ચીનના સ્પેસ સ્ટેશનનો કાટમાળ દક્ષિણ પ્રશાંત મહાસાગર વિસ્તારમાં પડ્યો

સ્પેસ લેબ

ઇમેજ સ્રોત, CHINA MANNED SPACE AGENCY

વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓના રડાર અને ટેલિસ્કોપ ચીનની સ્પેસ લેબ તરફ મંડાયેલા હતા.

ચીનનું બંધ પડેલું સ્પેસ સ્ટેશન ટિયાંગોંગ-1 પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું.

ચીન અને અમેરિકન સ્પેસ એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે સ્પેસ સ્ટેશનના મોટાભાગના પાર્ટ્સ સળગી ગયા હતા.

એસ્ટ્રોનોટ જોનાથન મેકડોવેલના જણાવ્યા પ્રમાણે તે સોમવારે સવારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું.

આ સ્પેસ સ્ટેશન 10 મીટર લાંબું અને 8 ટન વજન ધરાવતું હતું.

માનવામાં આવી રહ્યું છે કે સ્પેસ માટે બનાવવામાં આવેલા અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશેલા મોટાભાગના ઓબ્જેક્ટ કરતાં આ સ્ટેશન મોટું હતું.

ચીનનું આ લેબ સાથેનું કમ્યૂનિકેશન તૂટી ગયું હોવાથી તેને કન્ટ્રોલ કરી શકાય તેમ ન હતું.

ક્યાં પડ્યું ચીનનું સ્પેસ સ્ટેશન?

ઇમેજ સ્રોત, Getty Images

આ સ્પેસ લેબને લઈને અનેક પ્રકારની વાતો થઈ રહી હતી. વાતાવરણમાં પ્રવેશતાં પહેલાં તે ક્યાં પડશે તે અંગે કોઈ ચોક્કસ સ્થાન નક્કી થયેલું ન હતું.

પરંતુ તે દક્ષિણ પ્રશાંત મહાસાગરની ઉપર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું.

એટલે કે તેના મોટાભાગના પાર્ટ્સ સળગી ગયા બાદ જો કોઈ હાર્ડ ઓબ્જેક્ટ્સ રહી ગયા હશે તો તે દરિયામાં પડશે.

આથી માનવ વસાહત પર તેનો પડવાનો ખતરો ટળી ગયો છે.

ટિયાંગોંગ 1 છે શું?

ઇમેજ સ્રોત, Getty Images

આ સ્પેસ મોડ્યૂલને 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ ચીન દ્વારા સ્પેસમાં 2022 સુધીમાં માનવ સાથેનું કાયમી સ્પેસ સ્ટેશન સ્થાપવાનો હતો.

જોકે, માર્ચ 2016 બાદ આ સ્પેસ સ્ટેશને કામ કરવાનું બંધ કરી દીધું હતું અને ચીનનો તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો.

2012 અને 2013માં ચીનના ઍસ્ટ્રોનોટ્સે તેમની મુલાકાત લીધી હતી.

ચીનની પહેલી મહિલા ઍસ્ટ્રોનોટ્સ લીયુ યાંગ અને વાંગ યાપિંગે પણ આ સ્પેસ લેબની મુલાકાત લીધી હતી.

ચીનની આવતા દશકામાં કાયમી સ્પેસ સ્ટેશન સ્થાપવાનો ઉદ્દેશ હતો. જોકે, ત્યારબાદ આ સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો