Commonwealth Games 2018 : સાયનાએ ભારતનાં જ પીવી સિંધુને હરાવીને ગોલ્ડ જીત્યો

ઇમેજ સ્રોત, AFP
ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ રમતોના 11મા દિવસે ભારતનાં સાયના નેહવાલે બેડમિંટનમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે પીવી સિંધુને હરાવ્યાં છે.
સાયના અને સિંધુ વચ્ચે એક રોમાંચક ફાઇનલની અપેક્ષા હતા. પ્રથમ ગેમ 22 મિનિટ સુધી ચાલી અને સાયનાએ તે 21-18થી જીતી લીધી હતી.
નેહવાલને મળેલા ગોલ્ડ મેડલ સાથે જ ભારતે કૉમનવેલ્થ ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલ્સની સંખ્યા 26 થઈ ગઈ છે.
આ ઉપરાંત રમતોના 11મા દિવસે ટેબલ ટેનિસની મિક્સ્ડ મેચમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
મનિકા બત્રા અને એસ. ગનાનાસેકરનની જોડીએ ભારતની જ અન્ય જોડી મોઉમા દાસ અને શરત કમલની જોડીને હરાવીને આ મેડલ જીત્યો હતો.
મનિકા બત્રાએ શનિવારે જ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગુજરાતી હરમીત દેસાઈએ ટેબલ ટેનિસ ડબલ્સમાં અપાવ્યો બ્રોન્ઝ
ઇમેજ સ્રોત, Getty Images
ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ રમતોત્સવના 10મા દિવસે ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે.
મહિલા ટેબલ ટેનિસના ફાઈનલ મેચમાં મનિકા બત્રાએ સિંગાપુરના મેંગયૂ યૂને 11-7,11-6,11-2,11-7થી પરાજય આપ્યો હતો.
સુમિત મલિકે 125 કિલોગ્રામની મેન્સ ફ્રી-સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમની ટક્કર નાઇજીરિયાના ખેલાડીની સાથે થવાની હતી. જે ઇજાગ્રસ્ત થતા સ્પર્ધામાંથી ખસી ગયા હતા.
અન્ય એક સ્પર્ધામાં ગુજરાતના હરમીત દેસાઈ અને સનિલ શંકર શેટ્ટટીએ ટેબલ ટેનિસ ડબલ્સની સ્પર્ધામાં સિંગપુરની જોડીને 11-5,11-6,12-10થી પરાજય આપ્યો હતો.
વિનસે કેનેડાની જેસિકા મૅકડૉનલ્ડને 50 કિગ્રા કૅટેગરીની ફાઇનલમાં હરાવીને ભારતને મહિલા રેસલિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
વિનેસે ચાર વર્ષ પહેલાં ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
નીરજે ભાલાફેંકમાં ગોલ્ડ જીત્યો
ઇમેજ સ્રોત, Getty Images
દિવસની રમતમાં અત્યારસુધી ભારતીય ખેલાડીઓએ છ ગોલ્ડ મેડલ જીતી લીધા છે.
ભારતના ખેલાડી નીરજ ચોપડાએ ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજની ઉંમર 20 વર્ષ છે.
આ ઉપરાંત ભારતીય ખેલાડીઓએ બૉક્સિંગ, શૂટિંગમાં પણ ગોલ્ડ મેડલ્સ જીત્યા છે.
ઇમેજ સ્રોત, Getty Images
ગૌરવ સોલંકીએ ભારત માટે બૉક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
ભારતનાં બૉક્સર મેરી કોમે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પુરુષ બૉક્સિંગમાં 52 કિલોગ્રામ વર્ગમાં બૉક્સર ગૌરવ સોલંકીએ ગોલ્ડ મેડલ જીત્યો.
આ ઉપરાંત 50 મીટર રાઇફલ શૂટિંગમાં સંજીવ રાજપુતે ગોલ્ડમેડલ જીત્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
ભારતના શૂટર સંજીવ રાજપૂત (વચ્ચે) 50 મીટર રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
આ સાથે જ ભારતીય ખેલાડીઓએ દેશ માટે જીતેલાં ગોલ્ડ મેડલ્સની સંખ્યા 26 થઈ ગઈ છે.
ભારતીય બૉક્સર મેરી કોમે ગોલ્ડ મેડલ જીત્યો
ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મહિલા બૉક્સિંગ ટીમનાં ખેલાડી મેરી કોમે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં 45-48 કિલોગ્રામ વર્ગમાં શ્રીલંકાનાં બૉક્સ અનુષા દિલરૂક્શીને ફાઇનલમા હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
તેમણે ભારત માટેની પોતાની આ જીત તેમના ત્રણ દીકરા રેચુંગવર, ખુપ્નૈવર અને પ્રિન્સને સમર્પિત કરી છે.
બે ઍથ્લિટ્ને ભારત પરત મોકલાયા
ઇમેજ સ્રોત, Reuters/Getty Images
ભારતીય એથ્લેટિક્સ ખેલાડીઓ થોડી અને બાબુને કોમનવેલ્થ ગેમ્સમાંથી પરત ભારત મોકલી દેવામા આવ્યા છે
'નો નીડલ્સ' નીતિના ઉલ્લંઘન બદલ કોમનવેલ્થ ગેમ્સમાંથી સ્વદેશ પરત મોકલવામાં આવેલા બે ભારતીય એથ્લીટ્સ પૈકીના એક માટે અપીલ કરવા ભારત વિચારી રહ્યું છે.
ટ્રિપલ જમ્પર રાકેશ બાબુ અને રેસ વોકર ઇરફાન કોલોથુમ થોડીને તત્કાળ ભારત પાછા ફરવા કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને (સીજીએફ) જણાવ્યું હતું.
આ બન્નેના અપાર્ટમેન્ટમાંથી નીડલ એટલે કે ઇન્જેક્શનની સોય એક સફાઈ કામદારને મળી આવી હતી. બીજી નીડલ રાકેશ બાબુની બેગમાંથી ઓસ્ટ્રેલિયાના એન્ટી-ડોપિંગ ઓફિસરને મળી આવી હતી.
ભારતના એથ્લેટિક્સ મેનેજર રવિન્દર ચૌધરીએ કહ્યું હતું, "તેમણે અમારા બે ઍથ્લીટ્સ પર પ્રતિબંધ શા માટે મૂક્યો એ મોટો સવાલ છે. મળી આવેલી સીરિંજ આ બન્નેની જ છે એવું તેમણે કઈ રીતે નક્કી કર્યું? એ તો રાકેશ બાબુની બેગમાંથી મળી હતી."
રવિન્દર ચૌધરીના જણાવ્યા મુજબ, બેગ પોતાની હોવાનું રાકેશ બાબુએ સ્વીકાર્યું છે, પણ નીડલનો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવ્યું હતું. તેથી રાકેશ બાબુ સંબંધે ભારત અપીલ નહીં કરે.
નીડલ વિશે કંઈ જાણતા હોવાનો ઈરફાન કોલોથુમ થોડીએ પણ ઇન્કાર કર્યો હતો.
ગેમ્સ પ્રેસિડેન્ટ લુઈસ માર્ટિને જણાવ્યું હતું કે ગુરૂવારે સીજીએફની સુનાવણી દરમ્યાન બન્ને ઍથ્લીટે બિનભરોસાપાત્ર પુરાવા આપ્યા હતા.
ભારતીય પહેલવાન બજરંગે જીત્યો ગોલ્ડ
ઇમેજ સ્રોત, Getty Images
બજરંગ પુનિયાએ ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો
ઑસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પહેલાવાન બજરંગ પુનિયાએ ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં વધુ એક ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે.
આ ઉપરાંત મહિલા કુશ્તીમાં પૂજા ધાંડાએ સિલ્વર મેડલ જીત્યો છે. આ સિવાય દિવ્યા કાકરણે પણ ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં 68 કિલોગ્રામની શ્રેણીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ સ્વરૂપે 37મો પદક જીત્યો છે.
નવમા દિવસની શરૂઆત ભારત ગોલ્ડ અને સિલ્વર મેડલથી થઈ હતી.
ભારતીય શૂટર તેજસ્વિની સાવંત મહિલાઓની કૅટેગરીમાં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતના અનિશ ભાનવાલાએ પણ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
15 વર્ષના અનિશે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે.
જ્યારે અંજુમ મૌદગીલે મહિલાઓની કૅટેગરીમાં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.
ઇમેજ સ્રોત, Getty Images
તેજસ્વીનીએ 457.9 પોઇન્ટ્સ સાથે નવો વિક્રમ નોંધાવ્યો, જ્યારે અંજુમે 455.7 પોઇન્ટ્સ અંકે કર્યા હતા.
શૂટિંગ બાદ ભારતને બોક્સિંકમાં બ્રૉન્ઝ મેડલ મળ્યો છે.
ભારતના નમન તનવરે બોક્સિગમાં ઑસ્ટ્રેલિયાના જેસોન સામે હારી જતા તેમણે બ્રૉન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડ્યો છે.
દરમિયાન મેડલ તાલિકામાં 16 ગોલ્ડ મેડલ્સ સાથે ભારત ત્રીજા ક્રમે છે. જ્યારે ઑસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે અને ઇંગ્લેન્ડ બીજા ક્રમે છે.
વધુમાં ભારતના 16 ગોલ્ડ સહિત 8 સિલ્વર અને 11 બ્રૉન્ઝ સાથે કુલ 35 મેડલ્સ થયા છે.
'ધાકડ' સુશીલ કુમારે કૉમનવેલ્થમાં જીત્યો ગોલ્ડ મેડલ
ઇમેજ સ્રોત, Getty Images
જેમના પર ભારતીયોને ગોલ્ડ મેડલની આશા હતી તે કુસ્તીબાજ સુશીલ કુમારે કૉમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
પુરષની 74 કિલો વર્ગ કુસ્તીમાં સુશીલ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ સાથે જ કૉમનવેલ્થમાં ભારતના કુલ 14 ગોલ્ડ મેડલ થયા છે.
સુશીલ કુમારે 74 કિલો ફાઇનલમાં સાઉથ આફ્રિકાના જોહાનેસ બોથાને માત આપી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
સુશીલ કુમારે સુંદર રમતનું પ્રદર્શન કરતાં 10-0થી આ મેચ જીતી લીધો હતો.
કુસ્તીમાં ભારતના રાહુલ અવારે જીત્યો ગોલ્ડ, કિરણે બ્રૉન્ઝ જીત્યો
ઇમેજ સ્રોત, Reuters
ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલનો ઉમેરો પહેલવાન રાહુલ અવારેએ કર્યો છે.
પુરષની ફ્રી સ્ટાઇલ 57 કિલો વર્ગની કુસ્તીના ફાઇનલમાં રાહુલે કેનેડાના સ્ટીવન તાકાહાશીને માત આપી હતી.
રાહુલે આ મુકાબલો 15-7ના અંક સાથે જીતી લીધો હતો.
આ મુકાબલામાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને તેમાં રાહુલે બાજી મારી લેતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તો બીજી તરફ મહિલાની ફ્રી સ્ટાઇલ 76 કિલો વર્ગની કુસ્તીમાં કિરણે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. કિરણે મોરેશિયસની કે. પરિધાવનેને 10-0થી હરાવી દીધાં હતાં.
હવે કુસ્તીમાં સુશીલ કુમાર પર સૌની નજર છે.
કુસ્તીમાં બબિતા ફોગટે સિલ્વર મેડલ જીત્યો
ઇમેજ સ્રોત, Getty Images
મહિલાની ફ્રી સ્ટાઇલ 53 કિલો વર્ગ કુસ્તીમાં ભારતની પહેલવાન બબિતા ફોગટને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે.
તેઓ કેનેડાની પહેલવાન ડાયના વિકર સામે હારી જતાં ગોલ્ડ મેડલ ગુમાવવો પડ્યો છે.
પરંતુ આ સાથે જ ભારતના ખાતામાં વધુ એક સિલ્વર મેડલનો ઉમેરો થયો છે. જેથી ભારતની મેડલ ટેલીમાં કુલ 26 મેડલ્સ થઈ ગયા છે.
દંગલ ગર્લ તરીકે જાણીતાં બબિતા આ મુકાબલો 2-5થી હારી ગયાં હતાં. બબીતા ફોગટ અને તેમનાં બહેન પર આમીર ખાને દંગલ ફિલ્મ બનાવ્યું હતું.
હવે કુસ્તીમાં ગોલ્ડ મેડલ માટે સુશીલ કુમાર અને રાહુલ અવારે પર બધાની નજર છે. જ્યારે કિરણ બ્રૉન્ઝ મેડલ માટે સ્પર્ધામાં ઉતરશે.
શૂટિંગમાં તેજસ્વિનીએ જીત્યો સિલ્વર મેડલ
ઇમેજ સ્રોત, Getty Images
કૉમનવેલ્થ ગેમ્સના 8માં દિવસે પહેલવાનોએ કરેલી શાનદાર શરૂઆત બાદ શૂટિંગમાં ભારતને પહેલો સિલ્વર મેડલ મળ્યો છે.
શૂટર તેજસ્વિની સાવંતે 8માં દિવસે ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો છે.
તેજસ્વિનીએ મહિલાઓની 50 મીટર રાઇફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે.
તેઓ 618.9 અંક સાથે આ સ્પર્ધામાં બીજા સ્થાન પર રહ્યાં હતાં. જ્યારે સિંગાપુરની માર્ટિના લિન્ડસે 621.0 અંક સાથે પ્રથમ ક્રમે રહેતા ગોલ્ડ પર કબ્જો કર્યો હતો.
કુસ્તીમાં ભારતના મેડલ નક્કી
ઇમેજ સ્રોત, Getty Images
સુશીલ કુમાર કુસ્તીમાં ફ્રી સ્ટાઇલ 74 કિલોના ફાઇનલમાં પહોંચી ગયા છે. સેમી ફાઇનલમાં તેમણે ઑસ્ટ્રેલિયાના કૉનોર ઇવાન્સને હરાવ્યા હતા.
તો બીજી તરફ કુસ્તીમાં ફ્રી સ્ટાઇલ 57 કિલોમાં ભારતના રાહુલ અવારેએ પણ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
સેમીફાઇનલમાં તેમણે પાકિસ્તાનના બિલાલને હરાવ્યા હતા.
અંકુર મિત્તલને બ્રૉન્ઝ
ઇમેજ સ્રોત, Getty Images
ડબલ ટ્રેપ શૂટિંગમાં ભારતની શ્રેયાંસી સિંઘ બાદ અંકુર મિત્તલે પણ પોતાનું કૌવત બતાવ્યું છે.
પુરુશ ડબલ ટ્રેપ શૂટિંગની ફાઇનલમાં અંકુર મિત્તલે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
એક સમયે અંકુર ફાઇનલમાં બધાથી આગળ ચાલતા હતા. પરંતુ લાસ્ટ રાઉન્ડ આવતાની સાથે તેઓ પાછળ રહી ગયા.
48ના સ્કૉરની સાથે તેઓ ત્રીજા સ્થાને રહ્યા અને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.
હાલ ભારત કુલ 12 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રૉન્ઝ મેડલ્સ એટલે કે કુલ 24 મેડલ્સ સાથે ત્રીજા સ્થાને છે.
શ્રેયાંસી સિંઘે ડબલ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો
ઇમેજ સ્રોત, Getty Images
ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલનો ઉમેરો થયો છે.
ભારતની શ્રેયાંસી સિંઘે ડબલ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ગોલ્ડ માટે શ્રેયાંસી સિંઘે ઓસ્ટ્રેલિયાની એમ્મા કોક્સ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો.
એક સમયે બંને સરખા સ્કોર પર હતાં એટલે કે બંને વચ્ચે ટાઈ પડી હતી.
જે બાદના રાઉન્ડમાં શ્રેયાંસીએ બાજી મારી લીધી અને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
હાલ ભારત 12 ગોલ્ડ મેડલ્સ સાથે કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા સ્થાને છે.
શૂટિંગમાં ઓમ મિઠરવાલને ગોલ્ડ
ઇમેજ સ્રોત, Getty Images
કૉમનવેલ્થના સાતમા દિવસની શરૂઆત ભારત માટે બૉન્ઝ મેડલથી થઈ હતી.
ઓમ મીઠરવાલે 50 મીટર પિસ્તોલ મેન્સના ફાઇનલમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
જે સાથે જ ભારતના કૉમનવેલ્થ ગેમ્સમાં 22 મેડલ્સ થયા છે.
ઓમ મીઠરવાલ પહેલાં બોક્સિંગમાં મેરિ કોમનો મેચ હતો.
જેમાં મેરિ કોમે સારું પ્રદર્શન કરતાં તેઓ ફાઇનલમાં પહોંચ્યા છે.
જેથી મહિલા બોક્સિંગમાં પણ ભારત માટે એક મેડલ નિશ્ચિત થઈ ગયો છે.
હિના સિદ્ધુને શૂટિંગમાં ગોલ્ડ
ઇમેજ સ્રોત, Albert Perez/Getty Images
કૉમનવેલ્થના છઠ્ઠા દિવસે હિના સિદ્ધુને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સાથે જ ભારતના કુલ ગોલ્ડ મેડલ 11 થયા છે.
આ પહેલા હિનાએ 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
તેમણે આ ફાઇનલમાં કૉમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. લુધિયાણામાં જન્મેલા હિના ડેન્ટિસ્ટ છે.
19 વર્ષની ઉંમરે તેઓ હંગેરિયન ઓપનમાં વિજયી રહ્યા અને વર્ષ 2009માં યોજાયેલા બીજિંગ વર્લ્ડ કપમાં તેમને સિલ્વર મેડલ જીત્યો હતો.
વર્ષ 2013માં વિશ્વ શૂટિંગ પ્રતિસ્પર્ધાના 10 મીટર એર પિસ્તોલ શ્રેણીમાં હિનાએ વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.
ભારત હોકીના સેમિફાઇનલમાં પહોંચ્યું!
ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની પુરુષ હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે.
ભારતે મલેશિયાને 2-1થી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્વિત કરી લીધું છે.
ભારત તરફથી હરમનપ્રિત સિંહે બંને ગોલ કર્યા હતા.
આ પહેલાં ભારતે વેલ્સને હરાવ્યું હતું અને પાકિસ્તાન સાથેની મેચ ડ્રો રહી હતી.
ભારત કૉમનવેલ્થ ગેમ્સમાં પૂલ બીમાં છે આ જીત સાથે જ ભારત તેના પૂલમાં ટોપ પર પહોંચી ગયું છે.
ભારતને બેડમિન્ટનમાં ગોલ્ડ
ઇમેજ સ્રોત, Getty Images
સાઇના નહેવાલની ફાઇલ તસવીર
કૉમનવેલ્થમાં 9 એપ્રિલ એટલે કે સોમવારના દિવસની શરૂઆત ભારત માટે સારી થઈ છે. વેઇટ લિફ્ટિંગ અને શૂટિંગ બાદ બેડમિન્ટનમાં ભારતને ઐતિહાસિક વિજય મળ્યો.
કૉમનવેલ્થ રમતોત્સવમાં બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સમાં ભારતને પ્રથમ વખત સુવર્ણપદક મળ્યો છે.
અશ્વિની પોન્નપ્પા, સાત્વિક રાનકિરેડ્ડી, કે. શ્રીકાંત તથા સાઇના નેહવાલની ટીમે મલેશિયાને 3-1થી પરાજય આપ્યો હતો.
મેહૂલી ઘોષે જીત્યો મેડલ
ઇમેજ સ્રોત, Getty Images
જીતૂ રાયના ગોલ્ડ બાદ હવે મહિલા વર્ગમાં 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં મેહુલી ઘોષે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.
તો તેમની સાથે જ રહેલાં અપૂર્વી ચંડેલાએ આ જ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.
આ ક્રમને બપોરે ટેબલ ટેનિસની ટીમે આગળ ધપાવ્યો. પુરુષોની ટેબલ ટેનિસની સ્પર્ધામાં ભારતે નાઇજિરીયાને 3-0થી પરાજય આપ્યો હતો.
આ સાથે ભારત 18 મેડલ્સ સાથે કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
જેમાં 9 ગોલ્ડ મેડલ્સ, 4 સિલ્વર મેડલ્સ અને 5 બ્રૉન્ઝ મેડલ્સનો સમાવેશ થાય છે.
જીતૂ રાયે ગોલ્ડ મેડલ જીત્યો
ઇમેજ સ્રોત, Getty Images
ભારતને એર પિસ્તોલમાં જેમના પર આશા હતી તે જીતૂ રાયે ભારતના ખાતામાં વધુ એક મેડલનો ઉમેરો કર્યો છે.
તેમણે 10m એર પિસ્તોલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
તેમની સાથે જ આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ઓમ મિઠરાવલે પણ સારું પ્રદર્શન કરતાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.
જીતૂ રાયે 235.1 અંકો સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ, જ્યારે મિઠરવાલે 214.3 અંકો સાથે તૃત્ય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ સાથે જ ભારતના ખાતામાં કુલ 17 મેડલ્સ થઈ ચૂક્યા છે.
જીતૂ રાય મૂળ નેપાળના છે અને ભારતીય સેનામાંથી તેઓ શૂટિંગમાં જોડાયા હતા.
વેઇટ લિફ્ટિંગમાં પ્રદીપે જીત્યો સિલ્વર
ઇમેજ સ્રોત, Twitter/@ioaindia
આ પહેલાં વેઇટ લિફ્ટિંગમાં પ્રદીપ સિંઘે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.
ભારત તરફથી પુરુષોના 105 કિલો વર્ગમાં રમતા પ્રદીપ સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો.
સ્નેચમાં 105 અને ક્લિન ઍન્ડ જર્કમાં 200 કિલો સાથે તેમણે કુલ તેમણે કુલ 352 કિલો વજન ઉઠાવ્યું હતું.
આ સ્પર્ધાંમાં સમાઓના સેનિયલ માઓએ પ્રદીપને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વેઇટ લિફ્ટિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. 15માંથી કુલ 8 મેડલ્સ વેઇટ લિફ્ટિંગમાં મળ્યા છે.
ટેબલ ટેનિસમાં ભારતને ગોલ્ડ
ઇમેજ સ્રોત, AFP
આ પહેલા કૉમનવેલ્થ રમતો 2018માં રવિવારનો દિવસ ભારત માટે સારો રહ્યો. ભારતને ટેબલ ટેનિસ, નિશાનેબાજી અને વેઇટલિફ્ટિંગની રમતોમાં મેડલ્સ મળ્યા. આ સાથે ભારતે આ રમતોમાં અત્યાર સુધી સાત ગોલ્ડમેડલ્સ જીતી લીધા છે.
હાલ ભારત સાત ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ દ્વારા કુલ 12 મેડલ સાથે યાદીમાં ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા કુલ 84 મેડલ સાથે, ઇંગ્લેન્ડ કુલ 47 મેડલ સાથે અને કેનેડા કુલ 32 મેડલ સાથે અનુક્રમે ટોચના ત્રણ સ્થાન ધરાવે છે.
મહિલા ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની મહિલા ટીમે ફાઇનલ મેચમાં સિંગાપોરની ટીમને 3-1થી હરાવી.
ભારત તરફથી મોનિકા બત્રાએ પ્રથમ મેચ જીતીને ટીમને આગળ વધારી. મધુરિકા પાટકર બીજી સિંગલ મેચમાં હારી ગયાં.
જોકે, મૌમા દાસ અને મધુરિકા પાટકરની જોડીએ ડબલ્સની મેચ જીતી લીધી. ત્યારબાદ રિવર્સ સિંગલમાં ફરી એક વખત મોનિકા બત્રાએ ભારતને વિજય અપાવ્યો.
રવિવારે ભારતને મળેલા મેડલ્સ
- ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ મહિલા ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં મળ્યો
- મહિલા ટેબલ ટેનિસ રમતમાં ભારતીય ટીમને ગોલ્ડ મળ્યો.
- 94 કિલોગ્રામ પુરુષ વેઇટ લિફ્ટિંગમાં ભારતના વિકાસ ઠાકુરને કાંસ્ય ચંદ્રક મળ્યો
- પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં રવિ કુમારને કાંસ્ય ચંદ્રક મળ્યો
- મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં મનુ ભાકરને ગોલ્ડ અને હિના સિદ્ધુને સિલ્વર મેડલ મળ્યાં
- મહિલાઓની 69 કિલો વેઇટલિફ્ટિંગમાં પૂનમ યાદવને ગોલ્ડ મેડલ
- ભારતીય બૉક્સર એમસી મૅરીકોમ મહિલાઓની 45-48 કિલો બૉક્સિંગ સ્પર્ધાની સેમી-ફાઇનલમાં
ઇમેજ સ્રોત, Getty Images
મનુ ભાકર
રવિવારે કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારત માટે શુકવંતી શરૂઆત થઈ હતી. વેઇટ લિફ્ટિંગમાં પૂનમ યાદવના ગોલ્ડ મેડલ બાદ મનુ ભાકરે પણ સુવર્ણપદક જીત્યો હતો.
મનુએ મહિલાઓની 10 મીટરની એર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગેમ રેકોર્ડ સ્થાપીને સુવર્ણપદક મેળવ્યો હતો.
મનુ માત્ર 17 વર્ષના છે. ભારતના જ હિના સિદ્ધુએ રજતપદક મેળવ્યો હતો.
બાદરમાં પુરુષોમાં 10 મીટરની એર રાયફલ સ્પર્ધામાં ભારતના રવિ કુમારે બ્રૉન્ઝ મેડલ કાંસ્યપદક જીત્યો હતો.
વિકાસ ઠાકુરના મેડલ સાથે ભારતની કુલ મેડલ સંખ્યા 11 પર પહોંચી છે.
રમતોત્સવ દરમિયાન ભારતને વેઇટ લિફ્ટિંગમાં પાંચ સુવર્ણ, એક રજત તથા બે કાંસ્યપદક મળ્યા છે.
વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ
ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સમય પ્રમાણે, રવિવારે પૂનમ યાદવે વેઇટ લિફ્ટિંગની 69 કિલોગ્રામની શ્રેણીમાં સુવર્ણપદક હાંસલ કર્યો હતો.
યાદવે કુલ 222 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું.
શનિવારે રાહુલે અપાવ્યો હતો ગોલ્ડ
ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ રગાલાની તસવીર
શનિવારે કૉમનવેલ્થ રમતોત્સવમાંથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા.
પુરુષોમાં 85 કિલોગ્રામની શ્રેણીમાં વેંકટ રાહુલ રાગાલાએ દેશને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો.
રાહુલે 'સ્નેચ'માં 151 કિલોગ્રામ તથા 'ક્લિન ઍન્ડ જર્ક'માં 187 કિલોગ્રામ સાથે કુલ 338 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું.
વેંકટ રાહુલ રાગાલાનો જન્મ 1997માં આંધ્ર પ્રદેશના સ્તુરતપુરમ ખાતે થયો હતો.
ભારતે ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારતને અત્યારસુધી કુલ છ મેડલ મળ્યા છે.
જેમાં ચાર સુવર્ણપદક, એક રજતપદક તથા એક કાંસ્યપદકનો સમાવેશ થાય છે.
પાક. સામે હોકી મેચ ડ્રો
ઇમેજ સ્રોત, Getty Images
કોમનવેલ્થ ગેમ્સ 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલી ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી હૉકી રમતની પુલ-બીની લીગ મેચ બે-બે ગોલથી ડ્રો રહી છે.
મેચની અંતિમ ક્ષણો સુધી ભારત 2-1થી આગળ હતું, પરંતુ છેલ્લી કેટલીક સેકન્ડોમાં મળેલા પેનલ્ટી કૉર્નરમાં પાકિસ્તાને ગોલ કરીને વિજયનો ઉત્સવ મનાવવાના ભારતીય હૉકી ટીમના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું.
ભારત માટે પ્રથમ ગોલ મેચની તેરમી મિનિટમાં દલપ્રિત સિંહે કર્યો. તેમણે એસવી સુનિલ પાસેથી મળેલાં સુંદર પાસને ગોલમાં પરિવર્તિત કર્યો.
પ્રથમ પંદર મિનિટમાં જ 1-0 ગોલથી આગળ થઈ જવાને કારણે ભારતે મેચના 15 મિનિટના બીજા ક્વાર્ટરમાં પણ પોતાની પકડ ઢીલી નહોતી પડવા દીધી.
ભારત માટે સતિશે જીત્યો ત્રીજો ગોલ્ડ
ઇમેજ સ્રોત, Getty Images
ભારતના વેઇટ લિફ્ટર સતિષ કુમાર
સતિશ કુમાર પુરુષોની 77 કિલો વેઇટ લિફ્ટિંગમાં કુલ 317 કિલોગ્રામ ઉપાડીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
આ ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે અને ભારતને કુલ પાંચ મેડલ મળ્યા છે. જે તમામ વેઇટ લિફ્ટિંગમાં મળ્યા છે.
આ ગોલ્ડ મેડલ જીતવા સાથે જ તેઓ ભારતના પ્રથમ પુરુષ વેઇટ લિફ્ટર બન્યા છે જેમણે બે અલગ-અલગ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હોય.
તમને આ વાંચવું પણ ગમશે:
પહેલા બે 'સ્નૅચ' પ્રયત્નમાં તેમણે સફળતાપૂર્વક 136 કિલો અને 140 કિલો વજન ઉંચક્યું હતું. ત્રીજા પ્રયત્નમાં 144 કિલો ઉપાડ્યું હતું.
જ્યારે કે 'ક્લિન અને જર્ક'માં તેમણે 169 કિલો અને 173 કિલો વજન ઉંચક્યું હતું.
કોણ છે સતિશ કુમાર?
ઇમેજ સ્રોત, Getty Images
સતિશ કુમાર તમિલનાડૂના વેલ્લૂરથી છે.
2014ની ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે 149 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સતિશ કુમારે બાર વર્ષની ઉંમરથી ટ્રેનિંગ શરૂ કરૂ હતી. એ સમયે તેમણે 15 કિલો વજન ઉંચક્યું હતું.
2006માં જ્યારે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં 50 કિલો વેઇટ લિફ્ટિંગમાં તેઓ પહેલા નંબરે આવ્યા એ તેમની પહેલી જીત હતી.
તેમણે 2010ની બલ્ગેરિયામાં યોજાયેલી એશિયન ગેમ્સ અને 2011માં સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
તેઓ જ્યારે બી.એ.ના ત્રીજા વર્ષમાં હતા ત્યારે તેમને દક્ષિણ રેલ્વેમાં ક્લાર્કની નોકરી મળી હતી.
તેમના પિતા પણ નેશનલ લેવલના વેઇટ લિફ્ટર હતા.
રિયો ઑલિમ્પિક્સમાં તેઓ 11મા નંબરે આવ્યા હતા.
ટ્વિટર પર અભિનંદન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સતિશ કુમારને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે.
રાષ્ટ્રપતિએ લખ્યું છે, “ભારતીય વેઇટ લિફ્ટર્સે ત્રીજા દિવસે દેશને ગૌરવ અપાવી રહ્યાં છે. સતિષ કુમારને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.”
ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ સતિષ કુમારને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું છે.
ઇમેજ સ્રોત, Getty Images
ભારતના દીપક લાઠેર વેઇટ લિફટિંગમાં કૉમનવેલ્થના બીજા દિવસે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.
ઑસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં દીપકે કુલ 295 કિલો વજન ઉઠાવીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
પુરુષોના 69 કિલો વર્ગમાં રમતા તેમણે આ સિદ્ધી મેળવી હતી.
દીપકે પોતાની સફળતાની કહાણી નાની વયે જ લખવાની શરૂ કરી દીધી હતી. તેઓ જ્યારે માત્ર 15 વર્ષના હતા ત્યારે જ તેમણે નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
એ સમયે પુરુષના 62 કિલો વર્ગમાં 162 કિલો વજન ઉઠાવીને તેમણે કરેલો રેકોર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નથી.
તેઓ 18 વર્ષની ઉંમરે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા છે.
તેઓ હરિયાણાના રોહતક જિંદના શાદીપુર ગામના છે અને તેમના પિતા વ્યવસાયે ખેડૂત છે.
સંજીતાએ અપાવ્યો બીજો ગોલ્ડ
ઇમેજ સ્રોત, Getty Images
6 એપ્રિલ એટલે કે બીજા દિવસે સંજીતા ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં મહિલાના 53 કિલો વર્ગમાં સ્પર્ધા જીતીને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
તેમણે કુલ 192 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
5 એપ્રીલના રોજ મીરાબાઈ ચાનૂએ ભારત તરફથી રમતા પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સંજીતા 24 વર્ષનાં છે અને તેઓ મણિપુરથી આવે છે. આ પહેલાં પણ તેઓ ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવી ચૂક્યાં છે.
માત્ર 20 વર્ષની ઉંમરે સંજીતાએ 48 કિલો વર્ગમાં 173 કિલો વજન ઉઠાવીને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મીરાબાઈ ચાનુએ ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો
ઇમેજ સ્રોત, Getty Images
5 એપ્રિલનો દિવસ ભારત માટે કોમનવેલ્થ ગેમ્સમાં સારો રહ્યો હતો.
આ દિવસે જ ભારતને પહેલો ગોલ્ડ મેડલ વેઇટ લિફટિંગમાં મીરાબાઈ ચાનુએ અપાવ્યો હતો.
તેમણે વેઇટ લિફટિંગમાં મહિલાના 48 કિલો વર્ગમાં 110 કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
23 વર્ષ, 4 ફૂટ અને 11 ઇંચની મીરાબાઈ ચાનૂને જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે જોવામાં નાની આ મીરા ભલભલાને હરાવી દે છે.
48 કિલોગ્રામના વર્ગમાં એટલે કે પોતાના વજન જેટલા જ આ વર્ગમાં તેમણે તેનાથી ચાર ગણું 194 કિલોગ્રામ વજન ઉઠાવીને વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
છેલ્લાં 22 વર્ષોમાં આવું કરનારી મીરાબાઈ પહેલી ભારતીય મહિલા બની ગઈ હતી.
8 ઑગસ્ટ 1994ના રોજ જન્મેલી અને મણિપુરના એક ગામમાં ઉછરનારી મીરાબાઈ નાનપણથી જ હોશિયાર હતી.
એક ટ્રક ડ્રાઇવરના પુત્રએ ભારતને મેડલ જીતાડ્યો
ઇમેજ સ્રોત, MIB
5 એપ્રિલના રોજ ભારતને ઑસ્ટ્રેલિયામાં પ્રથમ મેડલ પી. ગુરુરાજાએ અપાવ્યો હતો.
પુરુષોના 56 કિલો વર્ગમાં તેમણે કુલ 249 કિલો વજન ઉઠાવીને આ મેડલ પોતાના નામે કર્યો હતો.
25 વર્ષના ગુરુરાજા કર્ણાટકના કુંદાપુર ગામમાંથી આવે છે. એક ટ્રક ડ્રાઇવરના પુત્ર ગુરુરાજા આઠ ભાઈ-બહેનોમાં પાંચમા છે.
દક્ષિણ કન્નડમાં 2010માં ગ્રેજ્યુએશન દરમિયાન તેમણે વેઇટ લિફ્ટિંગની શરૂઆત કરી હતી.
આ પહેલાં 2016માં કૉમનવેલ્થ સીનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ સુવર્ણ પદક હાંસલ કર્યું હતું.
ગુરુરાજા ગુવાહાટીમાં યોજાયેલી બારમી સાઉથ એશિયન ગેમ્સ-2016માં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો