ઇમરાન ખાનના 'ભગવાન શિવ' રૂપથી પાકિસ્તાનની સંસદમાં તાંડવ

ઇમરાન ખાનની તસવીર Image copyright Getty Images

ભગવાન શંકરની તસવીરમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને રાજકીય નેતા ઇમરાન ખાનનો ચહેરાનો વિવાદ પાકિસ્તાનમાં વધી રહ્યો છે.

પાકિસ્તાની સંસદના અધ્યક્ષે પીટીઆઈ (પાકિસ્તાન તહરિક-એ-ઇંસાફ પાર્ટી)ના વડા ઇમરાન ખાનને હિંદુ દેવતાના સ્વરૂપે રજૂ કરવાની ઘટનાની તપાસ સંઘીય તપાસ એજન્સી (એફઆઈએ)ને સોંપી દેવામાં આવી છે.

બુધવારે પાકિસ્તાની સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષના મુખ્ય પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના એક સભ્ય રમેશ લાલે કહ્યું કે સત્તાધારી મુસ્લિમ લીગ (નવાઝ)ના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેમને હિંદુ દેવતા શિવના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે.

સંસદના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિકે ગૃહમંત્રી તલાલ ચૌધરીને કહ્યું કે આ ઘટનાનો અહેવાલ વહેલી તકે સંસદમાં રજૂ કરવામાં આવે.


હિંદુઓની ધાર્મિક ભાવનાઓ

Image copyright @Nathkaidar

રમેશ લાલે કહ્યું કે ઇમરાન ખાનના વિરોધમાં સત્તાધારી પક્ષના લોકોએ ખરેખર તો હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

તેમનું કહેવું હતું કે, પાકિસ્તાનના સંવિધાનમાં એ સ્પષ્ટ રીતે લખાયેલું છે કે કોઈ પણ વ્યક્તિની ધાર્મિક ભાવનાને ઠેસ નહીં પહોંચાડવામાં આવે.

તેમણે આક્ષેપ કર્યો કે સત્તાધારી પક્ષના ઘણા કાર્યકર્તાઓ અને પાર્ટીની સોશિયલ મીડિયા સેલના લોકો એવા કામમાં સંકળાયેલા છે, જેનાથી અન્ય ધર્મના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રમેશ લાલે માગણી કરી હતી કે આ માટે જવાબદાર લોકો વિરુદ્ધ એ જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવે જે રીતે મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા લોકો સામે કરવામાં આવે છે.

સંસદના અધ્યક્ષે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરતા આ ઘટનાની તપાસ માટે એફઆઈએના સાઇબર સેલને આદેશ આપ્યો.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ પણ હિંદુઓના ધાર્મિક અધિકારોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે છેલ્લાં કેટલાક દિવસોથી સક્રિય દેખાય છે.

પંજાબ પ્રાંતના ચકવાલ વિસ્તારમાં કટાસરાજ મંદિરની ખરાબ હાલ જોઇને કોર્ટે સુઓ મોટો નિર્ણય લીધો અને હિંદુઓના આ પવિત્ર સ્થળની સંભાળ લેવા માટે ઘણા પગલાં ભર્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો