રશિયાની અમેરિકાને ચેતવણી: 'ભૂલથી પણ સીરિયા પર હુમલો ના કરતા!'

ટ્રમ્પ Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં હાલમાં જ થયેલા કથિત કેમિકલ હુમલા બાદ લેટિન અમેરિકાનો પ્રવાસ રદ કરી દીધો છે.

ટ્રમ્પે સીરિયાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે આ પ્રવાસ રદ કર્યો છે.

વ્હાઇટ હાઉસે કહ્યું, "રાષ્ટ્રપતિ વૉશિંગ્ટનમાં જ રહેશે અને સીરિયા મામલે અમેરિકાની પ્રતિક્રિયા પર નજર રાખશે."

ટ્રમ્પના પ્રવાસ રદ થવાને અને સીરિયા પર અમેરિકા દ્વારા સૈન્ય કાર્યવાહીને જોતાં રશિયાએ ચેતવણી આપી છે.

રશિયાએ કહ્યું છે કે અમેરિકાએ સીરિયા થયેલા કથિત કેમિકલ હુમલા મામલે સૈન્ય કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ


રશિયાની ચેતવણી છતાં હુમલાના અણસાર

Image copyright Getty Images
ફોટો લાઈન યૂએનમાં રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયા

યુ.એન.માં રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયાએ વોશિંગ્ટનને ચેતવણી આપતાં કહ્યું, "ખોટી રીતે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો તેના માટે અમેરિકા જ જવાબદાર હશે."

"હું ફરીથી કહું છું કે તમે જે પ્લાન બનાવી રહ્યા છો તેનાથી દૂર રહો તો સારું"

પરંતુ પશ્ચિમના નેતાઓનું કહેવું છે કે તેઓ દૌમામાં થયેલા હુમલા મામલે કાર્યવાહી કરવા માટે એકમત છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મૈક્રોને કહ્યું છે કે અમે સીરિયાની સરકારના કેમિકલ અડ્ડાઓ પર હુમલાઓ કરીશું.

રશિયા દ્વારા આ ચેતવણી યૂએનમાં કેમિકલ હુમલામાં નવેસરથી તપાસ કરવા મામલે થયેલા મતભેદ બાદ આવી છે.

Image copyright Getty Images

મેડિકલ સૂત્રોનું કહેવું છે કે કેમિકલ હુમલામાં અનેક લોકો માર્યા ગયા છે. જોકે, મૃતકોના સાચા આંકડા અંગે હાલમાં અનુમાન કરવું મુશ્કેલ છે.

ઑર્ગેનાઇઝેશન ઑફ પ્રૉહિબિશન ઑફ કેમિકલ વેપન્સ(ઓપીસીડબલ્યૂ)એ કહ્યું છે કે તેમની ટીમ જલદી જ સીરિયા પહોંચી જશે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પહેલાં સીરિયા અને વિદ્રોહીની સામે યુદ્ધનું સમર્થન કરનારા રશિયાએ કહ્યું હતું કે તેઓ તપાસકર્તા ટીમના સભ્યોને આ પ્રવાસમાં મદદ કરવા માટે તૈયાર છે.

સીરિયા આ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કરી રહ્યું છે.

આ તમામ ઘટનાક્રમની વચ્ચે પેરુમાં યોજાનારા 'સમિટ ઑફ ધી અમેરિકાઝ' માટે હવે ટ્રમ્પની જગ્યાએ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સ લેટિન અમેરિકા જશે.


શું અમેરિકા સૈન્ય કાર્યવાહી કરી શકે છે?

Image copyright Getty Images

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે હુમલાનો જવાબ 'પોતાની પૂરી તાકતથી' આપશે અને તેમણે હુમલામાં સેનાને સામેલ કરવા અંગે પણ ઇનકાર કર્યો નથી.

ગયા વર્ષે સીરિયામાં વિદ્રોહીના કબ્જાવાળા ઇદલિબ શહેરમાં થયેલા સંદિગ્ધ રાસાયણિક હુમલામાં ઓછામાં ઓછાં 58 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

તે બાદ અમેરિકાએ 50 ટૉમહૉક ક્રૂઝ મિસાઇલ્સ દ્વારા સીરિયાના એરબેઝને નિશાન બનાવ્યા હતા. સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદની સેના વિરુદ્ધ અમેરિકાનો આ પહેલો સીધો હુમલો હતો.

ગયા અઠવાડિયે શનિવારે થયેલા હુમલા બાદ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન સાથે આ મામલે ચર્ચા કરી રહ્યું છે. સાથે જ તે સૈન્ય કાર્યવાહીની સંભાવના વિશે વિચારી રહ્યું છે.

મંગળવારે આ મુદ્દે ટ્રમ્પે બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોં સાથે ફોન પર વાત કરી હતી.

વૉશિંગ્ટન સ્થિત બીબીસીનાં બારબારા ઉશર પ્લેટ કહે છે કે ટ્રમ્પનો લેટિન અમેરિકા પ્રવાસ રદ કરવાનો નિર્ણય જ એ બતાવે છે કે અમેરિકાનો જવાબ નાના હુમલાને બદલે મોટી સૈન્ય કાર્યવાહીનો હોઈ શકે છે.

સામે પક્ષે રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં એવી ચેતવણી આપી છે કે જો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે તો તેણે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ