બૉસને તમારા વિશે કેટલી જાણકારી હોવી જોઈએ?

  • જોસ લૂઇસ પેનર્રેડોંડા
  • બીબીસી કેપિટલ

ભારતથી માંડીને બ્રિટન અને અમેરિકા સુધી ડેટા ચોરી મામલે હોબાળો થયો છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આરોપ છે કે તેણે પોતાના ઉપભોક્તાઓ સાથે જોડાયેલી જાણકારી તેમની જાણ વગર એક ત્રીજી કંપનીને આપી દીધી છે.

આ કંપનીએ ફેસબુક ઉપભોક્તા સાથે જોડાયેલી જાણકારીનો વ્યવસાયિક ઉપયોગ કર્યો.

ડેટાની મદદથી તેમણે ઉપભોક્તાના રાજકીય વિચાર અને મતદાનના નિર્ણયને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.

ભારતમાં વિપક્ષી કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર લોકો પર 'બિગ બૉસ' જેવી નજર રાખે છે. તેમની જાણકારીઓનો રાજકીય અને વ્યવસાયિક ઉપયોગ થઈ રહ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ તો થઈ રાજકીય વાત, પણ આજે ડિજિટલ દુનિયામાં આપણે જાણે અજાણે ઘણાં એવા કામ કરી રહ્યાં છીએ, જેનાથી આપણી જાસૂસી થઈ શકે છે.

આપણી પસંદ- નાપસંદ વિશે અન્ય લોકો જાણી શકે છે. આપણા આવવા-જવાથી માંડીને રજાઓ પર જવા સુધી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વાતો બીજા લોકોને ખબર પડી રહી છે.

તમારો ડેટા શું કરી શકે છે?

આજની તારીખમાં એક માણસ, માણસ ઓછો અને ડેટા વધારે બની ગયો છે. જેનો સારો અને ખરાબ બન્ને રીતે ઉપયોગ થઈ શકે છે.

તેવામાં તમામ કંપનીઓ પણ પોતાના કર્મચારીઓ સાથે જોડાયેલી વાતો, તેમની જાણ સાથે અથવા તો ઘણી વાત કર્મચારીઓથી છૂપાવીને પ્રાપ્ત કરી રહી છે.

તમે ઑફિસમાં જે કમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો, તે તમારી ટેવની ચુગલી કરે છે. તમારું ઈ-મેઇલ, તમારો ઑફિશિયલ ફોન અને સોશિયલ નેટવર્કિંગ અકાઉન્ટ, તમારા વિશે તમામ વાતો લોકોને જણાવી દે છે.

વિશેષજ્ઞો કહે છે કે આજની તારીખમાં કર્મચારીઓ, કંપનીઓ માટે ડેટા બની ગયા છે. કર્મચારીઓને એ રીતે પરખવામાં આવે છે કે તેઓ કંપની માટે ફાયદાકારક છે કે નુકસાનકારક.

જાસૂસી નથી થતી, તો પણ તમારા-આપણા બૉસ, માલિક અને HR વિભાગ એ જાણવા માગે છે કે આપણે કેટલું કામ કરીએ છીએ.

ઑફિસમાં કેટલો સમય વિતાવીએ છીએ. કેટલો લાંબો બ્રેક લઇએ છીએ. કેટલી રજાઓ લઇએ છીએ. આપણું સ્વાસ્થ્ય ઠીક રહે છે કે નહીં.

તમારી કંપનીની તમારા પર નજર

આમ તો આ કોઈ નવી વાત નથી. કંપનીઓ છેલ્લી એક સદી કરતા પણ વધારે સમયથી પોતાના કર્મચારીઓની જાસૂસી કરતી આવી છે.

જેમ કે, વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાની ફોર્ડ મોટર કંપનીએ પોતાના કર્મચારીઓની જાસૂસી માટે કાયદેસર એક વિભાગની રચના કરી રાખી હતી.

આ વિભાગનું નામ હતું, ફોર્ડ સોશિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટ. આ વિભાગના લોકો ગમે ત્યારે ફોર્ડ કંપનીના કર્મચારીઓના ઘરે પહોંચી જતા હતા.

તેઓ એ જોતા કે કર્મચારી પોતાનું ઘર કેટલું સાફ રાખે છે. તેઓ પોતાના જીવનસાથી સાથે ઝઘડો તો નથી કરતા ને? દારૂ પીને હોબાળો તો મચાવતા નથીને? કર્મચારીઓના બાળકો નિયમિત રૂપે સ્કૂલે જાય છે, કે નહીં? તેમના ખાતામાં પૈસા હોય છે કે નહીં?

દિનચર્યાના આધારે કર્મચારીઓને પરખવામાં આવે છે

આજે કામકાજની જગ્યાઓ પર કર્મચારીની દરેક હરકત પર નજર રહે છે. માત્ર સીસીટીવી કૅમેરા જ કર્મચારીઓ પર નજર રાખતા નથી.

આપણે રજાઓ પર જવા માટે જે ટિકિટ ખરીદીએ છીએ, અથવા તો જે ઈ-મેઇલ લખીએ છીએ, અથવા જે સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર લૉગ-ઇન કરીએ છીએ, તેનાથી આપણા વિશે ઘણી જાણકારીઓ મળી જાય છે.

જેમ કે ફેસબુકના માધ્યમથી લોકોની પસંદ-નાપસંદનો અંદાજો લાગી જાય છે. આ જ રીતે ટ્વિટરના માધ્યમથી તમારા લોકેશનથી માંડીને તમારા રાજકીય વિચાર અંગે અનુમાન લગાવી શકાય છે.

ઘણી કંપનીઓમાં તમે તમારા આઈ-કાર્ડની મદદથી જ કૉફી મશીનમાંથી કૉફી કાઢી શકો છે. આ જ રીતે ઘણી જગ્યાએ, મશીનમાંથી પસાર થઈને જ ઑફિસની બહાર અવર-જવર કરી શકાય છે.

તેનાથી કંપનીઓને ખબર પડી જાય છે કે તમે કેટલો સમય ઑફિસમાં, કેટલો સમય જમવામાં અને કેટલો સમય ઑફિસની બહાર વિતાવો છો.

આ ડેટા જ તમારી પ્રોફાઇલ બનાવે છે. તમારી ઇમેજ ચમકાવે અથવા તો બગાડે છે.

કેટલાક વિશેષજ્ઞો માને છે કે કર્મચારીઓ વિશે આંકડાકીય માહિતી એકત્ર કરવાનો આ વેપાર જ એક અબજ ડૉલર કરતા વધારે છે.

ડેટાના ઉપયોગની દુવિધા

કોઈ પણ સ્વસ્થ અને સક્રિય વ્યક્તિ, કામ પણ સારૂં જ કરશે. તે રજાઓ ઓછી લેશે. તેના માટે કંપનીઓ પોતાના કર્મચારીઓના સ્વાસ્થ્યને વધુ સારૂં બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરે છે.

આ આયોજન કોન્ટ્રાક્ટ પર થાય છે, જેમાં કોઈ ત્રીજી કંપની કર્મચારીના સ્વાસ્થ્યની તપાસ કરે છે. આ આંકડા આમ તો કંપનીને આપવામાં આવતા નથી.

પરંતુ ઘણી વખત કંપનીઓ જાણવા માગે છે કે કયા કર્મચારી સ્વાસ્થ્યના માપદંડો પર ખરા ઉતર્યા?

આ આપણી જાસૂસી જ છે. યુરોપીય દેશોમાં તો આ પ્રકારના ડેટાના ઉપયોગ પર રોક લગાવવાનો કાયદો છે. પરંતુ અમેરિકામાં હજુ પણ સામાન્ય લોકોને આ પ્રકારની જાસૂસીથી બચાવવા માટે કડક કાયદો નથી.

અને જ્યારે અમેરિકામાં આવી પરિસ્થિતિ છે, તો ભારત જેવા દેશો વિશે તો અનુમાન લગાવી જ શકાય છે.

આજે થર્ડ પાર્ટી પાસેથી મળેલા આવા આંકડાની મદદથી જ સ્વાસ્થ્યનો વેપાર ચમકી રહ્યો છે. એટલે કે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ડેટાનો આપણી જાણકારી વગર ઉપયોગ થઈ રહ્યો છે.

ડિજિટલ જીવનની ટેવ

આપણે ડિજિટલ જિંદગીથી ટેવાઈ ગયા છીએ. તેનાથી આપણે એકદમ તો અલગ થઈ શકતા નથી. અને એ પણ નક્કી છે કે આપણી ગતિવિધિઓ સાથે જોડાયેલા ડેટાનો ઉપયોગ પણ થશે.

તેવામાં આપણે એ નક્કી કરવું પડશે કે આપણે ડિજિટલ દુનિયામાં કેટલા સક્રિય રહીએ છીએ. આપણી કેટલી જાણકારી શૅર કરીએ છીએ. આપણી કઈ ટેવ લોકોને જણાવીએ છીએ.

ભારતમાં આધાર તો ચીનમાં ડિજિટલ સ્કોર

આમ તો ઘણાં દેશોમાં તો લોકોએ પોતાની જાણકારી આપવું અનિવાર્ય બની ગયું છે. ભારતમાં જ સરકારે આધારને બૅન્ક, ફોન, વીમા, મ્યુચ્યુઅલ ફંડ અને બીજી કેટલીક સેવાઓ સાથે જોડવું જરૂરી બનાવી દીધું છે.

આ જ રીતે ચીનમાં 2020 સુધી દરેક નાગરિકનો ડિજિટલ સ્કોર હશે. આ સ્કોર તમારી ખરીદીથી માંડીને એ વાત સુધી નક્કી થશે કે તમે કયું પુસ્તક વાંચો છો.

ડેટા ચોરીથી ડરવાની જરૂર તો છે. પરંતુ એટલું ડરવાની પણ જરૂર નથી કે આપણે ફોન કે કમ્પ્યૂટરને હાથ લગાવવાનું જ બંધ કરી દઈએ.

ઘણી વખત આંકડાની જરૂર પડે છે. ડેટાની મદદથી તમને કારકિર્દી સાથે જોડાયેલી સલાહ પણ મળી શકે છે.

તમને તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે સલાહ પણ મળી શકે છે. તમે તમારું કામકાજ પણ સારી રીતે કરી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો