Top News: ગુજરાતમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, લોકોમાં ફફડાટ

કોંગો ફિવર Image copyright Getty Images

રાજકોટના ખીજડિયા ગામે રહેતી એક મહિલાને કોંગો ફીવર હોવાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

મહિલાને છેલ્લાં થોડાં સમયથી તાવનાં લક્ષણો હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. મનિષ મહેતાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "બે દિવસની સારવાર દરમિયાન તેમની બીમારીનાં લક્ષણો કોંગો ફિવર જેવાં દેખાતાં શુક્રવારે સવારે મહિલા દર્દીને આઇસોલેટેડ વૉર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં."

વધુમાં તેમણે ઉમેર્યું, "દર્દીના લોહીનાં નમૂના લઈને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી ખાતે મોકલી આપ્યા છે, જેનો રિપોર્ટ આવતા પાંચ દિવસ લાગી જશે."

પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય વિભાગના અધિકારીઓએ ખીજડિયા ગામની મુલાકાત લઇ શંકાસ્પદ દર્દીના નિવાસસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારમાં દવાના છંટકાવ અને સફાઈના આદેશ આપ્યા છે.

મહત્ત્વનું છે કે કોંગોનો સર્વપ્રથમ કેસ ગુજરાતમાં 2011માં નોંધાયો હતો.

આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે 2011 પછી રાજ્યના છ જિલ્લા, અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ અને અરવલ્લીમાંથી પ્રાથમિક કેસ મળ્યા હતા.

કોંગો ફીવર સામાન્ય રીતે બગાઈ અને પશુઓ દ્વારા ફેલાય છે.


ઇઝરાયેલના ગોળીબારમાં 350 લોકો ઘાયલ, પાંચના મોત

સૈનિકો Image copyright AFP

ગાઝા પટ્ટી પર ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ઇઝરાયલી ટૅન્કથી ચાલેલી ગોળીઓથી પાંચ પેલેસ્ટીનિયનનાં મૃત્યુ થયા છે. જ્યારે 350 લોકો ઘાયલ થયા છે.

પેલેસ્ટીનિયન લોકોનું પ્રદર્શન દક્ષિણ ગાઝાના ખાન યૂનિસના શહેર સહિત પેલેસ્ટાઇન- ઇઝરાયલ સીમા સાથે જોડાયેલા કુલ પાંચ વિસ્તારોમાં ચાલી રહ્યું છે.

ઇઝરાયલી સેનાનું કહેવું છે કે સીમા પાસે શંકાસ્પદ હરકત થતી હોવાની જાણ થવા પર ટૅન્કે ગોળીઓ ચલાવી હતી.

છ અઠવાડિયા સુધી ચાલનારા આ પ્રદર્શન માટે ઇઝરાયલની સીમા નજીક પેલેસ્ટીનિયન લોકોએ ટેન્ટ લગાવ્યા છે.

આ વિરોધ પ્રદર્શનને 'ગ્રેટ માર્ચ ઑફ રિટર્ન' કહેવામાં આવે છે.


અત્યારે બોર્ડર પર શું ચાલી રહ્યું છે?

Image copyright AFP

ધ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના જણાવ્યા અનુસાર સીમા પર ફેન્સિંગની નજીક અને જુદા જુદા પાંચ વિસ્તારોમાં અત્યારે 17 હજાર પેલેસ્ટીનિયન લોકો હાજર છે.

IDFએ જણાવ્યું છે કે તેમણે મુખ્ય શંકાસ્પદો પર ગોળીઓ ચલાવી હતી કે જેથી હિંસા થતી રોકી શકાય. તેમના જણાવ્યા અનુસાર સીમા પર હાજર લોકો ટાયર સળગાવી રહ્યા હતા અને પથ્થરમારો કરી રહ્યા હતા.

પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ 27 વર્ષીય ખેડૂત ઓમર સામોરનું મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયા હતા.

બીબીસી ગાઝા સંવાદદાતા રુશ્દી અબાલૂફે જણાવ્યું છે કે ગોળીઓ જે લોકોને લાગી હતી તેઓ ખેતરમાંથી કોથમરી તોડી રહ્યા હતા.


પેપર લીક મામલે ગૂગલ પાસેથી શું માહિતી માંગવામાં આવી?

Image copyright Getty Images

એનડીટીવીના અહેવાલ મુજબ પેપર લીકના મામલામાં હાલ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે.

દસમાં અને બારમાં ધોરણના પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ અદ્ધરતાલ છે.

સત્તાવાળાઓ પર સમયસર કાર્યવાહી ન કરવાના આરોપ લાગી રહ્યા છે. પેપર લીક થવાના મામલે હોબાળો થતા સીબીએસઈએ પરિક્ષાઓ રદ્દ કરી દીધી.

આરોપ એ પણ છે કે સીબીએસસીએ જ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી ન હતી.

હવે આ ઘટનાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે પેપર લીક મામલે ગૂગલની મદદ માગી છે.

પોલીસે આ ઘટનાના વ્હીસલ બ્લોઅર કોણ હતા તેના વિશે માહિતી માગી હોવાના અહેવાલ છે.


અમેરિકાના વિઝા હવે મુશ્કેલ બનશે

Image copyright Getty Images

સુરક્ષા તંત્ર માટે જોખમી લોકો અમેરિકામાં ન પ્રવેશે તે માટે ત્યાંના વહીવટીતંત્ર દ્વારા વિઝા અરજીઓ માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

નવી જોગવાઈઓ પ્રમાણે, અરજદારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉપયોગમાં લીધેલા ઇ-મેલ એડ્રેસિઝ, ફોન નંબર્સ, સોશિયલ મીડિયા હેન્ડલ્સ અંગે વિગતો આપવી પડશે.

ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસો તથા જો કોઈ દેશમાંથી ડિપૉર્ટ કરવામાં આવ્યા હોય તો તે સંદર્ભની વિગતો પણ આપવાની રહેશે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના અહેવાલ પ્રમાણે, આનાથી લગભગ એક કરોડ 40 લાખ નોન-ઇમિગ્રન્ટ તથા સાત લાખ 10 હજાર ઇમિગ્રન્ટ વિઝા અરજદારોને અસર થશે.


ગમે તે કિંમત ચૂકવીશું: જેડીયુ

Image copyright Getty Images

જનતા દળ (યુનાઇટેડ)એ કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. આ માટે પાર્ટી 'કોઈપણ' કિંમત ચૂકવવા તૈયાર છે.

ગુરૂવારે રાત્રે પાર્ટીના સચિવ શ્યામ રજકે મીડિયા સાથે વાતચીતમાં આ વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ભાગલપુર, સમસ્તીપુર તથા નાલંદામાં કોમી હિંસાની ઘટનાઓ નોંધાઈ છે. જેમાં ભાજપના નેતા સામે કેસ પણ દાખલ થયા છે.

રાષ્ટ્રીય જનતા દળ સહિત બિહારના અન્ય વિપક્ષનો આરોપ છે કે, ભાજપ સામે નીતિશકુમાર 'અસહાય' સાબિત થઈ રહ્યા છે.

અગાઉ નીતિશ કુમારે પણ 'કોમવાદ અસ્વીકાર્ય છે' જણાવીને સંદેશ આપવા પ્રયાસ કર્યો હતો.


કબૂતરબાજીના આરોપમાં ભારતીયની ધરપકડ

Image copyright Getty Images

બનાવટી દસ્તાવેજોના આધારે આઠ લોકોને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાવવાના આરોપ સબબ ભારતીય પત્રકારની ધરપકડ કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા AFPના અહેવાલ પ્રમાણે, પત્રકાર રમેશ શર્મા 'બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી'ના આધારે આઠ લોકોને લઈને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.

આ ગ્રૂપ બેંગકોકથી નીકળ્યું, ત્યારે જ ત્યાંના અધિકારીઓને શંકા પડી હતી, જેના આધારે તેમણે ઓસ્ટ્રેલિયાના અધિકારીઓને સતર્ક કર્યા હતા.

જો શર્મા દોષિત ઠરશે તો તેમને વીસ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે તા. 4 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન કોમનવેલ્થ રમતોત્સવ યોજાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો