર્ડ પાર્ટી એપ્સને તમે કોણ છો, ક્યાં રહો છો અને ક્યાં જાઓ છો એવી તમામ માહિતી આપતા હો તે શક્ય છે.

તમારી લોકેશન હિસ્ટરી આ રીતે મેળવી શકો છો.

એન્ડ્રોઈડ માટેઃ Google Maps > menu > Your timeline ઓપન કરો. વધારે વિગત માટે દરેક આઇટમ સિલેક્ટ કરો.

આઇફોન માટેઃ Settings > Privacy > Location Services > સ્ક્રોલ ડાઉન કરો અને System Services >સિલેક્ટ કરીને સ્ક્રોલ ડાઉન. પછી Frequent/Significant Locations સિલેક્ટ કરો. વધારે વિગત માટે દરેક આઈટમ સિલેક્ટ કરો.

તમારા મોબાઇલ-ડેસ્કટોપ બ્રાઉઝર પર https://www.google.com/maps/timeline?pb પર જાઓ.

તમને ટ્રેક કરવાની પરવાનગી તમે આ અને અન્ય થર્ડ પાર્ટી એપ્સને ન આપવા ઈચ્છતા હો તો આમ કરોઃ

એન્ડ્રોઇડ માટેઃ Settings > Apps > App permissions > Location.

આઇફોન માટેઃ iPhone: Settings > Privacy > Location Services > પર જઈને પ્રત્યેક એપના આધારે લોકેશન એક્સેસ મેનેજ કરો.

• પ્રાઈવેટ બ્રાઉઝરનો ઉપયોગ

જે ઓનલાઇન શોપિંગ સાઇટ પર તમે બ્રાઉઝિંગ કર્યું હતું એ તમામ આઇટમો તમે જે પેજ વિઝિટ કરો છો તેના પર શા માટે જોવા મળે છે એ જાણો છો?

એ ટ્રેકર્સ થર્ડ પાર્ટી કંપનીની માલિકીનાં હોય છે. એ ટ્રેકર્સ પડદા પાછળ રહીને આપણી સર્ચ, જે વેબસાઇટ્સ આપણે વિઝિટ કરી હતી તે અને આપણા આઈપી એડ્રેસ સહિતનાં સંખ્યાબંધ ડેટા એકત્ર કરે છે. (આઈપી એડ્રેસ લોકેશન ડેટા આપતું હોય છે.)

ખરાબ બાબત એ છે કે એકેય બ્રાઉઝર સેટિંગ્ઝ વાસ્તવમાં પ્રાઇવેટ હોતાં નથી.

મોટાભાગનાં કૂકીઝ ઉપરાંત તમારી બ્રાઉઝિંગ હિસ્ટરી, વેબ ફોર્મ એન્ટ્રીઝ અને અન્ય માહિતી સંઘરતાં હોય છે. એ માહિતી બાદમાં શેર કરવામાં આવે એ શક્ય છે.

જોકે, ગૂગલ, ફાયરફોક્સ અને સફારી પ્રાઇવેટ કે 'incognito' બ્રાઉઝિંગ મોડની સુવિધા આપે છે.

તમે બ્રાઉઝર ક્લોઝ કરો તે દરેક વખતે તેમાંથી બ્રાઉઝિંગ હિસ્ટરી, કૂકીઝ, ટેમ્પરરી ફાઈલ્સ અને વેબ ફોર્મ એન્ટ્રીઝ આપોઆપ ડિલીટ થઈ જાય છે.

એ માટે આમ કરો.

તમારું બ્રાઉઝર (ફાયરફોક્સ, ક્રોમ, ક્રોમિયમ કે સફારી) ઓપન કરો અને Menu > New Private/Incognito Window પર જાઓ.

ફાયરફોક્સ કે સફારીમાં હંમેશા માટે પ્રાઈવેટ બ્રાઉઝિંગ સેટ કરવા માટે આટલું કરો.

ફાયરફોક્સ માટે: menu > Preferences > Privacy > History: Firefox will પર આગળ વધો. Use custom settings for history > check Always use private browsing mode સિલેક્ટ કરો.

સફારી માટેઃ Safari in the top bar > Preferences > General > Safari opens with: select A new private windowનો ઉપયોગ કરો.

• જાતને સવાલ કરોઃ આ બધાં એપ્સ ખરેખર જરૂરી છે?

તમારા મોબાઇલ ફોનમાં કેટલાં એપ્સ છે તેની તમને ખબર છે? વિચારો અને પછી તમારા ફોનમાંના એપ્સની ગણતરી કરો.

તમારી અપેક્ષા કરતાં વધુ એપ્સ છે? ક્યાં એપ્સ ડિલીટ કરવા તેનો નિર્ણય લેવાનું મુશ્કેલ હોય છે.

એ નિર્ણય કરવા માટે નીચે મુજબના સવાલના જવાબ ઉપયોગી થશે.

આ એપ્સ મારા માટે ખરેખર જરૂરી છે? છેલ્લે મેં તેનો ઉપયોગ ક્યારે કર્યો હતો? એ એપ્સ ક્યા ડેટા એકત્ર કરે છે? એપના નિર્માતા કોણ છે? એ ભરોસાપાત્ર છે? તેની પ્રાઇવસી પોલિસી બાબતે તમે કશું જાણો છો? એપ જે ડેટા એકત્ર કરે છે તેના બદલામાં તમને શું મળે છે?

હવે તમે બિનજરૂરી એપ્સ ડિલીટ કરી શકશો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો