Commonwealth Games 2018 : મીરાબાઈ ચાનુએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલા જ દિવસે ભારતે પુરુષ વેઇટ લિફ્ટિંગમાં પહેલો મેડલ જીત્યા બાદ મહિલા વેઇટ લિફ્ટિંગમાં બીજો મેડલ જીત્યો છે.
મીરાબાઈ ચાનુએ ભારતને કૉમનવેલ્થના પહેલા જ દિવસે ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.
મહિલાના 48 કિલો વર્ગમાં રમતા મીરાએ ગોલ્ડ જીતાડી પહેલા જ દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યો છે.
તેમણે 110 કિલો વજન ઉઠાવીને બાકીના સ્પર્ધકોને પાછળ છોડતા ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.
તૈયારી માટે બહેનનાં લગ્ન છોડ્યાં
ઇમેજ સ્રોત, Getty Images
23 વર્ષ, 4 ફૂટ અને 11 ઇંચની મીરાબાઈ ચાનૂને જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે જોવામાં નાની આ મીરા ભલભલાને હરાવી દે છે.
48 કિલોગ્રામના વર્ગમાં એટલે કે પોતાના વજન જેટલા જ આ વર્ગમાં તેમણે તેનાથી ચાર ગણું 194 કિલોગ્રામ વજન ઉઠાવીને વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
છેલ્લા 22 વર્ષોમાં આવું કરનારી મીરાબાઈ પહેલી ભારતીય મહિલા બની ગઈ હતી.
48 કિલોનું વજન જાળવી રાખવા એ દિવસે મીરાએ ખાધું ન હતું. આ દિવસની તૈયારી માટે મીરા એના આગલા વર્ષે પોતાની સગી બહેનનાં લગ્નમાં પણ નહોતી ગઈ.
કોણ છે મીરાબાઈ ચાનુ
ઇમેજ સ્રોત, Getty Images
8 ઑગસ્ટ 1994ના રોજ જન્મેલી અને મણિપુરના એક ગામમાં ઉછરનારી મીરાબાઈ નાનપણથી જ હોશિયાર હતી.
કોઈ ખાસ સુવિધા વિનાનું તેનું ગામ ઇમ્ફાલથી 200 કિલોમીટર દૂર હતું.
એ દિવસોમાં મણિપુરની જ મહિલા વેઇટ લિફ્ટર કુંજુરાની દેવી સ્ટાર હતી અને એથેન્સ ઓલિમ્પિકમાં રમવા માટે ગઈ હતી.
બસ આ દ્રશ્ય નાની મીરાના મગજમાં બેસી ગયું અને છ ભાઈ-બહેનોમાં નાની મીરાએ વેઇટ લિફ્ટર બનવાનું નક્કી કરી લીધું.
મીરાની જીદની આગળ તેમના માતા-પિતાએ પણ હાર માનવી પડી. 2007માં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી તો તેમની પાસે લોખંડનો બાર ન હતો એટલે તેઓ વાંસના બારથી પ્રેક્ટિસ કરતાં હતાં.
ગામમાં ટ્રેનિંગ સેન્ટર ન હતું તો 50-60 કિલોમીટર દૂર ટ્રેનિંગ કરવા માટે જતાં હતાં.
સફર ખૂબ જ અઘરી હતી
ઇમેજ સ્રોત, Getty Images
જોકે, તેમની સફર એટલી સરળ પણ ન હતી કેમ કે મીરાના માતા-પિતા પાસે એટલા સંસાધન ન હતાં.
વાત ત્યાં સુધી આવી ગઈ કે જો રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ ન કરી શકી તો તે રમવાનું છોડી દેશે.
જોકે, એવું તો ના બન્યુ. વર્લ્ડ ચેમ્પિયનશિપ સિવાય મીરા ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં પણ સિલવર મેડલ જીતી ચૂકી છે.
વેઇટ લિફ્ટિંગ સિવાય મીરાને ડાન્સનો પણ શોક છે. બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "હું ક્યારેક-ક્યારેક ટ્રેનિંગ બાદ રૂમ બંધ કરીને ડાન્સ કરું છું અને મને સલમાન ખાન પસંદ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો