યૂ-ટ્યૂબ હેડક્વાર્ટરમાં ગોળીબાર, એક સંદિગ્ધ મહિલાનું મોત

ઇમેજ સ્રોત, Justin Sullivan/Getty Images
અમેરિકાના ઉત્તર-કેલિફોર્નિયામાં આવેલા યૂ-ટ્યૂબના હેડક્વાર્ટરમાં એક બંદૂકધારી મહિલાએ ગોળીબાર કરી ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ફાયરિંગમાં ઘાયલ થયેલા ચાર લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ તેમની સ્થિતિ વિશે જાણકારી નથી.
ગોળીબાર યૂ-ટ્યૂબના સૅન બ્રુનોમાં આવેલા હેડક્વાર્ટરમાં થયો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
પોલીસને એક ગનમેનની માહિતી મળી હતી. જે બાદ તેઓ તરત જ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.
પોલીસ પ્રવક્તા એડ બાર્બેરિનીએ જણાવ્યું હતું કે સંદિગ્ધ મહિલા મૃત સ્થિતિમાં મળી હતી. પોલીસને શંકા છે કે તેણે જ ગોળીબાર કર્યો હતો.
પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાનું કહ્યું હતું. આ પછી ઑફિસ ખાલી કરીને બંધ કરવામાં આવી હતી.
ઇમેજ સ્રોત, Reuters
યૂ-ટ્યુબના પ્રોડક્ટ મેનેજર ટૉડ શર્મને ટ્વીટ કરીને આ ઘટના વિશે જણાવ્યું હતું.
ઘાયલ થયેલા 36 વર્ષના એક યુવકની સ્થિતિ ગંભીર છે. સીબીસીએસ ન્યૂઝના અહેવાલ મુજબ ઘાયલ થયેલો યુવક ગોળીબાર કરનાર મહિલાનો બોયફ્રેન્ડ છે.
32 અને 27 વર્ષની ઉંમરની બે મહિલાઓ પણ ગોળીબારમાં ઘાયલ થઈ છે. જેમાં 32 વર્ષીય મહિલાની હાલત ગંભીર છે.
યૂ-ટ્યૂબના આ હેડક્વાર્ટરમાં 1,700 લોકો કામ કરે છે. ગૂગલે કહ્યું છે કે તે 'અધિકારીઓ' સાથે વાત કરી રહ્યું છે અને ટૂંક સમયમાં માહિતી આપશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો