સદ્દામ હુસૈનનો મહેલ તમારે જોવો છે?

  • થિયોપી સ્કાર્લેટ્સ
  • બીબીસી ન્યૂઝ, બસરા

બસરામાં આવેલા સદ્દામ હુસૈનના એક મહેલને હવે મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવ્યો છે.

ઈરાકની ઐતિહાસિક અને કિંમતી અલભ્ય વસ્તુઓને મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

પ્રાચીન વારસા સમાન આ વસ્તુઓને જોવા માટે સેંકડો લોકો મ્યુઝિયમ પર ઊમટી પડ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, બસરાના આ મહેલમાં હજી કામ પૂરું થયું નથી. કેટલાક ભાગમાં મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલે છે, પણ હાલ પૂરતી એક ગેલરી લોકો માટે ખોલી દેવામાં આવી છે.

બસરાના મહેલને મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં મહદી અલૂસ્વીનું ખાસ યોગદાન છે.

બ્રિટિશ સેનાએ આ મહેલને પોતાના ઑપરેશન સેન્ટર તરીકે બદલી નાખ્યો હતો.

ઉદ્દામવાદીઓએ આ મહેલને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એક સમયે સત્તા અને ભવ્યતાના પ્રતીક તરીકે રહેલી આ ઇમારત ખંડેર જેવી થઈ ગઈ હતી.

મહદી અલૂસ્વી કહે છે, "મેં જ્યારે પહેલીવાર આ મહેલને જોયો ત્યારે લાગ્યું કે તેને ઈંટોથી નહીં, પણ મનુષ્યોના લોહીથી બનાવાયો છે."

મહેલની છતને સાફ કરીને તેના પર પેઇન્ટ લગાવાયો છે.

એન્જિનિયર ડ્યૂરે તૌફિક કહે છે, "મને એ જાણીને બહુ અચરજ થયું હતું કે આ મહેલનો સ્ટાફ રોજ ત્રણ વાર ભોજન બનાવીને તૈયાર રાખતા હતા. સદ્દામ હુસૈન અચાનક આવી પહોંચશે તેમ ધારીને ભોજન બનતું હતું, પણ તેઓ અહીં ક્યારેય આવ્યા નહોતા."

સદ્દામ હુસૈનના શાસનકાળમાં મોટા ભાગના લોકોને ખબર જ નહોતી કે આ મહેલની દિવાલોની પાછળ શું ચાલી રહ્યું છે.

અલૂસ્વીને સૌથી વધારે આનંદ સામે રહેલી બાલ્કની જોઈને થયો હતો. તેથી તેમણે તેની મૂળ ડિઝાઇનને જાળવીને તેનું સમારકામ કરાવ્યું છે.

ડ્યૂરે તૌફિકના જણાવ્યા પ્રમાણે તેમણે પહેલીવાર આવીને જોયું તો મહેલની દિવાલો પર સદ્દામ હુસૈનનું નામ 200 વાર કોતરવામાં આવ્યું હતું. હવે એ બધું તેમના માટે ઇતિહાસનો ભાગ બની ગયું છે એમ તેઓ કહે છે.

બસરામાં એક મ્યુઝિયમ હતું તેમાં 1991માં લૂંટફાટ ચાલી હતી. તેના ડાયરેક્ટરને ગોળી મારી દેવામાં આવી હતી અને તેની અડધો અડધ વસ્તુઓ લૂંટી લેવાઈ હતી.

નવા ડાયરેક્ટરે હવે લૂંટાઈ ગયેલી વસ્તુઓની જગ્યાએ ફરીથી નવી વસ્તુઓ મૂકવાની છે.

મ્યુઝિયમના નવા ડાયરેક્ટર સેંકડો વસ્તુઓ બગદાદથી બસરા લઈ આવ્યા છે. તે વસ્તુઓ મૂળ અહીંની જ હતી. હવે આ કિંમતી ચીજો સલામત રહેશે એવી આશા તેઓ વ્યક્ત કરે છે.

સંસ્કૃતિ, કલા અને ઇતિહાસની દૃષ્ટિએ બસરા બહુ સમૃદ્ધ શહેર છે, પણ તેની ઉજવણી કરી શકાય તેવી કોઈ જગ્યા અહીં નહોતી. તે ખોટ હવે પૂરાઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો