સુરતના હરમીત દેસાઈ કોણ છે જેમણે ભારતને કૉમનવેલ્થમાં ગોલ્ડ જીતાડ્યો?

હરમીત દેસાઇ Image copyright FB/HARMEET

ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે ચાલી રહેલા કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારતીય પુરુષ ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમીત દેસાઈ અને જી. સાથિયાનની જોડીએ નાઇજીરિયાને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

મૂળ સુરતના વતની હરમીત દેસાઈ મેડલ જીત્યા પછી ઓસ્ટ્રેલિયામાં રાત્રે એક વાગે પણ જાગતા હતા.

હરમીત કહે છે, 'સોમવારે સવારે સિંગાપોર સાથેની સેમી ફાઇનલનું ખૂબ જ ટેન્શન હતું, પણ સેમી ફાઇનલ જીત્યા પછી અમારો આત્મવિશ્વાસ વધી ગયો હતો.'

'એ પછી ફાઇનલમાં પણ અમે સરળતાથી જીતી ગયા હતા. સેમી ફાઇનલ જીત્યા એટલે ભારતનો મેડલ તો પાક્કો જ હતો, પણ અમારે ગોલ્ડ મેડલ જ જોઇતો હતો.'

'હવે જીત્યા પછી આત્મસંતોષ છે. ખૂબ આનંદનો અનુભવ થઈ રહ્યો છે.'

તમને આ પણ વાંચવું ગમશે


ગોલ્ડ મેડલ એ જ એકમાત્ર લક્ષ્ય

Image copyright Manish Panwala

જીતની ઊજવણી કેવી રીતે કરશો તે સવાલના જવાબમાં હરમીત કહે છે, "સુરત જઇને મિત્રો સાથે બીચ પર જઈશ. પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેશન કરીશ."

ભવિષ્યના પ્લાનિંગની વાત કહેતાં તેમણે જણાવ્યું હતું, "હજી દસેક વર્ષ સુધી રમતો રહીશ. સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સ અને પછી ઓલમ્પિક ગેમ્સની તૈયારી કરીશ.

"હરમીતના ગોલ્ડ મેડલના સમાચાર મળ્યા પછી સુરતમાં તેમના ઘરનો ફોન સતત રણક્યા કરે છે.

"હરમીતનાં માતા અર્ચના દેસાઈ કહે છે, 'હરમીતને ગોલ્ડ મેડલ મળવાનો જ હતો. અમને વિશ્વાસ હતો.

"તેણે ચાર વર્ષથી મીઠાઈ નથી ખાધી. મૂવી નથી જોઈ. કોઈ તહેવાર નથી ઊજવ્યો. કોઇ ફંક્શનમાં હાજરી નથી આપી કે મિત્રો સાથે કોઈ પાર્ટી નથી કરી.

"હરમીત માટે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ એ જ એકમાત્ર લક્ષ્ય હતું."


દાળ ઢોકળી બહુ ભાવે છે

Image copyright FB/followharmeet

તેઓ ડાયટ કોન્સિયસ છે. ન્યૂટ્રિશનિસ્ટ માતા તરફથી પણ તેમને હેલ્ધી ફૂડ માટેની ટીપ્સ મળતી રહે છે.

તેમને પનીરનું શાક અને પરાઠા ખૂબ ભાવે છે. હરમીત રોજ પનીરનું શાક ખાય છે.

ગુજરાતી ભોજનમાં તેમને દાળ ઢોકળી બહુ ભાવે છે, પણ ભાત ખાતા નથી. ગળ્યું તો બિલકુલ નથી ખાતા.

ચા-કૉફી નથી લેતા. મિલ્કશેક ખાંડ વગર નેચરલ શૂગર જ લે છે. દૂધ ખાંડ વગરનું પીવે છે.

હવે હરમીત ઘરે આવશે તો તમે મોં મીઠું કેવી રીતે કરાવશો, એવા સવાલનો જવાબ આપતાં અર્ચનાબહેન કહે છે, "હું એક ચમચી આઇસક્રીમ ખવડાવીને હરમીતનું મોં મીઠું કરાવીશ."

મોદી બિહારમાં શૌચાલય અંગે ખોટું બોલ્યા કે કાચું કાપ્યું?


નાનપણથી મેચ્યોર

Image copyright Getty Images

હરમીતને ટેબલ ટેનિસ સિવાય મૂવીઝ જોવાનો, વાંચવાનો અને મ્યુઝિક સાંભળવાનો શોખ છે.

તેમને સ્પોર્ટ્સમાં ટેબલ ટેનિસ ઉપરાંત ચેસ અને બેડમિન્ટન રમવું ગમે છે.

હરમીતે ટેબલ ટેનિસથી સાથે સાથે બી.કોમ અને એમ.બી.એ.(એચઆર)નો અભ્યાસ કર્યો છે.

તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત મોટા ભાઈ અને ભાભીનો સમાવેશ થાય છે.

હરમીતનું બાળપણ યાદ કરતાં તેમની માતા અર્ચના દેસાઇ કહે છે, "તે નાનપણથી મેચ્યોર હતો.

"ક્યારેય રડતો નહીં. કોઈ જીદ નહોતો કરતો. તે શાંત સ્વભાવનો અને સોફ્ટ સ્પોકન વ્યક્તિ છે."

હરમીતના પિતા રાજૂલ દેસાઇ ગુજરાત લેવલે ટેબલ ટેનિસ રમી ચૂક્યા છે.

ગુજરાતમાં આ વિધવાઓનું પેન્શન ક્યાં જાય છે?


પિતા બન્યા કોચ

Image copyright Manish Panwala
ફોટો લાઈન હરમીત સાથે કોલ પર વાત કરી રહેલા માતા અર્ચનાબહેન

હરમીતના માતાપિતા સુરતમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલનું સંચાલન કરે છે. એ જ્યારે સ્કૂલેથી પાછા આવતા ત્યારે સાંજે હરમીત સાથે ટેબલ ટેનિસ રમતા હતા.

અર્ચના દેસાઇ કહે છે, "હરમીતને નાનપણથી જ આદત છે કે જ્યાં સુધી એ જીતે નહીં ત્યાં સુધી ગેમ છોડવાની નહીં. એ વારંવાર રમતો."

હરમીતે સાડા પાંચ વર્ષની ઊંમરે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. બે-અઢી વર્ષમાં તો તેઓ સ્ટેટ અને પછી નેશનલ લેવલે રમવા લાગ્યા હતા.

ટેબલ ટેનિસમાં દીકરાની આ રુચિને તેમના પિતાએ પારખી લીધી હતી. તેમણે હરમીતની ગેમ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

પિતા રાજૂલ દેસાઇ અને ભાઈ હૃદય દેસાઇ સાથે જ હરમીત ટેબલ ટેનિસ રમતા હતા.

14 વર્ષ સુધી તેમના પિતા તેમના કૉચ હતા અને મોટાભાઈ પ્રેક્ટિસ પાર્ટનર.

આ રાજ્યમાં અપહરણ કરીને પરાણે કરાવાય છે લગ્ન


અંતરરાષ્ટ્રીય તાલીમ

Image copyright Manish Panwala

એ પછી હરમીતને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ માટે બહાર જવાની તક મળી.

15 વર્ષની ઉંમરે તેઓ સ્વીડન ગયા અને ત્યાંથી અંતરરાષ્ટ્રિય તાલીમ મળવાની શરૂઆત થઈ.

હરમીત રમવાની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. રોજ ફિટનેસ પર ત્રણથી ચાર કલાક કામ કરે છે.

ખેલ જગતમા રફાલ નડાલ તેમનો આદર્શ છે. બોલિવૂડમાં શાહરુખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદી તેમની મનપસંદ વ્યક્તિઓ છે.

સ્ટીવ જોબ્સે નોકરી માટે કરેલી અરજીમાં શું ભૂલો હતી?


માન-સન્માન

Image copyright FB/HARMEET

હરમીતનાં માતા કહે છે, "બાળકોને ભણવામાં જ હોંશિયાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત ના કરવું જોઈએ."

"જે છોકરાં સ્પોર્ટ્સમાં આગળ હોય છે તેમને હાર-જીતની એટલી પ્રેક્ટિસ હોય છે કે તેઓ જીવનમાં ક્યારેય હતાશ થતા નથી કે આત્મહત્યાના રસ્તે જતા નથી.

"આ સિવાય સ્પોર્ટસમાં આગળ વધવાની તક પણ મળે છે.

"અમને હરમીતના નામે એટલું બધુ માન-સન્માન મળે છે કે જ્યાં જઇએ છીએ તેના માતા-પિતા તરીકે ઓળખાઇએ છીએ."

હરમીત ઓએનજીસીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે અને આટલી બધી ખ્યાતિ મેળવી રહ્યા છે તો એમના લગ્ન ક્યારે કરવાના છો એ સવાલના જવાબમાં તેમના માતા ખડખડાટ હસી પડે છે.

તેઓ કહે છે, "હરમીતના લગ્નને હજુ વાર છે, છતાં તેના પપ્પાને હરમીત માટે છોકરી જોવાનો બહુ હરખ છે. તેમણે છોકરીઓ શોધવાનું ચાલુ કરી દીધું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ