અહીં ગર્ભધારણ પહેલા લેવી પડે બૉસની પરવાનગી, નહીં તો થાય અપમાન

પ્રેગનેન્સી ટેસ્ટ કરતાં એક મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્યપણે કોઈ પણ દંપતીને જ્યારે ખબર પડે છે કે તેઓ માતા પિતા બનવા જઈ રહ્યા છે, તે ક્ષણ એ દંપતી માટે સૌથી ખુશીની ક્ષણ હોય છે. બન્ને મળીને તેની ઉજવણી કરવા ચાહે પણ જાપાનમાં પરિસ્થિતિ કંઈક અલગ છે.

પશ્ચિમી જાપાનના એચી વિસ્તારમાં જ્યારે એક દંપતીને ખબર પડી કે તેઓ માતા પિતા બનવાના છે, તેઓ આ ખુશીના સમાચાર મળતાં ચિંતામાં મૂકાઈ ગયાં હતાં.

તેનું કારણ પણ ખૂબ વિચિત્ર હતું. કેમ કે કંપનીના નિયમાનુસાર એ મહિલાનો ગર્ભધારણ કરવાનો વારો આવ્યો ન હતો, અને ગર્ભધારણ કરવા બદલ હવે તેમણે માફી માગવાની હતી.

આ મહિલા એક ખાનગી ચાઇલ્ડ કૅયર સેન્ટરમાં કામ કરતાં હતાં.

તારીખ પહેલા ગર્ભધારણ કરતી મહિલા કહેવાય છે 'સેલ્ફિશ'

ઇમેજ સ્રોત, Getty Images

ચાઇલ્ડ કૅયર સેન્ટરના ડાયરેક્ટરે તેમના સેન્ટરમાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે કડક નિયમો અને ટાઇમટેબલ ગોઠવીને રાખ્યા હતા.

મહિલાઓ ક્યારે લગ્ન કરશે અને તેઓ ક્યારે ગર્ભધારણ કરશે, તે અંગે નિર્ણય કંપની લેતી હતી.

જો મહિલા આ ટાઇમટેબલની અવગણના કરી ગર્ભધારણ કરી લે છે, તો તેને કંપની તરફથી 'સેલ્ફિશ' એટલે કે 'સ્વાર્થી' જાહેર કરવામાં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ કેસ અંગે ત્યારે જાણ મળી જ્યારે મહિલાના પતિએ 'મેઇનિચિ શિંબુન' નામના સમાચારપત્રને એક પત્ર મોકલ્યો હતો.

જેમાં તેમણે ગર્ભધારણ કરવા બદલ પત્નીને કંપનીમાંથી માનસિક ત્રાસ મળતો હોવાની વાત કહી હતી.

જાપાનનો કાયદો સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ મહિલા ગર્ભવતી છે અથવા તો પોતાના બાળકની દેખરેખ માટે રજા લે છે, અને કંપની તેમનું શોષણ કરે છે તો તે ગેરકાયદેસર છે.

કાયદો હોવા છતાં ખૂબ ઓછી મહિલાઓ એવી જોવા મળે છે કે જેઓ આ પ્રકારના કેસ મામલે કંપની વિરુદ્ધ ફરિયાદ કરે છે.

શા માટે મહિલાઓ માટે કડક નિયમો છે?

ઇમેજ સ્રોત, Getty Images

ટૉક્યો સ્થિત ટાઇમ્સના સંવાદદાતા લ્યૂસી એલેક્ઝેન્ડર કહે છે કે ઘણી કંપનીઓ આ પ્રકારના નિયમો બનાવે છે, કેમ કે તેમની પાસે સ્ટાફ હોતો નથી.

કંપની પાસે એટલા કર્મચારીઓ નથી કેમ કે તેમના બાળકો નથી. આ કારણોસર ભવિષ્યમાં પણ કર્મચારીઓની અછત થઈ શકે છે.

ગત વર્ષે એટલે કે વર્ષ 2017માં માત્ર થોડાં જ બાળકોનો જન્મ થયો હતો. આવી પરિસ્થિતિ છેલ્લે વર્ષ 1899માં સર્જાઈ હતી.

ટૉક્યોના વ્યસ્ત રસ્તાઓને જોઈને એ અનુમાન લગાવવું અઘરૂં છે કે જાપાનમાં જનસંખ્યા ખૂબ ઘટી રહી છે.

પરંતુ આંકડા કંઈક અલગ જ કહાણી રજૂ કરે છે.

સરકારી આંકડા દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2060 સુધી જાપાનની 40 ટકા વસતી 65 વર્ષ આસપાસની ઉંમરની હશે.

તો સામાન્ય વસતી આજે છે તેના કરતા એક તૃતીયાંશ ઓછી હશે.

જાપાનનાં બીબીસી રિપોર્ટર મારિકો ઓઈ જણાવે છે કે નાનપણમાં તેઓ જ્યાં રહેતા હતાં, તે ઘરની સામે એક સ્કૂલ હતી જે હવે વૃદ્ધો માટે એક નર્સિંગ હોમ બની ગઈ છે.

માત્ર આ સ્કૂલ જ નહીં, પણ દેશભરની સ્કૂલોની આવી જ પરિસ્થિતિ છે.

આ પરિસ્થિતિ પાછળ કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

લ્યૂસી એલેક્ઝેન્ડરના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિનું કારણ જાપાનમાં લાંબા સમય સુધી કામ કરવાનું છે.

અહીં પરિવારને મહત્ત્વ આપવામાં આવતું નથી, જેટલું કામને આપવામાં આવે છે.

એલેક્ઝેન્ડર જણાવે છે કે આ સમસ્યાનું એક જ સમાધાન છે કે મહિલા અને પુરુષો, બન્ને માટે કામ કરવાના કલાકોને ઘટાડી નાખવામાં આવે અને પરિવારનું મહત્ત્વ સમજવામાં આવે.

ઇમિગ્રેશનને જાપાનની ના

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનમાં આ સમસ્યાનું કારણ વધુ એક પણ હોઈ શકે છે અને તે છે ઇમિગ્રેશન.

જાપાન બીજા દેશોમાંથી વસવાટ કરવા આવતા લોકોને અટકાવે છે.

બીજી તરફ ઘણાં વિકસિત દેશ છે કે જેમણે દેશાંતરનો સ્વીકાર કર્યો છે કે જેનાથી તેમના દેશમાં કર્મચારીઓની અછત ન થાય, પણ જાપાન આ વાતમાં માનતું નથી.

ઇમેજ સ્રોત, Getty Images

જાપાન સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ એક્સચેન્જના તોશિહીરો મેન્જુ જણાવે છે કે ઇમિગ્રેશન તરફી થિંક ટેન્ક કહે છે ઇમિગ્રેશન દ્વારા રહેવા આવતા લોકોને અહીં સંભવિત અપરાધીઓ માનવામાં આવે છે.

તેઓ કહે છે કે શ્વેત લોકોને અહીં સ્વીકાર કરવામાં આવે છે, પણ જ્યારે એશિયન શરણાર્થીઓની વાત આવે છે તો જાપાન તેમનો સ્વીકાર કરતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો