Commonwealth Games 2018 : ભારત-પાકની મેચ હૉટ ફેવરિટ

કૉમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનની તસવીર

વિશ્વના 1.5 અબજ લોકોની આંખો કેરાના સ્ટૅડિયમ પર શરૂ થઈ રહેલા 21માં કૉમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન પર મંડાયેલી હતી.

સુરક્ષા, ટ્રાફિક સંબંધીત સમસ્યાઓ અને વણવેચાયેલી ટિકિટો છતાં, આયોજકોને વિશ્વાસ છે કે આ કૉમન્વેલ્થ ગેમ્સ અત્યાર સુધીનો સૌથી સફળ રમતોત્સવ બની રહેશે.

ઇંગ્લેન્ડના ક્વીન ઇલિઝાબેથ બીજા તરફથી પ્રિન્સ ચાર્લ્સે આ રમતોત્સવનું ઉદ્ધાટન કર્યું.

તેમની સાથે તેમનાં પત્ની કેમિલા, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબુલ પણ હાજર હતા.

'ડિગ્રરિડૂ ઑર્કેસ્ટ્રા' અને 'બંજારા ઍબરિજિનિઝ' બૅલી ડાન્સ આ સમારોહનું આગવું આકર્ષણ બની રહ્યાં.

આ સાથે જ 'મિગાલી' માછલીની વિશાળ પ્રતિમા પણ ખુલ્લી મુકાઈ. આ માછળી વર્ષમાં એક વખત શિયાળામાં ગૉલ્ડ કૉસ્ટમાંથી પસાર થાય છે.

સમારોહ દરમિયાન આખું સ્ટૅડિયમ ગૉલ્ડ કૉસ્ટના 'દરિયા કિનારા'માં ફેરવી દેવાયું.

સ્ટૅડિયમમાં 46 ટનના ઑડિયો અને લાઇટિંગ ઇક્વિપ્મેન્ટ્સ લગાવાયા છે.

જોકે, આ સમારોહના યજમાન તરીકે ક્વીન્સલૅન્ડનાં વડાપ્રધાન ઍનાસ્તીઝીયા લેઝેઝકને બોલવાની તક નહીં મળતા તેઓ ઉદાસ દેખાયા હતા. આ અંગે તેઓ જાહેરમાં ગુસ્સો પણ વ્યક્ત કરી ચૂક્યા છે.

એમ છતાં, ઉદ્ઘાટન સમારોહમાં કેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે એને લઈને ભારે રહસ્ય જોવા મળી રહ્યું હતું.

આપને આ વાંચવું ગમશે :

એક જાણીતી ટીવી ચેનલ 'ચેનલ 9' દ્વારા ઉદ્ધાટન સમારોહનું 'રિહર્સલ' પ્રસારીત કરી દેવાતા તેની 'માન્યતા' રદ્દી કરી દેવાઈ છે.

ચેનલ 9એ આ અંગે માફી માગી લીધી છે. પણ, આયોજકોનું કહેવું છે કે સ્ટૅડિયમના 16000 'સ્વયંસેવકો' આ અંગે મૌન સેવી શકતા હોય તો ચેનલ 9 શા માટે ચૂપ ના રહી શકે?

ભારત-પાક હૉકી મેચ પર સૌની મીટ

ભારત અને પાકિસ્તાન હવે હૉકીના સ્ટાર નથી રહ્યા છતાં, 7 એપ્રિલે યોજાઈ રહેલી આ બન્ને દેશો વચ્ચે હૉકીની મેચને લઈને ગૉલ્ડ કૉસ્ટના લોકોમાં ભારે 'ઉત્સાહ' જોવા મળી રહ્યો છે.

જોકે, કેટલીય રમતોની ટિકિટો હજુ પણ વેચાઈ નથી. પણ, ભારત અને પાકિસ્તાનની મૅચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. અહીં રહેતા કેટલાય ભારતીયોને ટિકિટ નથી મળી અને તેઓ ભારે હતાશ છે.

ગૉલ્ડ કૉસ્ટના મોટાભાગના ભારતીયો પંજાબી છે અને હૉકીના દિવાના છે.

ભારતીય હૉકીના કૉચે કહ્યું છે કે તેઓ જ્યારે ભારતીય ટીમના નવા કૉચ બન્યા હતા ત્યારે જ તેમણે ખેલાડીઓને પાકિસ્તાન વિરુદ્ધની રમતને સહજતાથી રમવાની જ વાત કરી હતી.

ખેલાડીઓએ એ વખતે તો તેમને આવું જ કરવાનું વચન આપી દીધું હતું પણ તેઓ એને પાળી શક્યા નહોતા. ભારતના પૂર્વ કૉચ રૉલેન્ટ ઍલ્ટમેન હાલમાં પાકિસ્તાની ટીમના કૉચ છે.

તેઓનું પણ કહેવું છે કે બન્ને ટીમોની સંપૂણ તાકાત પરિણામ હાંસલ કરવાની ટેકનિકને બદલે પરિણામ મેળવવામાં લગાવી દેવાઈ છે. હાલમાં ભારતીય હૉકી વિશ્વમાં 6ઠ્ઠા ક્રમે છે. જ્યારે પાકિસ્તાનનો નંબર 13મો છે.

ઓછા પ્રવાસીઓ- હતાશ નિયોજકો

સામાન્ય રીતે ગૉલ્ડ કૉસ્ટમાં ઇસ્ટરના સમય દરમિયાન મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતાં હોય છે.

નિયોજકોને આશા હતી કે કૉમનવેલ્થ ગેમ્સને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે અને તેમને ભારે નફો રળી આપશે.

પણ, થયું એનાથી બિલકુલ ઉલટું. ગૉલ્ડ કૉસ્ટની 20% હૉટેલ્સ હજુ પણ ખાલી છે અને અહીં આવી રહેલી મોટા ભાગની ફ્લાઇટ્સ પણ મોટાભાગે ખાલી જ આવી રહી છે.

રેસ્ટરૉના માલિકો પણ કહી રહ્યા છે કે ઇસ્ટરના સમય દરમિયાન જેવી ભીડ જોવા મળે છે એવી ભીડ હજુ સુધી જોવા મળી નથી.

આ અંગેનું એક કારણ એવું પણ જાણવા મળી રહ્યું છે કે અહીં આવતા મોટા ભાગનાં પ્રવાસીઓ શાંતિ અને હળવાશ માટે આવતા હોય છે.

અને એટલે તેઓ તેમના આરામના સમય દરમિયાન કૉમનવેલ્થ ગેમ્સને કારણે કોઈ પણ પ્રકારની ખલેલ પડે એવું ઇચ્છતાં નથી. સ્થાનિક લોકો પણ આ જ કારણે અન્ય સ્થળોએ જવાનું પસંદ કરી રહ્યા છે.

બીજી બાજુ, એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેટલાય પ્રવાસીઓએ ગૉલ્ડ કૉસ્ટને બદલે બ્રિસબનમાં હૉટેલ્સ બૂક કરાવી છે.

કારણ કે ગૉલ્ડ કૉસ્ટની સરખામણીએ ત્યાં ભાડું સસ્તું છે. વળી, ગૉલ્ડ કોસ્ટથી બ્રિસબનનું અંતર પણ 80 કિલોમિટરનું જ છે.

રહી વાત ટિકિટની તો 20 હજાર જેટલી ટિકિટો હજુ સુધી વેચાઈ નથી. પણ ગૉલ્ડ કૉસ્ટના લોકો એવું કહેતાં સાંભળવા મળે છે કે 'એ યાદ રાખો કે અહીંના લોકો છેલ્લા દિવસે જ બધું ખરીદે છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો