પાકિસ્તાનીઓ મલાલાને કેમ નાપસંદ કરે છે?

મલાલા યુસુફઝઈ

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ તાલિબાનના આતંકીઓની ગોળીનો નિશાન બન્યાં બાદ પહેલી વખત પાકિસ્તાન પહોંચ્યાં છે.

વર્ષ 2012માં મહિલા શિક્ષાના પ્રચારના કામ સાથે જોડાયેલાં મલાલાને તાલિબાનના આતંકીઓએ ગોળી મારી દીધી હતી.

મલાલા હવે 20 વર્ષનાં થઈ ચૂક્યાં છે અને એક માનવ અધિકાર કાર્યકર્તા તરીકે તેમણે પોતાની એક મજબૂત ઓળખ બનાવી લીધી છે. લગભગ છ વર્ષ બાદ મલાલા પોતાના દેશ પરત ફર્યાં, પણ શું પાકિસ્તાન તેમનાં આ પ્રવાસથી ખુશ છે?

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસી ઉર્દૂના તંત્રી હારુન રશીદ જણાવે છે, "પાકિસ્તાનના ઘણાં લોકો એવા છે કે જેઓ મલાલાને પસંદ કરે છે. પરંતુ કેટલાક પિતૃસત્તાત્મક વિચાર ધરાવતા લોકોને મલાલા પસંદ નથી. કેમ કે મલાલા બાળકીઓના શિક્ષણ અંગે વાત કરે છે."

"તેવામાં ઘણાં લોકો એવા છે કે જેઓ મલાલાને ઇન્ટરનેટ પર પણ નિશાન બનાવી રહ્યા છે."

તેઓ કહે છે, "તે લોકો મલાલાને નફરત કરે છે કેમ કે તેમને લાગે છે કે મલાલા પશ્ચિમી દેશોના મહિલાઓની સ્વતંત્રતાના એજન્ડાને પ્રોત્સાહન આપે છે."

"તે લોકોને મહિલાઓનાં શિક્ષણ મેળવવાથી ડર લાગે છે. તેમને લાગે છે કે તેમાં ખતરો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં લાખો લોકો સ્કૂલે જવાનું છોડીને ઘરના કામ કરે છે."

"તેનો સીધો મતલબ છે કે મલાલા ખૂબ જ મુશ્કેલ પુરુષવાદી વિચાર સામે લડી રહ્યાં છે."

આ વિચાર ઘણી વખત જોવા પણ મળે છે.

2014માં મલાલાને મળ્યો હતો નોબેલ પુરસ્કાર

2014માં જ્યારે મલાલાને નોબેલ પુરસ્કાર મળ્યો હતો, ત્યારે પણ તેના વિરોધમાં અવાજ સાંભળવા મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર અપમાનજનક અને વ્યંગ્યાત્મક ટિપ્પણીઓ જોવા મળી હતી અને પાકિસ્તાની ટીવી ચેનલો પર પણ આ સમાચારને લઇને કોઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો.

પરિસ્થિતિ એવી હતી કે લાંબા સમય સુધી તો પાકિસ્તાનના ઘણાં લોકોને એ પણ ખબર ન હતી કે મલાલાને નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

'પાકિસ્તાન ઑબ્ઝર્વર' દૈનિકના તે સમયના તંત્રી તારિક ખટાકે આ નિર્ણયની ટીકા કરતા બીબીસીને જણાવ્યું હતું, "આ એક રાજકીય નિર્ણય છે અને એક ષડયંત્ર છે."

તેમણે મલાલા વિશે કહ્યું હતું કે 'તેઓ એક સાધારણ અને બેકાર છોકરી છે. તેમાં કંઈ પણ ખાસ નથી. તેઓ એ કામ કરી રહ્યા છે કે જે પશ્ચિમી દેશ ઇચ્છે છે.'

મલાલા યુસુફઝઈનો જન્મ વર્ષ 1999માં થયો હતો. પહેલી વખત તેઓ ચર્ચાનું કેન્દ્ર ત્યારે બન્યાં હતાં જ્યારે 10 વર્ષની ઉંમરે તેમણે ગુલ મકઈ નામથી બીબીસી ઉર્દૂ માટે ડાયરી લખવાનું શરૂ કર્યું હતું.

આ ડાયરી બહારની દુનિયામાં વસતા લોકો માટે એક બારી સમાન હતી જેનાથી તેમને ખબર પડી કે સ્વાત ઘાટીમાં તાલિબાનના પડછાયા હેઠળ લોકોનું જીવન કેવી રીતે વીતી રહ્યું છે.

2012માં મલાલાના માથામાં ગોળી મરાઈ હતી

મલાલાથી નારાજ ઉગ્રવાદીઓએ 2012માં તેમના માથામાં ગોળી મારી દીધી હતી. બ્રિટનમાં લાંબા સમય સુધી ઇલાજ કરાવ્યા બાદ તેઓ ઠીક થઈ શક્યાં હતાં અને ત્યારથી તેઓ પાકિસ્તાનની બહાર જ રહે છે.

મલાલાની શોધ કરનારા બીબીસી પત્રકાર અબ્દુલ હઈ કાકડે વિસ્તારમાં જણાવ્યું હતું કે તેઓ મલાલા સુધી કેવી રીતે પહોંચ્યા અને તેમની પાસે ડાયરી લખાવવાનો વિચાર કેવી રીતે આવ્યો.

"આ વર્ષ 2008ની વાત છે. ત્યારે હું બીબીસી ઉર્દૂ સેવા માટે કામ કરતો હતો. પાકિસ્તાનનો એક વિસ્તાર આતંકવાદનો સામનો કરી રહ્યો હતો અને ત્યાં ધાર્મિક નેતા મૌલાના ફઝલુલ્લાહ શરિયા કાયદો લાગુ કરાવવા માટે અભિયાન ચલાવી રહ્યા હતા."

પાકિસ્તાનના સ્વાતનાં રહેવાસી છે મલાલા

"ફઝલુલ્લાહની પ્રાથમિક ઓળખ એક મૌલવી તરીકે હતી. આગળ ચાલીને તેઓ બિનઇસ્લામી વસ્તુઓનો વિરોધ કરવા લાગ્યા. આ બિનઇસ્લામી વસ્તુઓમાં સ્કૂલ, સંગીત-ગીત જેવી વસ્તુઓનો સમાવેશ થયો હતો."

અબ્દુલ આગળ જણાવે છે, "એક સમયે તાલિબાને સ્વાત પર પૂર્ણ કબજો મેળવી લીધો હતો. બસ, કેટલીક સરકારી ઇમારતો જ છોડવામાં આવી હતી જેના પર તેમનો કબજો ન હતો. પરિસ્થિતિ સતત બગડતી ગઈ અને 2008માં તાલિબાને બાળકીઓના શિક્ષણ પર રોક લગાવી દીધી હતી."

તેઓ કહે છે, "મને લાગ્યું કે જેના પર આ વીતી છે, તેમના અવાજને સામે લાવવાની જરૂર છે. બીબીસી ઉર્દૂએ મને તેની પરવાનગી આપી. મલાલાના પિતા જિયાઉદ્દીન મારા ઓળખીતા હતા. તેઓ સ્વાતમાં સ્કૂલ ચલાવતા હતા. મેં તેમની સાથે વાત કરી અને પછી તેમણે મને એક બાળકીનો નંબર આપી દીધો."

આગળ તેઓ જણાવે છે, "આ બાળકી પહેલા બીબીસી માટે લખવા રાજી થઈ ગઈ, પછી કહ્યું કે તેના માતા પિતા તાલિબાનના ડરથી ના પાડી રહ્યા છે. મેં જિયાઉદ્દીન સાહેબ સાથે ફરી એક વખત વાત કરી. તેમણે થોડા સંકોચ સાથે કહ્યું કે મારી દીકરી પણ તાલિબાનના પ્રતિબંધથી દુઃખી છે અને તે લખી શકે છે."

"મેં કહ્યું કે મને કોઈ વાંધો નથી. પછી મલાલા સાથે મારી વાત થઈ અને કામ શરૂ થયું."

મલાલાની ડાયરી

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાનની સ્વાત ઘાટીમાં મલાલા યુસુફઝઈના ગૃહ જિલ્લામાં તેમના નોબેલ પુરસ્કારના પૈસાથી સ્કૂલનું નિર્માણ થયું હતું

"એ દિવસોમાં ફેક્સ, ઇન્ટરનેટ જેવી સુવિધાઓ નહીવત હતી. હું ફોન પર તેમની પાસેથી ડિક્ટેશન લેતો હતો અને ઉર્દૂમાં ટ્રાન્સક્રાઇબ કરતો હતો. આ દરમિયાન ઘણી મુશ્કેલી પડી હતી."

"મારો ફોન ગુપ્તચર એજન્સીઓની નિગરાની હેઠળ હતો અને હું તે ફોનથી મલાલા સાથે વાત કરતો ન હતો કેમ કે તેનાથી તેમના પર ખતરો સર્જાઈ શકતો હતો. મલાલા સાથે વાત કરવા માટે હું મારા પત્નીનાં ફોનનો ઉપયોગ કરતો હતો."

"મલાલા પર કોઈ મુશ્કેલી ન આવે, તેના માટે મેં તેમને ગુલ મકઈનું નામ આપ્યું હતું. પશ્તો ભાષામાં તેને મકાઈનું ફૂલ કહે છે અને સ્થાનિક લોક સંગીતમાં આ નામનું એક કેરેક્ટર પણ છે."

"મલાલાને આ વિશે ખૂબ મોડી જાણકારી મળી. તેમને પોતાનું નવું નામ પસંદ પણ પડ્યું. જોકે, મલાલાએ એ ક્યારેય ન કહ્યું કે તેમનું નામ જાહેર કરવામાં ન આવે."

"મલાલાની ડાયરી માટે મારી દરરોજ તેમની સાથે વાત થતી હતી. ટ્રાન્સક્રિપ્શનનું કામ હું તે જ સમયે કરી લેતો હતો. જેથી તેઓ જે રીતે જણાવી રહ્યા છે, વાત તે જ રૂપમાં રજૂ થઈ શકે."

"એ ડાયરી દર અઠવાડિયે બીબીસી ઉર્દૂ પર પબ્લિશ થતી હતી. ત્યાંથી તે બીબીસી સાઉથ એશિયા અને રેડિયો માટે પણ જાહેર થતી હતી."

"આવું બેથી ત્રણ મહિના સુધી ચાલ્યું. સેનાની કાર્યવાહી બાદ સ્વાતમાં ફરી પાકિસ્તાની નિયંત્રણ આવી ગયું અને સ્કૂલો ફરીથી ખુલી ગઈ. ત્યારબાદ મલાલાની સાથે જે કંઈ થયું, તે આખી દુનિયા જાણે છે."

પાકિસ્તાન પરત ફર્યાં મલાલા

એ ઘટના બાદ મલાલા પહેલી વખત પાકિસ્તાન પરત ફર્યાં છે. જોકે, આ વખતે પણ તેઓ અહીં થોડાં દિવસ જ વિતાવશે. મલાલાને પાકિસ્તાનમાં હજુ પણ ખતરો હોઈ શકે છે એ માટે તેમના પ્રવાસની જાણકારી સાર્વજનિક કરવામાં આવી રહી નથી.

ગુરુવારના રોજ પાકિસ્તાન પહોંચીને મલાલાએ એક ભાવુક ભાષણ આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે પોતાના દેશમાં પરત ફરીને તેઓ કેટલા ખુશ છે. ભાષણ દરમિયાન તેઓ ઘણી વખત આંસુ લૂંછતા પણ નજરે પડ્યાં હતાં.

મલાલાએ કહ્યું, "મને હજુ પણ વિશ્વાસ આવતો નથી કે આવું ખરેખર થઈ રહ્યું છે. મેં છેલ્લા પાંચ વર્ષમાં એક જ સપનું જોયું છે કે હું મારા દેશમાં પગ મૂકી શકું. આજે જ્યારે જોઈ રહી છું તો ખૂબ ખુશ છું. જો મારા હાથમાં હોત, તો હું મારો દેશ ક્યારેય ન છોડતી. પરંતુ મારે ઇલાજ માટે બહાર જવું પડ્યું."

તેમણે કહ્યું, "હંમેશાં એ સપનું હતું કે પાકિસ્તાન જઉં અને ત્યાં શાંતિથી કોઈ ડર વગર રસ્તા પર નીકળી શકું. લોકો સાથે વાત કરી શકું. બધું એવું જ થઈ જાય જેવું મારા જુના ઘરમાં હતું. આખરે એ થઈ રહ્યું છે અને હું તમારો ધન્યવાદ કરું છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો