USના 60 ડિપ્લોમેટની હકાલપટ્ટી બાદ રશિયાએ આપી ચેતવણી

રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ તથા તેમના પુત્રી યુલિયા Image copyright EPA/ YULIA SKRIPAL/FACEBOOK
ફોટો લાઈન રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ તથા તેમના પુત્રી યુલિયા

અમેરિકામાંથી ડિપ્લોમેટ્સની હકાલપટ્ટી મુદ્દે રશિયાએ વળતાં પગલાં લીધા છે અને અમેરિકાના 60 ડિપ્લોમેટ્સને દેશમાંથી હાંકી કાઢ્યા છે.

ઉપરાંત સેન્ટ પિટ્સબર્ગ ખાતેનું અમેરિકાનું કૉન્સ્યુલેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

રશિયાના વિદેશ પ્રધાનના કહેવા પ્રમાણે, દેશના ડિપ્લોમેટ્સને હાંકી કાઢનારા અન્ય રાષ્ટ્રો પણ 'સપ્રમાણ' પ્રત્યાઘાતો ભોગવવા તૈયાર રહે.

વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ડિપ્લોમેટ્સને હાંકી કાઢવાનું રશિયાનું પગલું 'અપેક્ષિત' હતું સાથે જ ઉમેર્યું હતું કે, તેનાથી "અમેરિકા અને રશિયાના સંબંધો વધુ કથળ્યાં" છે.

બ્રિટનના સાલ્સબરીમાં રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલ તથા તેમની પુત્રીને ઝેરી ગેસ દ્વારા મારી નાખવાનો પ્રયાસ થયો હતો. જેના પગલે કૂટનીતિક યુદ્ધ ફાટી નીકળ્યું છે.

બ્રિટનનું કહેવું છે કે સ્ક્રિપલની હત્યા પાછળ રશિયાનો હાથ છે. બ્રિટનનો સાથ આપતા વીસ જેટલા રાષ્ટ્રોએ રશિયાના ડિપ્લોમેટ્સની હકાલપટ્ટી કરી છે.

રશિયાએ સમગ્ર પ્રકરણમાં તેની ભૂમિકા હોવાની વાત નકારી છે.

તમને આ પણ વાંચવું ગમશે


રશિયા દ્વારા કોની હકાલપટ્ટી?

Image copyright Getty Images

રશિયાએ મોસ્કોમાં તહેનાત અમેરિકાના 58 તથા યેકેટરીનબર્ગના બે રાજદૂતોને 'અનિચ્છનીય વ્યક્તિ' જાહેર કરી દેશ છોડી દેવા નિર્દેશ આપ્યા છે.

રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લેવરોવના કહેવા પ્રમાણે, "અમેરિકાના ઍમ્બૅસૅડર જોન હંટ્સમેનને 'પ્રતિકારક કાર્યવાહી' અંગે માહિતી આપી દેવામાં આવી છે.

"અન્ય રાષ્ટ્રોના રાજદૂતાલયોને પણ સંખ્યાની દ્રષ્ટીએ 'સપ્રમાણ' પ્રતિસાદ આપવામાં આવશે."

રશિયાનું કહેવું છે કે બ્રિટન દ્વારા 'રશિયા-વિરોધી વલણ અપનાવવા માટે અન્યોને ફરજ પાડવામાં આવી રહી છે.'

અમેરિકાના કહેવા પ્રમાણે, વધુ પગલાં લેવાનો અધિકાર અબાધિત રાખે છે.


કૂટનીતિક યુદ્ધનું પૃષ્ઠભૂમિ

Image copyright AFP
ફોટો લાઈન રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લેવરોવ

બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેએ સાલ્સબરી ઘટનાક્રમ બાદ બ્રિટનમાંથી રશિયાના 23 ડિપ્લોમેટ્સની હકાલપટ્ટીની જાહોરાત કરી હતી.

વળતી કાર્યવાહીમાં રશિયાએ પણ બ્રિટનના 23 ડિપ્લોમેટ્સને દેશ છોડી દેવા સૂચના આપી હતી.

ઉપરાંત ત્યાં કાર્યરત બ્રિટીશ કાઉન્સિલ પણ બંધ કરી દેવામાં આવી હતી.

શીતયુદ્ધ બાદ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરતા 20 દેશોએ રશિયાના ડિપ્લોમેટ્સને દેશ છોડી જવા સૂચના આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ