રશિયાની સીરિયા મામલે ‘ખતરનાક’ કાર્યવાહીની ચેતવણી

ટ્મ્પ પુતિન Image copyright Getty Images

રશિયાએ ગંભીર ચેતવણી આપતાં કહ્યું છે કે, જો અમેરિકા કથિત કેમિકલ હુમલાના પ્રતિભાવમાં સીરિયા પર મિસાઇલ હુમલા કરશે તો બન્ને દેશો (રશિયા અને અમેરિકા) વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે.

રશિયા સતત પશ્ચિમના દેશોને ચેતવણી આપી રહ્યું છે કે તેઓ સીરિયા પર હુમલો કરવાની ગંભીર ભૂલ ના કરે.

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત વસિલી નેબેન્ઝિયાએ ચેતવણી આપી છે કે જો અમેરિકા સીરિયા પર હુમલો કરશે તો અમેરિકા અને રશિયા વચ્ચે યુદ્ધના સંજોગો ઊભા થઈ શકે છે.

નેબેન્ઝિયાએ અમેરિકા અને તેમના મિત્ર દેશો પર આરોપ લગાવ્યા કે તેઓ તેમની આક્રમક નીતિને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિને ખતરામાં નાખી રહ્યા છે.

તેમણે વર્તમાનમાં ઊભી થયેલી સ્થિતિને બહુ જ ખતરનાક ગણાવી હતી.


શું અમેરિકા સીરિયા પર મિસાઇલ હુમલાની તૈયારી કરી રહ્યુ છે?

Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિએ સીરિયામાં કથિત કેમિકલ હુમલા બાદ કાર્યવાહી કરવા માટે પોતાનો લેટીન અમેરિકીનો પ્રવાસ રદ કરી દીધો હતો.

હવે ટ્રમ્પે કહ્યું છે કે સીરિયા પર કાર્યવાહી મામલે જલ્દી જ નિર્ણય લઈ લેવામાં આવશે.

તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે તેમની ટીમ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.

11 એપ્રિલના રોજ ટ્રમ્પે રશિયાએ આપેલી ચેતવણી સામે કહ્યું હતું કે મિસાઇલ આવી રહી છે તમે તૈયાર રહેજો.

રશિયાએ કહ્યું હતું કે તે અમેરિકાની મિસાઇલને જ ઉડાવી દેશે, તેના જવાબમાં ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું.

તેમાં રશિયાને તૈયાર રહેવાનું કહેતા ટ્રમ્પે કહ્યું હતું કે આ નવી અને સ્માર્ટ મિસાઇલ હશે.

તમે આ વાંચ્યું કે નહીં?

માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમના દેશો સીરિયા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.

ગુરુવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોને કહ્યું હતું કે સીરિયાના દૌમા શહેરમાં કેમિકલ એટેક થયો હતો તેના પુરાવા તેમની પાસે છે.


યૂકેની કેબિનેટમાં સહમતિ

Image copyright Getty Images

સીરિયા પર કેમિકલ હુમલા મામલે કાર્યવાહી કરવા માટે પશ્ચિમના દેશો એક થઈ રહ્યા છે.

યૂકેની કેબિનેટમાં સીરિયા પર કાર્યવાહી કરવા માટે સહમતિ સધાઈ ગઈ છે.

કેબિનેટ પ્રધાનો એ વાત પર સહમત થયા છે કે આવનારા સમયમાં સીરિયામાં ફરીથી કેમિકલ હથિયારોનો ઉપયોગ ના થાય તે માટે હાલ કાર્યવાહી કરવી જરૂરી છે.

બે કલાક ચાલેલી આ કેબિનેટ મીટિંગમાં પ્રધાનોમાં એ વાતે સહમતિ સધાઈ હતી કે સીરિયાના રાષ્ટ્રપતિનો આ કથિત કેમિકલ હુમલામાં હાથ હોય તેવી પૂરી શક્યતાઓ છે.

જોકે, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જો જોન્સને કહ્યું, "પરંતુ સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરવી કે નહીં તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી."


કેમિકલ હુમલાના પુરાવા હોવાનો ફ્રાન્સનો દાવો

Image copyright AFP

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોને કહ્યું છે કે તેમની પાસે એ વાતના પૂરાવા છે કે સીરિયાની સરકારે ગયા સપ્તાહે દૌમા શહેર પર હુમલો કર્યો હતો અને તેમાં તેમણે કેમિકલ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

તેમણે કહ્યું કે તેઓ સમય આવતા નિર્ણય લેશે કે હવાઈ હુમલાઓથી તેનો જવાબ આપી શકાય કે નહીં.

આ પહેલાં તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ અને તેમના મિત્ર દેશો સીરિયા પર કાર્યવાહી કરવાનો સમય નક્કી કરશે.

માનવામાં આવી રહ્યું છે કે મૈક્રોન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સતત સંપર્કમાં છે.


સીરિયાના દૌમામાં શું થયું હતું?

Image copyright Getty Images

સામાજીક કાર્યકર્તાઓ અને મેડિકલ સ્ટાફના કહેવા પ્રમાણે દૌમામાં અનેક લોકો કેમિકલ હુમલાથી મરી ગયા છે.

આરોપ મુજબ સરકારના વિમાનોએ ઝેરી કેમિકલથી ભરેલા બોમ્બ આ વિદ્રોહીના કબ્જાવાળા શહેર પર ફેંક્યા હતા.

જોકે, સીરિયાના રાષ્ટ્રપતિ અસાદની સરકાર આ આરોપોને નકારી રહી છે.

ગુરુવારે અમેરિકાના અધિકારીઓએ કહ્યું હતું કે ભોગ બનેલા લોકોના સેમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં, જે પોઝિટીવ આવ્યાં છે.

સીરિયામાં દૌમા વિદ્રોહીના હાથમાં રહેલો છેલ્લો સૌથી મોટો વિસ્તાર છે.

સામાજીક કાર્યકરોના કહેવા પ્રમાણે રશિયા અને વિદ્રોહી વચ્ચે થયેલા કરાર મુજબ વિદ્રોહીના મુખ્ય નેતાઓ હાલ શહેર છોડીને જતા રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ