'35 વર્ષ બાદ ખબર પડી કે જેને હું પિતા કહું છું તે મારા પિતા જ નથી!'

લેબની તસવીર Image copyright Getty Images

કોઈ વ્યક્તિને પોતાના સાચા પિતા અંગે જાણ ન હોય તે શક્ય છે? જો કોઈ એમ કહે કે તેમને જન્મના 35 વર્ષ બાદ પોતાના સાચા પિતા અંગે જાણ થઈ તો વાત માનવામાં આવે ખરી?

હા પરંતુ આ વાત સાચી છે, એક મહિલાને તેના સાચા પિતા કોણ છે તે 35 વર્ષ બાદ જાણવા મળ્યું છે.

વાત છે અમેરિકાની એક મહિલાની, જેનું નામ છે કેલી રોલેટ. તેમનો દાવો છે કે ડૉક્ટરે તેમના માતાને ગર્ભ ધારણ કરાવવા માટે 'પોતાના સ્પર્મ'નો ઉપયોગ કર્યો હતો.

હાલ કેલીએ તેમના માતાપિતાના ડૉક્ટર પર કેસ દાખલ કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કેલી રોલેટે પોતાના ડીએનએના નમૂના એનસેસ્ટ્રી ડૉટ કૉમ નામની એક વેબસાઇટને મોકલ્યા હતા.

તેમને આશ્ચર્ય થયું કે તેમના ડીએનએના નમૂના તેમના પિતાના નમૂના સાથે મેચ થયા નહીં.

36 વર્ષની કેલીને પહેલાં તો લાગ્યું કે ગડબડ તેમના ડીએનએ ટેસ્ટમાં છે, પરંતુ બાદમાં તેમને જાણ થઈ કે તેમના ડીએનએ એ ડૉક્ટર સાથે મેચ થયાં છે જેમણે તેમનો જન્મ કરાવ્યો હતો.

કેલીના માતા-પિતાએ ગર્ભધારણ માટે ઇડાહોનાં ફર્ટિલિટી ડૉક્ટરની મદદ લીધી હતી.

કેલીએ પોતાના કેસમાં સેવા નિવૃત પ્રસૂતિ સ્ત્રી રોગ નિષ્ણાત ગેરાલ્ડ મૉર્ટિમર પર છેતરપીંડી, સારવારમાં લાપરવાહી, ગેરકાયદે કામ કરવું, માનસિક રીતે પરેશાન કરવું અને બે પક્ષો વચ્ચે થયેલી સમજૂતિનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.


સવાલ એ છે કે ખબર કઈ રીતે પડી?

Image copyright Getty Images

કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર ડૉક્ટરે ત્રણ મહિના સુધી પોતાનું સ્પર્મ તેમના માતાના શરીરમાં નાખ્યું હતું.

કેલીના માતા એશબી અને પિતા ફાઉલરનું કહેવું છે કે જો તેમને જાણ હોત કે ડૉક્ટર તેમના સ્પર્મનો ઉપયોગ કરવાના છે તો તેઓ આ માટે ક્યારેય રાજી ના થાત.

દસ્તાવેજો અનુસાર ડૉક્ટર મૉર્ટિમરે જ બાળકનો જન્મ કરાવ્યો હતો અને જન્મના કેટલાક દિવસો સુધી તેની સારસંભાળ કરી હતી.

જ્યારે એશબી અને ફાઉલરે તેમને જણાવ્યું કે હવે તેઓ વૉશિંગ્ટન જઈ રહ્યાં છે તો ડૉક્ટર રડી પડ્યા હતા.

કેલીએ તેમના આરોપોમાં કહ્યું છે કે તેમને આ મામલે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી કે તેમના માતાને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી હતી.

કેલીએ જ્યારે ડીએનએ રિપોર્ટ મામલે તેમના માતા સાથે વાત કરી ત્યારે તેમને ગર્ભધારણ કરતી વખતે મુશ્કેલીની ખબર પડી હતી.

કેલીના માતાપિતા, સૈલી એશબી અને હાવર્ડ ફાઉલનાં લગ્ન 1980ના દાયકામાં થયાં હતાં. તે સમયે તેઓ વોયમિંગ સરહદની પાસે ઇડાહો ફૉલ્સની નજીક રહેતાં હતાં. હાલમાં બંનેના છૂટાછેડા થઈ ગયા છે.


ડૉક્ટરે આવું કેમ કર્યું?

Image copyright Getty Images

કેલીના પિતાનાં સ્પર્મ કાઉન્ટ ઓછાં હતાં અને તેમના માતા ગર્ભાશયની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં.

આ કારણે બંનેએ કૃત્રિમ રીતે ગર્ભધારણ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

જેમાં મેડિકલ પ્રક્રિયાની રીતે હાવર્ડ ફાઉલર અને એક સ્પર્મ ડોનરના સ્પર્મ દ્વારા એશબીને ગર્ભધારણ કરાવવાનો હતો.

એશબી અને ફાઉલરે ડૉક્ટર ગેરાલ્ડ મૉર્ટિમરને કહ્યું હતું કે ડોનર એક એવો કૉલેજનો વિદ્યાર્થી હોવો જોઈએ જે 6 ફૂટનો હોય અને જેમની આંખો ભૂરી હોય અને વાળ બ્રાઉન કલરના હોય.

ગયા વર્ષે કેલીએ પોતાના માતા સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે લાગે છે કે એનસેસ્ટ્રી ડૉટ કૉમને મોકલવામાં આવેલો તેમનો ડીએનએ ટેસ્ટ ખોટો છે.

તેમના માતાને આ જાણીને ઝાટકો લાગ્યો કે માતાપિતાની સૂચીમાં જે નામ સામેલ છે તેમાં એક ત્રીજું નામ પણ સામેલ છે.

એશબીએ તેમના પૂર્વ પતિ સાથે વાત કરી અને બંનેએ નક્કી કર્યું કે તેઓ પોતાનો શક જાહેર નહીં કરે.

આરોપ છે કે "ડૉક્ટર મૉર્ટિમરને જાણ હતી કે કેલી તેમની પુત્રી છે, પરંતુ તેમણે ક્યારેય આ વાત કેલીના માતાપિતાને બતાવી નહીં."

"તેમણે છેતરપીંડી કરી અને જાણી જોઈને આ વાત છુપાવી હતી કે તેમણે ગર્ભધારણની પ્રક્રિયામાં પોતાના સ્પર્મનો ઉપયોગ કર્યો છે."


બર્થ સર્ટિફિકેટ જોતાં ઘટસ્ફોટ થયો!

Image copyright Getty Images

દસ્તાવેજો પ્રમાણે, "એશબી અને ફાઉલરે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને એ વિચારીને હેરાન થતાં રહ્યાં કે આ જાણકારી સામે આવવાથી તેમની પુત્રીને કેટલું દુ:ખ થશે."

બાદમાં કેલીએ પોતાનું જન્મપ્રમાણપત્ર જોયું જેમાં ડૉક્ટર મૉર્ટિમરનું નામ અને હસ્તાક્ષર હતા.

તે આ વાતથી ડરી ગઈ અને તેમણે વાત કરવા માટે પોતાના માતાપિતાનો સંપર્ક કર્યો.

કેલીના વકીલે સ્થાનિક મીડિયામાં એક નિવેદન જારી કરીને કહ્યું કે પરિવારે આ વાત જાહેર કરવાનું નક્કી કર્યું છે.

તેમનું કહેવું છે, "તેઓ પોતાની કહાણી સાર્વજનિક રીતે જણાવશે જેથી ભરોસો તોડનાર દોષીતોની જિમ્મેદારીઓ નક્કી કરી શકાય."

"પરિવારને એ વાતનો અંદાજ છે કે આ મામલામાં લોકોને જાણવાની ઇચ્છા હશે. પરંતુ તેમનું કહેવું છે કે તેમની પ્રાઇવસીનું સમ્માન કરવામાં આવે. આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવવા માટે લોકો તેમનો સાથ આપે."

Image copyright Getty Images

એનસેસ્ટ્રી ડૉટ કૉમ વેબસાઇટના પ્રવક્તાએ વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું, "ડીએનએ ટેસ્ટિંગ દ્વારા લોકો પોતાના પરિવાર અને વંશ અંગે વધારે જાણકારી પ્રાપ્ત કરી શકે છે."

"અમે આ મામલામાં સાચી જાણકારી આપવા માટે પૂરા પ્રયત્નો કરીએ છીએ. પરંતુ એવું આ મામલામાં થયું કે લોકોને ક્યારેક અજ્ઞાન સંબંધો વિશે જાણકારી મળી જાય છે."

ગયા વર્ષે એક બીજો મામલો પણ સામે આવ્યો હતો, જેમાં ઇન્ડિયાનાના એક ફર્ટિલિટી ડૉક્ટર પર આરોપ હતો કે તેમણે પોતાના દર્દીઓને ગર્ભધારણ કરાવવા માટે પોતાના સ્પર્મનો ઉપયોગ કર્યો હતો.

કોર્ટના રેકોર્ડથી જાણ થઈ કે કરાવવામાં આવેલા પેટર્નિટી ટેસ્ટ્સમાં જાણકારી મળી કે તે પોતાના પાસે સારવાર માટે આવનારી મહિલાઓમાંથી ઓછામાં ઓછાં બે બાળકોના પિતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ