કશ્મીર પર આફ્રિદીએ એવું શું ટ્વીટ કર્યું કે ગંભીરને જવાબ આપવો પડ્યો?

ક્રિકેટરનો ફોટો

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના કેટલાક લોકો સોશિયલ મીડિયામાં વખાણ કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેમની ટીકા કરી રહ્યાં છે.

તેનું કારણ છે ભારત પ્રશાસિત કશ્મીરને લઈને તેમણે કરેલું એક ટ્વીટ, જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પ્રશાસિત કશ્મીરમાં ભય ઉપજાવનારો માહોલ છે. જેથી સંયુક્ત રાષ્ટ્ર(યૂએન)એ વચ્ચે પડવું જોઈએ.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીએ મંગળવારે ટ્વીટ કર્યું, ''ભારત પ્રશાસિત કશ્મીરમાં ભય ઉપજાવનારો માહોલ છે. સ્થિતિ ખૂબ જ ખરાબ છે."

"નિર્દોષ લોકોને ગોળી મારવામાં આવી રહી છે જેથી એક સ્વતંત્ર અવાજને દબાવી શકાય. ક્યાં છે યૂએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા? કેમ તેઓ આ ખૂનખરાબા અંગે કેમ કંઈ બોલતા નથી.''

સમર્થન અને વિરોધમાં ટ્વીટ

સુનીત શ્રીવાસ્તવે તેમના ટ્વીટમાં કૉમેન્ટ કરી, ''તમે સન્માનિત વ્યક્તિ અને ક્રિકેટર હોવાથી રાજકારણ અંગે ટિપ્પણી ન કરવી જોઈએ અને પાકિસ્તાનનું કઈ રીતે સારું થાય તેના પર કામ કરવું જોઈએ.''

આબિદ બુહરુએ લખ્યું, ''હૃદયથી આટલી સહાનુભૂતિ દેખાડવા બદલ આભાર.''

આફ્રિદીના આ ટ્વીટ પર હજારો જવાબો આવ્યા. તેવામાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન મેદાનમાં આવ્યા અને તેમણે આ રીતે વળતો જવાબ આપ્યો.

ગૌતમ ગંભીરે ટ્વીટ કરી કહ્યું, ''મીડિયાના લોકોએ મારી પાસે આફ્રિદીએ જે ટ્વીટ કર્યું, તેના પર ટિપ્પણી કરવા જણાવ્યું અને યૂએન પર પણ. શું કહેવું જોઈએ?"

"આફ્રિદી એ યૂએનની વાત કરી રહ્યા છે, જેનો મતલબ 'અંડર નાઇન્ટીન' સાથે જોડાયેલો છે. મીડિયા આરામ કરી શકે છે, શાહિદ આફ્રિદી નો-બોલ પર વિકેટ લઈને ઉજવણી કરી રહ્યા છે.''

પરંતુ લોકોએ ગૌતમ ગંભીરને પણ ના છોડ્યા, કેટલાક લોકોએ તેમનું સમર્થન કયું તો કેટલાક ઇતિહાસ જણાવવા લાગ્યા.

ગિઝ ખાને જણાવ્યું, ''અમારા કશ્મીરથી તમારો શું મતલબ? તમને ખ્યાલ છે આફ્રિદીભાઈ ખાસ પઠાણ જ્ઞાતિના છે. જેમણે 1948માં ભારતના સુરક્ષાદળોથી આઝાદ કશ્મીરને મુક્ત કરાવ્યું હતું. જલ્દી જ હું આઝાદ કશ્મીરમાં સંપત્તિ ખરીદવા જઈ રહ્યો છું, રોકી શકતા હો તો રોકી લો.''

જ્યારે કેટલાક લોકોએ બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના કથિત અત્યાચારોની વાત જણાવી. સુદીપ સેનગુપ્તાએ લખ્યું, ''ગૌતમ ગંભીર શું વાત કહી તમે. શું વળતો જવાબ આપ્યો છે, હું પણ આવું જ વિચારું છું કે બલૂચિસ્તાનના લોકો સામે અત્યાચારોનો જવાબ ટ્વીટથી આપવો જોઈએ.''

શાહિદ આફ્રિદીના ટ્વીટને જ્યારે સાડા ચાર હજાર લોકોએ રીટ્વીટ અને 11 હજાર લોકોએ લાઇક કર્યું, ત્યારે ગૌતમ ગંભીરના ટ્વીટને 10 હજારથી વધારે લોકોએ રીટ્વીટ અને 22 હજારથી વધારે લોકો લાઇક કરી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો