કૉમનવેલ્થ ગેમ્સ: સંજીતા ચાનુએ ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ મેડલ

ગોલ્ડ જીતેલી મીરાબાઈ

ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ગોલ્ડકોસ્ટ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનાં ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવ્યો છે.

સંજીતા ચાનુએ મહિલાના 53 કિલો વર્ગમાં આ સ્પર્ધા જીતીને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

તેમણે કુલ 192 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

5 એપ્રીલના રોજ મીરાબાઈ ચાનૂએ ભારત તરફથી રમતા પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જે બાદ સંજીતા પર ભારતમાંથી બધા લોકોની મીટ મંડાયેલી હતી.

સંજીતાએ જોરદાર પ્રદર્શન કરતાં કૉમનવેલ્થ ગેમ્સમાં બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

કોણ છે સંજીતા ચાનૂ

24 વર્ષની સંજીતા ચાનુ ગોલ્ડ મેડલનો સ્વાદ તો પહેલાં જ ચાખી ચૂકી છે.

ગ્લાસગોમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં જ્યારે બધાની નજર ભારતના પહેલા મેડલ પર હતી. તે સમયે સંજીતાએ ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

રમતો માટે પાવરહાઉસ ગણાતા મણિપુરમાંથી જ સંજીતા આવે છે.

ભારતને ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ગોલ્ડકોસ્ટ કૉમનવેલ્થમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર મીરાબાઈ ચાનુની જેમ જ સંજીતા પણ કુંજારાની દેવીથી ખૂબ જ પ્રભાવીત છે.

કુંજરાની દેવીએ વેઇટ લિફટિંગમાં ભારતનું નામ રોશન કર્યું હતું.

ભારતીય રેલવેની કર્મચારી સંજીતાનો સ્વભાવ શરમાળ છે પરંતુ જ્યારે મેદાનમાં ઉતરે છે તો તેનું અલગ જ સ્વરૂપ જોવા મળે છે.

માત્ર 20 વર્ષની ઉંમરે સંજીતાએ 48 કિલો વર્ગમાં 173 કિલો વજન ઉઠાવીને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સરકાર સામે લડાઈ અને મેડલથી જવાબ

જો સંજીતા બે કિલોગ્રામ વધુ વેઇટ લિફ્ટ કરતાં તો કૉમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ બની જાત. જોકે અંગત રીતે તેઓ ઘણાં ઉતાર-ચડાવથી પસાર થયાં છે.

ઘણા મેડલ જીતી ચૂકેલાં સંજીતા 2017માં એ સમયે સમાચારોમાં આવ્યાં જ્યારે અર્જુન ઍવૉર્ડની યાદીમાં તેમનું નામ નહોતું.

તે પછી તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

અર્જુન ઍવૉર્ડ તો સંજીતાને ન મળ્યો પરંતુ ગયા વર્ષે કૉમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 53 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને તેમણે જવાબ આપ્યો હતો.

કૉમનવેલ્થ 2018માં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ લાવનાર મીરાબાઈ ચાનુ અને સંજીતા વચ્ચે ઘણી સ્પર્ધા રહે છે.

ગ્લાસગો કૉમનવેલ્થમાં સંજીતાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો તો મીરાબાઈને સિલ્વર મેડલ મળ્યો હતો.

પરંતુ આ બન્ને વેઇટ લિફ્ટર સારા મિત્રો પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો