Commonwealth Games 2018 : એક ટ્રક ડ્રાઇવરના પુત્રએ ભારતને મેડલ જીતાડ્યો

ઇમેજ સ્રોત, MIB
ઑસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલા જ દિવસે ભારતના ખાતામાં પહેલો મેડલ આવી ગયો છે.
કર્ણાટકના કે. પી. ગુરુરાજાએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે.
પુરુષોના 56 કિલો વર્ગમાં તેમણે કુલ 249 કિલો વજન ઉઠાવીને આ મેડલ પોતાના નામે કર્યો હતો.
આથી ભારત માટે પહેલા જ દિવસે ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલનું ખાતું ખુલી ગયું છે.
હવે ભારતની નજર અન્ય રમતો પર રહેશે. વેઇટ લિફ્ટિંગમાં ભારતને હજી પણ વધારે મેડલ મળવાની આશા જોવાઈ રહી છે.
કોણ છે ગુરુરાજા?
ઇમેજ સ્રોત, Twitter/@ioaindia
25 વર્ષના ગુરુરાજા કર્ણાટકના કુંદાપુર ગામમાંથી આવે છે. એક ટ્રક ડ્રાઇવરના પુત્ર ગુરુરાજા આઠ ભાઈ-બહેનોમાં પાંચમા છે.
દક્ષિણ કન્નડમાં 2010માં ગ્રેજ્યુએશન દરમિયાન તેમણે વેઇટ લિફ્ટિંગની શરૂઆત કરી હતી.
આ પહેલાં 2016માં કૉમનવેલ્થ સીનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ સુવર્ણ પદક હાંસલ કર્યું હતું.
ગુરુરાજા ગુવાહાટીમાં યોજાયેલી બારમી સાઉથ એશિયન ગેમ્સ-2016માં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.
ગુરુરાજાની આ મેચમાં શું થયું?
ઇમેજ સ્રોત, MIB
આ મેચમાં ગોલ્ડ મેડલ મલેશિયાના ઇઝહાર અહેમદને મળ્યો હતો. જ્યારે કાંસ્ય મેડલ શ્રીલંકાના લકમલને મળ્યો હતો.
ગુરુરાજાના પહેલા બે પ્રયત્નો તેમના નો લેફ્ટ એટેમ્પ ગણવામાં આવ્યા. જેનાથી ત્યાં હાજર ભારતીય દર્શકોમાં નિરાશા ઉત્પન્ન થઈ કે હવે તેઓ ત્રીજા પ્રયત્નમાં આટલું વજન ઉઠાવી શકશે કે નહીં.
પરંતુ ત્રીજા પ્રયત્નમાં તેમણે ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો