ઈરાકથી આવેલાં શબ ભારતીયોનાં જ છે એમ કેમ માની લેવું?

  • ભરત શર્મા
  • બીબીસી સંવાદદાતા

ઈરાકના મોસુલ શહેરમાં 2014માં 40 ભારતીયો ગુમ થઈ ગયા હતા. એ 40 પૈકીના એક ભાગી છૂટ્યા હતા અને બાકીના 39ની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

એ દાવાને ત્યારે ફગાવી દેવામાં આવ્યો હતો અને સરકારે જણાવ્યું હતું કે એ લોકોના મોતના પુરાવા નહીં મળે, ત્યાં સુધી તેમને 'જીવંત' માનવામાં આવશે.

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ થોડા દિવસ પહેલાં સંસદમાં નિવેદન આપવા ઊભા થયાં, ત્યારે કોઈને કલ્પના ન હતી કે 39 પરિવારોની આશા પળવારમાં ધરાશાયી થઈ જશે.

એ ભારતીયોનાં શબ લેવા ઈરાક ગયેલા વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન વી. કે. સિંહે જણાવ્યું હતું કે 38 ભારતીયોના અવશેષ ભારત પહોંચી ચૂક્યા છે, જ્યારે એક શબનું ડીએનએ મેચ થવામાં સમસ્યા સર્જાઈ છે.

ડીએનએ સેમ્પલથી ઓળખ

સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઈરાકમાં 2014માં ગુમ થયેલા 40 ભારતીયો પૈકીના 39 મૃત્યુ પામ્યા છે. તેમની હત્યા માટે ઉગ્રવાદી સંગઠન આઈએસઆઈએસ જવાબદાર છે.

એ શબોને કબર ખોદીને બહાર કાઢવામાં આવ્યાં, ત્યારે ભારતીયોના મોતની જાણકારી મળી હતી. બધાં શબ એક જ કબરમાંથી મળ્યાં હતાં.

વિદેશ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે મોતની પૃષ્ટિ માટે મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ સાથે મેચિંગ મારફત કરવામાં આવી હતી.

સુષ્મા સ્વરાજના જણાવ્યા અનુસાર, ચાર રાજ્યોની સરકાર મારફત ડીએનએ સેમ્પલ્સ મંગાવવામાં આવ્યાં હતાં. તેનું શબોના ડીએનએ સાથે મેચિંગ કરવામાં આવ્યું હતું.

ડીએનએ મેચિંગથી મોટો પુરાવો બીજો કોઈ હોઈ ન શકે.

વી. કે. સિંહ ગયા હતા ઈરાક

બદલો Twitter કન્ટેન્ટ, 1

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1

ઈરાકથી ભારતીયોના શબ ભારત લાવવાની જવાબદારી વી. કે. સિંહને સોંપવામાં આવી હતી. તેઓ રવિવારે ઈરાક ગયા હતા અને સોમવારે પાછા ફર્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, 39મું શબ ભારત લાવવામાં આવ્યું નથી, કારણ કે તેના ડીએનએ ટેસ્ટિંગમાં મેચિંગનું પ્રમાણ 70 ટકા છે, જ્યારે અન્ય 38 શબમાં એ 95 ટકાથી વધારે છે.

શબ નહીં જોવાની સલાહ

ઇમેજ કૅપ્શન,

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ

કેટલાક પરિવારોના જણાવ્યા અનુસાર, તેમને કોફિન નહીં ખોલવાની અને ઝડપભેર શબના અંતિમ સંસ્કાર કરવાની સલાહ આપવામાં આવી છે.

તેનું કારણ સમજી શકાય તેમ છે. જે શબ ઘણા મહિનાઓથી જમીનમાં દટાયેલું હોય તેની હાલત અત્યંત ખરાબ હોય એ દેખીતું છે.

સવાલ એ છે કે શબની હાલત આટલી ખરાબ હોય તો તેની ઓળખ કઈ રીતે કરવામાં આવી હતી?

જે શબ મળ્યાં છે એ ભારતીયોનાં જ છે તેની ખબર કેમ પડી? બિહારીની વ્યક્તિનું શબ પંજાબ ન પહોંચી જાય અને પંજાબની વ્યક્તિનું શબ બિહાર ન પહોંચે એ કઈ રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યું?

ડીએનએ એટલે શું?

શબોની ઓળખ થઈ શકી ડીએનએને કારણે. વિદેશ પ્રધાને પણ આ વાતનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો, પણ આ ડીએનએ શું છે?

ડીઓક્સિરાઇબૉન્યૂક્લિક એસિડનું ટૂંકું નામ ડીએનએ છે. ડીએનએ મોલેક્યૂલનું બનેલું હોય છે. એ મોલેક્યૂલને ન્યૂક્લિયોટાઇડ કહેવામાં આવે છે.

દરેક ન્યૂક્લિયોટાઇડમાં એક ફોસ્ફેટ ગ્રૂપ, એક સુગર ગ્રૂપ અને નાઇટ્રોજન બેઝ હોય છે.

શબની ઓળખમાં એ કઈ રીતે ઉપયોગી થાય છે અને ડીએનએ ટેસ્ટિંગ માટે શબના ક્યા હિસ્સામાંથી સેમ્પલ સારું સેમ્પલ મળે છે?

ક્યાંથી લેવામાં આવે છે સેમ્પલ?

લોહી, ટિસ્યૂ કે વાળના મૂળમાંથી ડીએનએ સેમ્પલ લઈ શકાય છે.

શબ લાંબો સમય દટાયેલું રહ્યું હોય અને અત્યંત ખરાબ હાલતમાં હોય તો હ્યૂમરસ કે ફીમર જેવાં લાંબા હાડકાંઓમાંથી ડીએનએ સેમ્પલ લઈ શકાય છે.

એ ઉપરાંત દાંતમાંથી પણ ડીએનએ સેમ્પલ લઈ શકાય છે.

દિલ્હીસ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)ના ફોરેન્સિક વડા ડૉ. સુધીર ગુપ્તા સાથે બીબીસીએ આ બાબતે વાત કરી હતી.

ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે ડીએનએને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ભરોસાપાત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ ગણવામાં આવે છે. સેમ્પલની ચકાસણી માટે પરિવારજનનું લોહી લેવું જરૂરી હોય છે.

કઈ રીતે કરવામાં આવે છે શબની ઓળખ?

દાદા-દાદી, માતા-પિતા, દીકરો-દીકરી કે પૌત્ર-પૌત્રીના બ્લડનું સેમ્પલ લઈ શકાય છે.

એ પછી શબના સોફ્ટ ટિસ્યૂ કે બોન મેરો સાથે એ સેમ્પલને મેળવવામાં આવે છે.

ઈરાકમાંથી મળેલા એક શબનું ડીએનએ સેમ્પલ 70 ટકા મેચ થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેનો અર્થ શું સમજવો?

ડૉ. ગુપ્તાએ કહ્યું હતું, "તેમાં કોઈ ટકાવારી હોતી નથી. એક નિર્ધારિત સ્થિતિ હોય છે. તેનું મેચિંગ થતું હોય તો સેમ્પલને મેચ થયેલું માનવામાં આવે છે.

"12થી 15 બાબતોનું મેચિંગ કરવામાં આવે છે અને એ બધાના પરિણામના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવે છે."

શબ સડી જાય પછી પણ મેચિંગ?

શબ આટલા લાંબા સમય સુધી દટાયેલાં રહેવા છતાં તેમાં ટિસ્યૂ કઈ રીતે બચેલાં રહે?

આ સવાલના જવાબમાં ડૉ. ગુપ્તાએ કહ્યું હતું, "સેમ્પલ તો બોન મેરો કે વાળમાંથી પણ મળી જાય છે.

"જ્યાં સુધી શબમાંથી ટિસ્યૂ મળી શકતાં હોય ત્યાં સુધી ડીએનએ મેચ કરી શકાય છે.

"શબમાં ટિસ્યૂ ક્યાં સુધી બચેલાં રહે તેનો આધાર અલગ-અલગ બાબતો પર હોય છે.

"કેટલાક કિસ્સામાં અનેક વર્ષો સુધી, ખાસ કરીને બોન મેરો સેમ્પલ મળી રહે છે."

અગાઉ કઈ રીતે કરવામાં આવતું હતું મેચિંગ?

કઈ ચીજો વડે ડીએનએ મેચિંગ કરી શકાય છે એ જણાવતાં ડૉ. ગુપ્તાએ કહ્યું હતું, "લોહી, વાળ, નખ, લાળ અને બોન મેરો વડે ડીએનએ મેચિંગ કરી શકાય છે."

ડીએનએ મેચિંગની શરૂઆત થઈ એ પહેલાં શબની ઓળખ કઈ રીતે કરવામાં આવતી હતી?

ડૉ. ગુપ્તાએ કહ્યું હતું, " અગાઉ આ કામ બહુ મુશ્કેલ હતું અથવા એમ કહી શકાય કે લગભગ અશક્ય હતું.

"જડબાના આકાર કે બીજી શારીરિક સંરચના વડે ધારવામાં આવતું હતું, પણ ડીએનએ પછી આ બધું આસાન થઈ ગયું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો