વિશ્વનું એ શહેર જ્યાં બૉમ્બમારાની વચ્ચે ભણી રહ્યા છે યુવાનો!

સીરિયા

લાંબા સમય ગૃહ યુદ્ધમાં ઘેરાયેલા સીરિયામાં વિનાશ અને નિરાશાની તમામ તસવીરો જોવા મળે છે.

અહીં જીવતા રહેવું જ સૌથી મોટો સંઘર્ષ છે. પરંતુ વિપરિત પરિસ્થિતિઓમાં પણ પૂર્વી ગૂટાના અંતરિયાળ વિસ્તારમાં યુવાનો ભણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના ભવિષ્ય માટે યોજનાઓ બનાવી રહ્યા છે.

અહીં રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ એવી યુનિવર્સિટીમાં ભણી રહ્યાં છે જે ઑનલાઇન ડિગ્રી આપે છે.

આ વિદ્યાર્થીઓએ તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વીજળીથી માંડીને ઇન્ટરનેટ સુધી દરેક વસ્તુ માટે સંઘર્ષ કરવો પડે છે.

શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ

પૂર્વી ગૂટામાં રહેતા 20 વર્ષીય મહેમૂદ અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઑફ ધ પીપલથી કમ્પ્યૂટર સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે.

આ યુનિવર્સિટી એવા લોકોને ડિગ્રી આપે છે કે જેઓ પારંપરિક રૂપે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી.

ગૃહયુદ્ધ દરમિયાન મહેમૂદ પૂર્વી ગૂટાની એક સેકન્ડરી સ્કૂલમાં ભણી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓ યુનિવર્સિટીમાં ભણતર ચાલુ રાખી શક્યા નહીં.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "જ્યારે મેં હાઇસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું ત્યારે હું કમ્પ્યૂટર સાયન્સ ભણવા માગતો હતો. પરંતુ એવી કોઈ પણ યુનિવર્સિટી નથી જે કમ્પ્યૂટર સાયન્સની ડિગ્રી આપતી હોય."

મહેમૂદ કહે છે કે જો તમે જીવનમાં આગળ વધવા માગો છો તો તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે.

યુનિવર્સિટી ઑફ ધ પીપલમાં ઘણાં સીરિયાઈ વિદ્યાર્થીઓ ભણે છે. આ યુનિવર્સિટી ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપે છે.

સંયુક્ત રાષ્ટ્રના સચિવ પૂર્વી ગૂટાને ધરતીનાં નર્કની શ્રેણીમાં રાખે છે. તેમ છતાં અહીં 10 યુવાનો એવા છે કે જેઓ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવી રહ્યા છે.

આશા હજુ જીવીત છે

પરંતુ સવાલ એ છે કે આખરે કોઈ વ્યક્તિ આવી વિપરિત પરિસ્થિતિઓમાં કેવી રીતે ભણી શકે છે?

મહેમૂદ કહે છે કે ખરેખર આ બધી વસ્તુઓની મનોવૈજ્ઞાનિક અસર પડે છે કેમ કે આ બધું અમારી ચારે તરફ થાય છે.

તેઓ કહે છે, " જ્યારે બૉમ્બવર્ષા થાય છે, ત્યારે અમે માત્ર જીવીત રહેવા વિશે વિચારીએ છીએ."

"બૉમ્બવર્ષા જ્યારે રોકાય છે, પછી ભલે તે થોડીવાર માટે રોકાય, અમે ભવિષ્ય વિશે વિચારવા લાગીએ છીએ. અમારું મગજ બે તરફ ચાલે છે. પહેલાં તો એ વિચારતો હતો કે અમે જીવતા રહીશું કે નહીં અને બીજું એ કે અમારા ભવિષ્યનું શું થશે."

"પરંતુ જો અમે આ પ્રકારની જગ્યા પર પણ ગમે તેમ કરીને ભણી શકીએ છીએ તો તેનાથી આશા જાગે જ છે."

એટલું સહેલું પણ નથી અહીં શિક્ષણ મેળવવું

પરંતુ જો તમને એવું લાગે છે કે આ ખૂબ સહેલું છે તો એવું નથી. ક્યારેક વીજળીની સમસ્યા તો ક્યારેક બીજી કોઈ સમસ્યા. મોટાભાગે અમારે જનરેટર પર જ નિર્ભર રહેવું પડે છે.

માજેદ પણ કમ્પ્યૂટર સાયન્સનું શિક્ષણ મેળવી રહ્યા છે. એક હવાઈ હુમલામાં તેમના ઘરનો વિનાશ થયો હતો. તેમણે પણ આ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તેઓ કહે છે, "પરીક્ષા દરમિયાન જ્યારે ઘણા વિદ્યાર્થીઓ ભણવામાં વ્યસ્ત રહે છે, તે સમયે અમને હુમલાની ચિંતા હોય છે."

માજેદ સીરિયાની નવી પેઢી માટે ચિંતીત છે. જ્યાં બાકી બાળકો પરીક્ષાની ચિંતા કરે છે, ત્યાં અહીં રહેતા લોકો પીડિતો અને હુમલાનો આંકડો જોડે છે.

તે છતાં માજેદને આશા છે કે એક દિવસે તેઓ પીએચડી પૂર્ણ કરી જ લેશે.

"અમારું જીવન ચાલતું રહેશે. આ યુદ્ધ અમને રોકી શકતા નથી. એક દિવસે અમે બધા મળીને આ દેશને ફરી ઊભો કરી શકીશું."

"મને વિશ્વાસ છે કે શિક્ષણનાં માધ્યમથી અમે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો