માતાપિતાનાં મૃત્યુનાં ચાર વર્ષ બાદ જન્મ્યુ બાળક

પ્રતિકાત્મક તસ્વીર Image copyright CHINA PHOTOS

તમારા માન્યામાં પણ ન આવે એવી ઘટના બની છે. એક દંપતીના મૃત્યુના ચાર વર્ષ બાદ તેમના સંતાનનો જન્મ થયો છે.

દુનિયામાં ભાગ્યે જ બનતી આવી વિચિત્ર ઘટનામાં એ સંતાનના જન્મ ઉપરાંત તેની નાગરિકતા તેના માતા-પિતાના દેશની જ જળવાઈ રહે તે માટે પણ ખેલ પાડવો પડ્યો હતો.

ચીનમાં એક બેબીનો જન્મ, તેના મમ્મી-પપ્પાનું કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયાના ચાર વર્ષ બાદ થયો હોવાના સમાચાર ચીનના મીડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આ સમાચારો અનુસાર આ બાળકના માતા-પિતાના અવસાન બાદ તેના દાદા-દાદી તેના જન્મ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડ્યાં હતાં, પરંતુ ચીનની સરકારની નીતિ જ ન હોવાથી તેમણે અનોખા ઉપાય શોધવા પડ્યા.

આ રસપ્રદ વાતમાં જાણો કેવી રીતે થયો આ અનોખા બાળકનો જન્મ


શું હતી ઘટના?

Image copyright Getty Images

એક દંપતી ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન એટલે કે કૃત્રિમ ગર્ભાધાન મારફત એક બાળક મેળવવા ઈચ્છતું હતું.

તેથી એ દંપતીએ સંખ્યાબંધ ગર્ભાંકૂર થીજાવી રાખ્યાં હતાં, પણ એ દંપતી 2013માં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું.

એ દંપતીએ થીજાવેલાં ગર્ભાંકૂરનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવવા દંપતીના માતા-પિતા લાંબી કાયદાકીય લડાઈ લડ્યાં હતાં.

શું તમે આ વાંચ્યું?

લાઓસની એક સરોગેટ માતાની કૂખે ચીની દંપતીનો દીકરો ડિસેમ્બરમાં જન્મ્યો હતો. આ કિસ્સા બાબતે સૌપ્રથમ અહેવાલ ધ બીજિંગ ન્યૂઝે ગયા સપ્તાહે પ્રકાશિત કર્યો હતો.

આ પ્રકારના કેસમાં ચોક્કસ દિશાનિર્દેશના અભાવે મૃત દંપતીનાં માતા-પિતાએ કેવી લાંબી લડાઈ લડીને સરોગસીની પરવાનગી મેળવી હતી તે વિશે અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.


ચોક્કસ દિશાનિર્દેશનો અભાવ

Image copyright Science Photo Library

ચીની દંપતીને કાર અકસ્માત નડ્યો તે પહેલાં તેમનાં ગર્ભાંકૂર નાન્જિંગની એક હોસ્પિટલમાં માઈનસ 196 ડીગ્રી તાપમાનમાં લિક્વિડ નાઈટ્રોજન ટેન્કમાં સલામતીપૂર્વક થીજાવી રાખવામાં આવ્યાં હતાં.

દંપતી પૈકીની યુવતી અને યુવાન બન્નેના માતા-પિતા લાંબી કાયદાકીય લડાઈ બાદ તેમનાં સંતાનના ગર્ભાંકૂર પર અધિકાર મેળવી શક્યાં હતાં.

અહેવાલમાં જણાવ્યા મુજબ, પોતાનાં પુખ્ત વયનાં સંતાનોએ થીજાવેલાં ગર્ભાંકૂર પર માતા-પિતા અધિકાર ગણાય કે નહીં એ વિશે ચોક્કસ કાયદાકીય દિશાનિર્દેશનો અભાવ છે.

મૃત દંપતીનાં માતા-પિતાને આખરે ગર્ભાકૂંરનો કબજો સોંપવામાં આવ્યો હતો, પણ એ પછી બીજી સમસ્યા શરૂ થઈ હતી.

બીજી હોસ્પિટલ ગર્ભાંકૂરને સ્ટોર કરી શકશે એવો પૂરાવો આપવામાં આવે તેવી શરત નાન્જિંગ હોસ્પિટલમાંથી ગર્ભાંકૂર લઈ જતાં પહેલાં મૂકવામાં આવી હતી.

ટ્રાન્સપ્લાન્ટ ન થયાં હોય તેવાં ગર્ભાંકૂર સંદર્ભે કાયદાકીય અનિશ્ચિતતા હોવાથી આ કેસમાં સંકળાવા તૈયાર હોય તેવી બીજી મેડિકલ ઈન્સ્ટિટ્યૂશન ચીનમાંથી શોધવાનું અઘરું હતું.

વળી ચીનમાં સરોગસી પણ ગેરકાયદે ગણાય છે. તેથી મૃત દંપતીનાં માતા-પિતા પાસે દેશની સરહદ પાર નજર કરવાનો વિકલ્પ જ બચ્યો હતો.


પિતૃત્વ અને રાષ્ટ્રીયતા પૂરવાર કરવાનો પડકાર

Image copyright Getty Images

ભાવિ દાદા-દાદી અને નાના-નાનીએ એક સરોગસી એજન્સી સાથે વાત કરી હતી અને લાઓસમાં સરોગસી મારફત બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો.

લાઓસમાં સરોગસી કાયદેસર ગણાય છે.

કોઈ એરલાઈન્સ લિક્વિડ નાઈટ્રોજનની થર્મોસની સાઈઝની બોટલ સ્વીકારવા તૈયાર ન હતી. તેથી એ કિંમતી જણસને કાર મારફત લાઓસ મોકલવામાં આવી હતી.

લાઓસમાં એક સરોગેટ માતાના ગર્ભમાં મૃત દંપતીનાં ગર્ભાંકૂરનું આરોપણ કરવામાં આવ્યું હતું અને 2017ના ડિસેમ્બરમાં સરોગેટ માતાએ એક દીકરાને જન્મ આપ્યો હતો.

એ છોકરાનું નામ ટિયાનટિયાન રાખવામાં આવ્યું છે, પણ તેની રાષ્ટ્રીયતા બાબતે સમસ્યા સર્જાવાની શક્યતા હતી.

તેથી લાઓસની સરોગેટ માતાને સાદા ટુરિસ્ટ વીઝા પર ચીન લઈ જવામાં આવ્યાં હતાં અને ચીનમાં ટિયાનટિયાનનો જન્મ થયો હતો.

ટિયાનટિયાનના મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યાં છે. તેથી ટિયાનટિયાન પોતાનો જ પૌત્ર-દોહિત્ર છે એ પૂરવાર કરવા દાદા-દાદી અને નાના-નાનીએ બ્લડ ટેસ્ટ તથા ડીએનએ ટેસ્ટ કરાવવા પડ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા