અલ્જિરિયામાં સૈન્ય વિમાનના ક્રૅશમાં 257નાં મૃત્યુ

ઘટના સ્થળે ચાલી રહેલા રાહત કાર્યની તસવીર Image copyright Reuters
ફોટો લાઈન ઘટના સ્થળે રાહત કાર્ય માટે બચાવદળ પહોંચી ગયું છે

અલ્જિરિયામાં એક સૈન્ય વિમાન તૂટી પડવાને કારણે ઓછામાં ઓછા 257 લોકો મૃત્યુ પામ્યા હોવાનું સ્થાનિક મીડિયાના અહેવાલોમાં નાગરિક સુરક્ષાના અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે.

આ ઘટના બુધવારે સવારે બની હતી. આ ઘટના અલ્જિરિયાની રાજધાની અલ્જિર્સની નજીક આવેલા બૌફરિકના સૈન્ય એરપોર્ટ પરથી વિમાને ઊડાન ભરતાંની સાથે જ તૂટી પડ્યું હતું.

આ ક્રૅશના કારણો હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યાં.

સંરક્ષણ મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદન અનુસાર સૈન્યનાં વડાએ આ ઘટનાની તપાસના હુકમો આપી દીધા છે અને તેઓ સ્થળની મુલાકાત પણ લેશે.

નિવેદનમાં જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં વેસ્ટર્ન સહારા માટે મોરોક્કો પાસેથી સ્વતંત્રતા માગી રહેલી અને અલ્જિરિયાનો ટેકો ધરાવતા પોલિસૅરિયો ફ્રન્ટના ઓછામાં ઓછા 26 સભ્યો હોવાનું કહેવાય છે.

આ વિમાનનાં ચાલકદળમાં શામેલ 10 લોકોના પણ મૃત્યુ થયા છે.

મૃત્યુ પામેલાં લોકોમાં મોટાભાગના સૈન્યના અધિકારીઓ અને તેમના પરિવારજનો હતાં.

તમને આ વાંચવું પણ ગમશે:

સરકાર દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના અધિકૃત આંકડા હજી જાહેર કરવામાં નથી આવ્યા.

વર્ષ 2014ના જુલાઈમાં થયેલા મલેશિયન એરલાઇન્સની ફ્લાઇટ એમએચ17ના પ્લેન ક્રેશ બાદનો આ બીજો સૌથી મોટો અકસ્માત છે.

યુક્રેનના પૂર્વભાગની ઉપર હવામાં થયેલા એ પ્લેન ક્રૅશમાં વિમાનમાં સવાર તમામ 298 લોકો મૃત્યુ પામ્યા હતા.

Image copyright SAID
ફોટો લાઈન સ્થાનિકો દ્વારા મોકલવામાં આવેલી ઘટના સ્થળની તસવીરોમાં ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો જોવા મળી રહ્યો છે

ઘટના સ્થળના દૃશ્યોમાં મેદાનમાં પડેલાં વિમાનના કાટમાળમાંથી ધુમાડો નીકળતો દેખાય છે.

ટીવીના સમાચારો જણાવે છે કે 14 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

ચાર વર્ષ પહેલાં અલ્જિરિયામાં સૈન્યના અધિકારીઓ અને તેમના પરિવારને લઈ જઈ રહેલું એક વિમાન તૂટી પડ્યું હતું, જેમાં 77 લોકોના મૃત્યુ થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ