Commonwealth Games 2018 : જ્યારે ગોલ્ડ મેડાલિસ્ટના દુભાષિયા બન્યા બીબીસી સંવાદદાતા

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા, ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા)થી
મીરાબાઈ ચાનૂ

ઇમેજ સ્રોત, Getty Images

મીરાબાઈ ચાનૂએ પોતાના વજન કરતાં બમણું વજન ઉપાડીને ભારતને ગોલ્ડ અપાવ્યો. ચાનૂ લાલ ડ્રેસમાં આવી, પાવડર લગાવી પોતાના હાથના ભેજ દૂર કર્યો.

તે એકમાત્ર પ્રતિયોગી હતા જેમણે વજન ઉઠાવતા પહેલાં ધરતીને ચૂમી હતી. પ્રેક્ષકોનું અભિવાદન કર્યું અને પછી 'બાર'ને કપાળે અડાડ્યું.

તેમણે છ વખત 'સ્નૅચ' તથા 'ક્લીન અને જર્ક'માં વજન ઉપાડ્યું અને છએ છ વખત કૉમનવેલ્થ ગેમ્સના રેકોર્ડ તોડી નાખ્યા.

બીજા સ્થાને આવનાર મૉરિશિયસના ભારોત્તોલક રનાઈવોસોવાએ તેમના કરતાં 26 કિલોગ્રામ ઓછું વજન ઉપાડ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

જેવી ચાનૂને ખબર પડી કે તેમનો ગોલ્ડ મેડલ પાક્કો થઈ ગયો છે, તે નીચે દોડ્યા અને તેમના કોચને ગળે લગાવી લીધા.

ઑસ્ટ્રેલિયન દર્શકોને ચાનૂની સૌમ્યતા અને તેમના ચહેરા પર હંમેશા રહેતું સ્મિત ઘણું ગમી ગયું. તેમણે ચાનૂને 'સ્ટેન્ડિંગ ઓવેશન' આપ્યું.

જ્યારે મેડલ સેરેમનીમાં ભારતનો ધ્વજ ઉપર જઈ રહ્યો હતો, ત્યારે ચાનૂ તેમના આંસુને મુશ્કેલીથી રોકી રહ્યાં હતા.

સુવર્ણ ચંદ્રક જીતીને જ્યારે તેઓ 'મિક્સ ઝોન' માં આવ્યા ત્યારે ઑસ્ટ્રેલિયન ટીવી પત્રકાર તેમનો ઇન્ટર્વ્યૂ લેવા પહોંચ્યાં.

ઇમેજ સ્રોત, Getty Images

ચાનૂ તેમનાં અંગ્રેજીમાં પૂછવામાં આવતા પ્રશ્નો સમજી શક્તા નહોતા. હું આગળ વધ્યો અને જવાબોનું ભાષાંતર કર્યું. થોડી જ મિનિટોમાં તેઓ ઑસ્ટ્રેલિયન ટીવી પર હતા.

તેમણે પછીથી કહ્યું હતું કે રિયો ઑલિમ્પિક્સમાં સારું પ્રદર્શન ન કરી શકવાને કારણે ખૂબ જ અસ્વસ્થ હતા. તેઓ સાબિત કરવા માગતાં હતાં કે તે ભારત માટે મેડલ લાવી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે જીતને પોતાના પરિવારજનો, તેમના કોચ વિજય શર્મા અને મણિપુર તથા ભારતના લોકોને સમર્પિત કરી છે.

તેમનું હવે લક્ષ્ય જાકાર્તામાં રમાનાર એશિયન ગેમ્સ અને ટોકિયો ઑલિમ્પિકમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતવાનું છે.

સાઇના નેહવાલને ગુસ્સો કેમ આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

સાઇના નેહવાલને એ વાતથી ખૂબ જ નારાજ થયાં કે તેમનાં પિતા હરવીર સિંહનું નામ ભારતીય ટીમના અધિકારીઓની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું.

બન્યું હતું એવું કે રમતગમત મંત્રાલયે તેમનાં પિતા અને પી.વી. સિંધુનાં માતાને ભારતીય ટીમનાં સભ્ય બનાવ્યાં હતાં અને નક્કી કરવામાં આવ્યું હતું કે આ લોકો ગોલ્ડ કોસ્ટ જવા માટેનું ભાડું પોતે ભોગવશે.

પરંતુ જ્યારે સાઇનાના પિતા ગોલ્ડ કોસ્ટ પહોંચ્યા તો તેમનું નામ ભારતીય ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. જેથી તેમને કૉમનવેલ્થ વિલેજમાં પ્રવેશવાની મંજૂરી ન મળી.

ઇમેજ સ્રોત, TWITTER/NSAINA

નારાજ સાઇનાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે “તેમના પિતા તેમની સાથે રહેવાથી ગેમમાં જુસ્સો રહે છે. હવે ન તો તેઓ મારી મેચ જોઈ શકે છે કે ન તો વિલેજની અંદર આવી શકે છે. એટલે સુધી કે મને મળી પણ શક્તા નથી. જો તેમને ભારતીય ટીમમાંથી દૂર કરવામાં આવ્યા તો મને આ વિશે જાણ કરવી જોઇતી હતી.”

ભારતીય ઑલિમ્પિક એસોસિએશનનું કહેવું છે કે હરવીર સિંહને અધિકારીઓના વર્ગમાં ભારતીય ટીમના સભ્ય બનાવવામાં આવ્યા, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને વિલેજમાં ભારતીય ટીમ સાથે રહેવાનો અધિકાર મળે.

સાઇનાને આ વાતથી એટલે પણ વધુ દુ:ખ થયું કેમકે સિંધુનાં માતા વિજયા પુસારિયાને ખૂબ જ સરળતાથી વિલેજમાં પ્રવેશ મળી ગયો.

સાઇના એટલા નારાજ થયા કે તેમણે ભારતીય ઑલિમ્પિક એસોસિએશનને પત્ર લખ્યો કે જો તેમનાં પિતાને વિલેજમાં રહેવાની પરવાનગી ન મળી તો તેઓ આ કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં.

તેમના ધમકી કામ કરી ગઈ અને તેમના પિતાને પરવાનગી મળી ગઈ. આને પોતાનું કામ કઢાવ્યું કહેવાય!

રમ્યા વગર મેડલ

ઇમેજ સ્રોત, Getty Images

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કૉમનવેલ્થ ગેમ્સ જેવી મોટી સ્પર્ધામાં રમ્યા વગર જ મેડલ મળી શકે? તો જવાબ છે હા. ઑસ્ટ્રેલિયાના બૉક્સર ટૅલા રૉબર્ટસન સાથે આવું થયું છે.

મહિલાઓની 51 કિલોની સ્પર્ધામાં માત્ર સાત બૉક્સર્સ ભાગ લઈ રહ્યાં છે. 19 વર્ષનાં ટૅલાને નેક્સ્ટ રાઉન્ડમાં 'બાય' મળ્યો છે.

તેનો અર્થ એ થયો કે તેઓ રમ્યા વગર જ સેમી-ફાઇનલ સુધી પહોંચી ગયાં. બૉક્સિંગના નિયમો અનુસાર સેમી-ફાઇનલમાં પ્રવેશનારને બ્રૉન્ઝ મેડલ તો મળે જ છે.

બૉક્સિંગની ગેમમાં ટેલા એક પણ પંચ માર્યા વિના મેડલ મેળવશે એ નક્કી છે. આ પહેલી વખત નથી કે કોઈને લડાઈ કર્યા વિના મેડલ મળશે.

ઇમેજ સ્રોત, Michael Dodge/Getty Images

રૉબર્ટસન ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી નાની ઉંમરનાં બૉક્સર છે. તેમના કોચે તેમનું નામ 'બીસ્ટ' રાખ્યું છે, જેનો અર્થ થાય છે જાનવર.

1986માં પણ જ્યારે ઘણા આફ્રિકન દેશોએ કૉમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કર્યો, ત્યારે બૉક્સિંગની સુપર હેવી વેઇટ શ્રેણીમાં માત્ર ત્રણ બૉક્સર્સે ભાગ લીધો હતો.

વેલ્સના એનુરિન ઇવાન્સ સીધું ફાઇનલમાં 'બાય' મળ્યો હતો. જ્યાં તેમણે કેનેડાના લેનૉક્સ લુઇસને હરાવ્યા હતા. આને કહેવાય નસીબ!

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો