#CWG2018 : ઑસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ ગેમ્સમાં સિરિંજે વધારી ભારતની મુશ્કેલી!

  • રેહાન ફઝલ
  • ઑસ્ટ્રેલિયાથી, બીબીસી ગુજરાતી માટે
સાંકેતિક તસવીર

હું ભારતીય ટીમના 'શેફ ડે મિશન' વિક્રમ સિસોદિયાને મળીને પરત ફર્યો જ હતો કે સમાચાર આવ્યા કે ગેમ્સ વિલેજના સફાઈ કામદારને ભારતીય ટીમના ફ્લેટની બહાર એક બોટલમાં કેટલીક સિરિંજ મળી છે.

જાણકારી મળતા જ કોમનવેલ્થ ફેડરેશનના વડા ડેવિડ ગ્રેનબર્ગે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે.

મેં મોડી રાતે વિક્રમ સિસોદિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે ફોન ઉઠાવ્યો નહીં. પરંતુ અજય નારંગે એક નિવેદન જાહેર કરી આ સમગ્ર મામલાને નકાર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે તેમને જ આ સિરિંજની બોટલ વિશેની પહેલી માહિતી મળી હતી.

તેમણે કોમનવેલ્થના અધિકારીઓને ખોલ્યા વગર બોટલ પહોંચાડી હતી. ભારતીય ટીમનો બોટલ સાથે કોઈ સંબંધ નથી.

ગેમ્સ વિલેજમાં પ્રતિબંધિત દવાઓ અંગે કડક નિયમો છે. માત્ર ડાયાબિટીસથી પીડાતા ખેલાડીઓ અને અધિકારીઓને જ અંદર સિરિંજ લાવવાની મંજૂરી છે.

રિયો ઑલિમ્પિકમાં પણ ભારતીય ટીમના આવાસ આસપાસ સિરિંજ મળી આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આ સમગ્ર એપિસોડમાં બે અલગ અલગ વાત સામે આવી રહી છે.

એક વાત પ્રમાણે સફાઈ કર્મચારીને આ વિશેની જાણકારી મળી. જ્યારે નારંગે કહ્યું હતું કે તેમણે સિરિંજ સાથે બોટલ અધિકારીઓને પહોંચાડી હતી.

સાચી હકીકત તો સંપૂર્ણ તપાસ પછી જ બહાર આવશે. પરંતુ રમતોની શરૂઆત પહેલાં વાત ચોક્કસ કડવી બની ચૂકી છે.

બ્રિસ્બેનમાં નવ ભારતીય 'પત્રકાર' પકડાયા

વધુ એક સમાચારને કારણે ભારતની શાખ ખરાબ થઈ છે.

નવ ભારતીય પત્રકારોની ઑસ્ટ્રલિયાના બ્રિસ્બેનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પત્રકારો ખોટા દસ્તાવેજોના આધારે ઑસ્ટ્રેલિયામાં પ્રવેશવા જતા હોવાનો આરોપ છે.

ઑસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે જણાવ્યું હતું કે તેમને બૅંગકોકથી સમાચાર મળ્યા હતા કે કેટલાક લોકો ખોટા દસ્તાવેજોના આધારે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે.

જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એક વ્યક્તિ સિવાય દરેક પાસે વિદેશી મીડિયાના નકલી ઓળખપત્ર હતાં.

એકમાત્ર પત્રકાર રાકેશ કુમાર શર્મા પાસે એક સાચા દસ્તાવેજ હતા. આ આઠ લોકો ઑસ્ટ્રેલિયામાં તેમની જ છત્રછાયામાં આવ્યા હતા.

જ્યારે પોલીસ શર્માને પ્રશ્ન કરવા માગતા હતા ત્યારે તેમણે કહ્યું કે તેમને અંગ્રેજી નથી આવડતું.

તે માટે પોલીસ હિંદી દુભાષિયાની ગોઠવણ કરી રહી છે. તેમને હાલ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે. તેમના જામીન મામલે 6 એપ્રિલે સુનાવણી કરવામાં આવશે.

જો નકલી દસ્તાવેજો દ્વારા ઑસ્ટ્રેલિયામાં દાખલ થવા બદલ શર્મા દોષિત ઠરે તો તેમને વીસ વર્ષની સજા થઈ શકે છે.

ઉદ્ઘાટનમાં જ વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી મુજબ ઉદ્ઘાટન સમારંભ અને સ્વીમિંગ સ્પર્ધાના પ્રથમ દિવસે વરસાદ થઈ શકે છે. એટલે લોકોમાં થોડી નિરાશા છે.

અહીં સ્ટેડિયમમાં એક વિચિત્ર નિયમ છે કે તમે છત્રીને સ્ટેડિયમમાં અંદર તો લઈ જઈ શકો છો પરંતુ ખોલી શકતા નથી.

રમતોના અધ્યક્ષ પીટર બેટીએ લોકોને પ્રાર્થના કરવાની વિનંતી કરી છે કે વરસાદને કારણે ઉદ્ઘાટન સમારંભમાં વિઘ્ન ન આવે.

હવામાન ખાતા પ્રમાણે આઇરિસના તોફાનને કારણે બુધવારે 10 મીલીમીટર વરસાદ થઈ શકે છે.

સ્પર્ધાના પ્રથમ દિવસે એટલે કે છઠ્ઠી એપ્રિલે પણ છ મીમી વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

35000 દર્શકોની ક્ષમતા ધરાવતા કરારા સ્ટેડિયમમાં આશરે 5000 બેઠકો પર જ કવર છે. બાકીની ત્રીસ હજાર બેઠકો ખુલ્લા આકાશ નીચે છે.

તેવી જ રીતે સ્વીમિંગ સ્ટેડિયમની તમામ 12,000 બેઠકો ખુલ્લી છે.

સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં છત્રીઓને સેલ્ફી સ્ટીકર, ઘોંઘાટીયા સાધનો અને મોટી-મોટી ટોપીઓ સાથે પ્રતિબંધિત વસ્તુઓની શ્રેણીમાં મૂકવામાં આવી છે.

વરસાદની પ્રબળ શક્યતાને ધ્યાનમાં રાખી જોવાનું રહેશે કે છત્રી પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે છે કે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો