બીબીસી રિયાલિટી ચેકઃ ચીન વારંવાર આ ‘ખોટું’ કેમ બોલે છે?

હાઈ-સ્પીડ ટ્રેન પાસે ઉભેલી પરિચારિકાનો ફોટોગ્રાફ Image copyright Getty Images

હાઇ-સ્પીડ રેલવે, મોબાઇલ પેમેન્ટ, ઈ-કોમર્સ અને બાઇક શૅરિંગની શોધ ચીને કરી હોવાનો દાવો કરવામાં આવે છે, પણ હકીકત એ છે કે આ પૈકીની એકેય ટેક્નોલોજીની શોધ ચીને કરી નથી.

હા. ચીને તેનો ભરપૂર ઉપયોગ જરૂર કર્યો છે અને વિશ્વના અન્ય હિસ્સાઓમાં તેને પહોંચાડવામાં મદદ કરી છે.

વાસ્તવમાં ચીનના સરકારી મીડિયામાં મે, 2017થી વારંવાર એવો દાવો કરવામાં આવે છે કે આ ચાર ક્રાંતિકારી ટેક્નોલોજીને ચીને જન્મ આપ્યો છે.

ચીનની વિખ્યાત ઇન્ટરનેટ કંપની ટેન્સેંટના ચીફ એક્ઝિક્યુટિવ પોની માએ ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)માં આ દાવાનો તાજેતરમાં પુનરુચ્ચાર કર્યો હતો.

વિશ્વની ધનવાન લોકોની હુરુનની યાદી અનુસાર પોની મા ચીનના સૌથી વધુ ધનવાન પણ છે.

પોની માએ એનપીસીમાં પત્રકારોને કહ્યું હતું, "અમે વધુ એક નવી સિદ્ધિ મેળવી છે - ન્યૂ ફૉર ગ્રેટ ઇન્વેશન્શ ઇન ચાઇના. અમે વિશ્વને હાઇ-સ્પીડ રેલવે, ઓનલાઇન શોપિંગ, મોબાઇલ પેમેન્ટ અને શેરિંગ બાઇક્સ આપી છે."

હકીકત એ છે કે આ ટેક્નોલોજીનો જન્મ ચીનમાં થયો નથી. આ ટેક્નોલોજી દાયકાઓ પહેલાં વિશ્વમાં આવી ચૂકી છે.


ખોટા દાવાની શરૂઆત ક્યારથી?

આવા ખોટા દાવાની શરૂઆત મે, 2017માં બીજિંગ ફોરેન સ્ટડીઝ યુનિવર્સિટીના સર્વેથી થઈ હતી.

એ સર્વેમાં 20 દેશોના યુવાનોને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ ટેક્નોલોજી છે, જે તમે ચીનમાંથી ફરી તમારા દેશમાં લાવવા ઇચ્છો છો?

આ સવાલના જવાબમાં હાઇ-સ્પીડ રેલવે, મોબાઇલ પેમેન્ટ, ઈ-કોમર્સ અને બાઇક શેરિંગ ટોપ પર હતાં.

એ પછી તરત જ ચીની મીડિયા અને સરકારી અધિકારીઓ તેને આધુનિક સમયની 'ચાર મહત્ત્વની શોધ' ગણાવીને તેનો પ્રચાર કરવા લાગ્યા હતા.


હા-સ્પીડ રેલવે

Image copyright AFP/GETTY IMAGES

હાઇ-સ્પીડ રેલવેની કોઈ નિશ્ચિત પરિભાષા નથી. યુરોપિયન યુનિયનના જણાવ્યા અનુસાર, નવા રેલવે ટ્રેક પર પ્રતિ કલાક કમસેકમ 250 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનને હાઇ-સ્પીડ ટ્રેન કહી શકાય.

વર્લ્ડવાઇડ રેલ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, વિશ્વની પહેલી હાઇ-સ્પીડ ટ્રેન સેવા જાપાનમાં 1964માં શરૂ કરવામાં આવી હતી.

એ પહેલાં 1955માં ફ્રાંસમાં એક ટ્રેન પ્રતિ કલાક 331 કિલોમીટરની ઝડપે તેના ગંતવ્યસ્થાને પહોંચી હતી.

જોકે, સૌથી પહેલાં ટોક્યો-ઓસાકા રેલમાર્ગ પર પ્રતિકલાક 201 કિલોમીટરની ઝડપે નિયમિત રીતે દોડવા લાગી હતી.

ચીનમાં પહેલી હાઇ-સ્પીડ રેલવે લાઇન 2008માં, ઓલિમ્પિક્સ પહેલાં શરૂ કરવામાં આવી હતી.


મોબાલ પેમેન્ટ

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન ચીનમાં ફળો ખરીદીને મોબાઈલ મારફત પેમેન્ટ કરી રહેલી મહિલા

મોબાઇલ ડિવાઇસ મારફત વિશ્વનું સૌપ્રથમ પેમેન્ટ ફિનલેન્ડમાં 1997માં થયું હતું.

જોકે, કેટલાક લોકો માને છે કે મોબાઇલ પેમેન્ટ ટેક્નોલોજીની શરૂઆત 2014માં 'એપલ પે' મારફત થઈ હતી.


ઈ-કોમર્સ

Image copyright GATESHEAD COUNCIL

ઇંગ્લેન્ડના માઈકલ એલ્ડ્રિચને 1979માં ઓનલાઈન શોપિંગના કોન્સેપ્ટની શરૂઆતનું શ્રેય આપવામાં આવે છે.

અલબત, એમેઝોન અને ઈબેએ 1995માં તેમની વેબસાઇટ્સ લોન્ચ કરી ત્યારબાદ 1990ના દાયકાથી ઈ-કોમર્સ લોકપ્રિય બન્યું હતું.


બાક શેરિંગ

Image copyright AFP/GETTY IMAGES

બાઇક શેરિંગની શરૂઆત 'વાઇટ બાઇસિકલ પ્લાન' નામથી થઈ હતી. તેનો પ્રારંભ 19609માં એમસ્ટરડેમમાં થયો હતો.

જોકે, મોબાઇક અને ઓફો જેવી ચીની કંપનીઓ બાઇક શેરિંગ માટે એક નવી રીતનો ઉપયોગ કરે છે.

એ રીત અનુસાર, યૂઝર તેમના સ્માર્ટફોન વડે બાઇક્સનું લોકેશન શોધી શકે છે અને રાઇડ પછી ગમે ત્યાં બાઇક છોડી શકે છે.


વારંવાર ખોટા દાવા શા માટે કરે છે ચીન?

ચીન 2020 સુધીમાં ખુદને એક 'ઇનોવેશન નેશન' જાહેર કરવા ઇચ્છે છે.

કદાચ આ કારણસર જ ચીન ટેક્નોલોજીનો પ્રસાર વધારવા પર જોર આપી રહ્યું છે.

ગત વર્ષોમાં ચીનને કાગળ, ગન પાવડર, પ્રિન્ટિંગ અને કંપાસનું શોધક ગણાવવામાં આવતું હતું.

ચીન તેનું જૂનું ગૌરવ પાછું લાવવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે એ દેખીતું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ