માણસની જેમ દરિયામાં રહી ગીતો ગાતી વહેલ માછલી

ધનુષ આકારના માથાવાળી વ્હેલ Image copyright Science Photo Library
ફોટો લાઈન ધનુષ આકારના માથાવાળી વ્હેલ

આર્કટિક દરિયાઈ બરફની નીચે ધનુષ આકારનું માથું ધરાવતી વહેલ ગાવાનું પસંદ કરે છે.

જ્યારે હમ્પબૅક વ્હેલના ગાવાનાં લક્ષણ વિશે જાહેર થયું ત્યારે લાગ્યું કે તેની જ પ્રજાતિની ધનુષ આકારના માથાવાળી વહેલ વિશે અભ્યાસ થવો જરૂરી છે.

જે બાદ સ્વાલબાર નજીક આ વહેલની વસ્તીનો અભ્યાસ કરવામાં આવ્યો.

જેમાં બહાર આવ્યું કે તેમની સંગીતમય ધૂનો 'સૉન્ગબર્ડ'-ગીતો ગાતાં પક્ષીઓ જેટલી વિવિધતા ધરાવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

જે તેમને વહેલની પ્રજાતિ અને કદાચ સસ્તન પ્રાણીઓમાં અનોખી ઓળખ અપાવે છે.

ત્રણ વર્ષ દરમિયાન સ્પિટ્સબર્ગનની આવી વહેલોએ 184 જેટલાં અલગ-અલગ ગીતો ગાયાં હતાં. દર શિયાળામાં દિવસના 24 કલાક આ 'ગાયકો' ગાતા જોવા મળ્યા હતા.

રોયલ સોસાયટીની પ્રોસિડિંગ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય લેખક અને પ્રોફેસર કૅટ સ્ટેફોર્ડે બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું "જ્યાં સુધી અમે કહી શકીએ છીએ ત્યાં સુધી આ અભ્યાસમાંથી વ્હેલનાં ગીતોના હજારો અક્ષરો મળ્યા છે."


Image copyright Science Photo Library
ફોટો લાઈન હમ્પબૅક વ્હેલ

"હમ્પબૅક વહેલનાં ગીતો શાસ્ત્રીય સંગીત જેવાં છે, એકદમ વ્યવસ્થિત. જે 20થી 30 મિનિટ સુધી લાંબા ચાલે છે."

"જ્યારે એક ધનુષ આકારના માથાવાળી વહેલનું ગીત 45 સેકન્ડથી બે મિનિટ લાંબું હોઈ શકે છે. પરંતુ તે ગીત વારંવાર ગાતી રહે છે."

હમ્પબૅક વહેલ એક જ સિઝનમાં એક સમાન ગીતો ગાવા માટે જાણીતી છે.

પરંતુ આ ધનુષ આકારના માથાવાળી વહેલ માટે એક ગીત કેટલાક કલાક કે કેટલાક દિવસો સુધી ચાલી શકે છે.

આ ગીતો ઘણાં જટિલ અને અસામાન્ય છે. કેમ કે મોટાભાગનાં સસ્તન પ્રાણીઓમાં આ વર્તન અલગ અને પુનરાવર્તિત હોય છે જે બદલાતું નથી.

ધનુષ્ય આકારના માથાની વહેલની વસ્તી વિશે ઓછી માહિતી જાણીતી છે. લેખકો એવું માને છે કે સંવર્ધનની ઋતુ દરમિયાન પુરુષ વહેલ ગીતો ગાય છે.

અડધા મીટર સુધી બરફ તોડવાની ક્ષમતા અને 200 વર્ષનું જીવન ધરાવતી આ ધનુષ આકારનાં માથાવાળી વહેલ ખૂબ જ મજબૂત હોય છે.

વહેલની પ્રજાતિઓમાં સૌથી વધુ જાડી ચામડી હોવાને કારણે સ્પિટ્સબર્ગનમાં ઇ.સ. 1600ની શરૂઆતમાં વ્યાવસાયિક રીતે તેનો શિકાર થતો હતો.

તેમની સંખ્યામાં ઘટાડો અને બરફની નીચે તેમના કુદરતી નિવાસસ્થાનને કારણે તેમના વિશેનો અભ્યાસ ઓછો થયો છે.

જેથી આ વહેલ ઘણાં અંશે રહસ્યમય રહી છે.

એટલે જ આ વહેલ વિશે આપણે બીજી વહેલ પ્રજાતિની સરખામણીમાં ઓછું જાણીએ છીએ.

હજુ સુધી જોકે એ જાણવા નથી મળ્યું કે આ વહેલ આજીવન એક જ ગીત ગાય છે કે દર સિઝનમાં ગીત બદલે છે.


Image copyright Getty Images
ફોટો લાઈન ધનુષ આકારના માથાવાળી વ્હેલનો ઇ.સ. 1600ની શરૂઆતમાં શિકાર થતો હતો

તેમનાં ગીતોમાં ધૂનની વિવિધતાનું કારણ નક્કી થયું નથી.

હાઇડ્રોફોન રેકૉર્ડિંગ્સનો ઉપયોગ કરીને સ્પિટ્સબર્ગનમાં તેમની ગણતરી કરવાનું શક્ય ન હતું.

પરંતુ આ પ્રદેશમાં અગાઉ થયેલાં કામ પ્રમાણે ઓછામાં ઓછી 343 જેટલી વહેલ હતી.

પ્રોફેસર સ્ટેફોર્ડ પ્રમાણે વ્યકિતગત રીતે ટ્રૅક કરી કોણ ગાયક છે અને શા માટે ગીત ગાય છે તે જાણવાનું બાકી છે.

તેઓ કહે છે "આ એક રહસ્ય છે જે ઉકેલવું ખરેખર મુશ્કેલ છે."

"પરંતુ આ દુર્ગમ જગ્યાએ બરફ હેઠળ અભ્યાસ કરવાનું ઘણું નોંધપાત્ર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો